Connect Gujarat
ગુજરાત

બોડેલી : રાસકા ગામે ઝેરી કેમિકલ ભરેલાં બેરલ સાથે ટ્રક ઝડપાઇ

બોડેલી : રાસકા ગામે ઝેરી કેમિકલ ભરેલાં બેરલ સાથે ટ્રક ઝડપાઇ
X

બોડેલી તાલુકાના મોટા રાસકા ગામની સીમ અને જાંબુઘોડા અભ્યારણના જંગલ વિસ્તારમાં અતિ દુર્ગંધ મારતું ઝેરી પ્રકારનું કેમિકલ ખાલી કરવા આવેલ એક ટ્રકને ગ્રામજનોની મદદથી શિવરાજપુર રેંજ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ટ્રક મૂકી ફરાર થઈ ગયેલ ટ્રકચાલકની શોધખોળ આરંભી છે.

બોડેલી તાલુકાના ઝંડ હનુમાન જવાના રસ્તા પર આવેલ મોટા રાસકા ગામ ની સીમ અને જાંબુઘોડા અભ્યારણ ના જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ તેમજ પાલતુ પ્રાણીઓને નુકશાન પહોંચાડી મોતને ઘાટ ઉતારી શકે તેવા અતિ દુર્ગંધ મારતા ઝેરી કહી શકાય તેવા પ્રવાહી અને ઘન પ્રકારના કેમિકલ ખાલી કરવા આવેલ એક ટ્રકને મોટા રાસકા ગામના ગ્રામજનોની મદદથી શિવરાજપુર રેંજ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ ૪૫ ખાલી બેરલ અને ૩૫ જેવા કેમિકલ ભરેલાં બેરલ સાથે ઝડપી પાડી હતી.

દિવસે દિવસે વન્યપ્રાણીઓની સંખ્યા ઓછી થતી જાય છે.

ત્યારે વન્ય પ્રાણીઓનું જતન કરવું ખૂબ જરૂરી બન્યું છે એવા સમયે આવા વન્ય પ્રાણીઓ અને પાલતુ પ્રાણીઓ ને મોતને ઘાટ ઉતારી શકે તેવા અતિ દુર્ગંધ મારતા ઝેરી કહી શકાય એવા કેમિકલ ને જાંબુઘોડા વન્ય અભ્યારણ ના જંગલ વિસ્તારમાં ખાલી કરવામાં આવતું હોવાનો બનાવ સામે આવ્યો છે. ગતરાત્રીના આ જાંબુઘોડા વન્ય અભયારણ્યનાં જંગલ વિસ્તાર અને બોડેલી તાલુકાના મોટા રાસ્કા ગામની સીમમાં થી પસાર થતી સુખી સિંચાઈ યોજનાની કેનાલ પાસે વન્ય તેમજ પાલતુ પ્રાણીઓને મોતને ઘાટ ઉતારી શકે તેવું ઝેરી કહી શકાય શકાય તેવું કેમિકલ ભરેલા બેરલો ભરીને એક ટ્રક નંબર- GJ-17/ -UU-1817 આવી કેમિકલ ખાલી કરી રહી હોવાની જાણ ગ્રામજનોને થતા તેઓએ તુરતજ શિવરાજપુર રેન્જ ફોરેસ્ટ વિભાગનાં અધિકારીને જાણ કરતા આર.એફ.ઓ એફ એ ખત્રી તેમના સાથી ફોરેસ્ટ કર્મચારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

