Connect Gujarat
ગુજરાત

ભરૂચનો પશ્ચિમ વિસ્