ફોરેસ્ટ અધિકારીઓ અને ગ્રામજનોને આવતા જોઈ કેમિકલ ખાલી કરી રહેલા ઇસમો અને ટ્રક ચાલક ટ્રક અને બેરલો મૂકી રાત્રિના સમયે અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા.આર.એફ.ઓ એફ એ ખત્રીએ બનાવ અંગેની જાણ તેઓના ડી.એફ.ઓ.ને કરતા તેમના માર્ગદર્શન અને સુચના મુજબ। આર એફ ઓ એ બોડેલી પોલીસ તેમજ વડોદરા એફ.એસ.એલ વિભાગ અને છોટાઉદેપુર જિલ્લા પુરવઠા અધિકારીને સંપૂર્ણ બનાવ અંગેની જાણ કરી કેમિકલના સેમ્પલ લઈ કેમિકલ ભરેલા અને ખાલી બેરલો સાથે ટ્રકને શિવરાજપુર રેંજ ફોરેસ્ટ કચેરીએ લઈ જઈ ટ્રક ચાલક વિરુદ્ધ વન વિભાગ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઘટના અંગે એફ એ ખત્રી ( આર.એફ.ઓ) શિવરાજપુર રેંજ ફોરેસ્ટ વિભાગે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, જાંબુઘોડા વન્ય અભ્યારણ ના જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ તેમજ ગ્રામજનોના પાલતુ પ્રાણીઓને મોતને ઘાટ ઉતારી શકે તેવું ઝેરી પ્રકારનું કેમિકલ મોટા રાસકા ગામ પાસેની સુખી સિંચાઈ યોજનાની કેનાલ પાસે કોક ઇસમો ખાલી કરી રહ્યા હોવાનું ગત રાત્રિના ગ્રામજનો દ્વારા જાણવા મળતા તુરતજ સ્થળ પર આવી ગ્રામજનોની મદદથી આ ઈસમોને પકડવા જતા તેઓ રાત્રીના અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. અમે અતિ દુર્ગંધ મારતુ ઝેરી કહી શકાય તેવુ પ્રવાહી અને ઘન પ્રકારમાં કેમિકલ ભરેલા ૩૫ અને ૪૫ ખાલી બેરલો સાથે ટ્રકને પકડી પાડી સમગ્ર મુદ્દામાલ ને શિવરાજપુર રેન્જ ફોરેસ્ટ કચેરીએ લઇ જઇ ટ્રક ચાલક વિરુદ્ધ વન વિભાગના કાયદા મુજબ ગુનો નોંધી તેને પકડી પાડવામાં આવશે અને આ બનાવમાં સંડોવાયેલા કોઈપણ ને છોડશે નહીં.

તો ઘટના અંગે સ્થાનિક રહેવાસી પ્રભાતભાઈ વિઠ્ઠલભાઈ બારીયાએ જણાવ્યું કે, ગઈકાલ રાત્રિના ગામમાં ભજનનો કાર્યક્રમ હોય રાત્રિના સમયે અમે બધા જાગતા હતા ત્યારે ગામ પાસેથી પસાર થતી સુખી કેનાલ તરફના રસ્તા પર કેનાલ પાસે અવાજ થતો હોય ત્યાં જઈ જોતા કોક અજાણ્યા ઈસમો ખૂબ જ ગંધ મારતુ કેમિકલ ખાલી કરી રહ્યાનું જણાતા અમોએ વન વિભાગના અધિકારી નો સંપર્ક કરી જાણ કરતા તેઓ તુરત જ આવી ગયા હતા અને આ કેમિકલ ખાલી કરી રહેલા ઈસમોને પકડવા જતા તેઓ અંધારાનો લાભ લઈ ભાગી ગયા હતા.

અગાઉ પંદર - વીસ દિવસ પહેલા પણ આવી જ એક ટ્રક આવું જ દુર્ગંધ મારતું ઝેરી પ્રકારનુ કેમિકલ ખાલી કરી ગઈ હતી જેને લઇ ગામના ઘણા ઢોર મૃત્યુ પામ્યા હતા જેથી આવા લોકોને પકડી પાડી તેઓને સખ્તમાં સખ્ત સજા થાય તેવી લાગણી સાથે મૃત્યુ પામેલા અમારા ઢોર નું વળતર મળે એવી વિનંતી છે.

Next Story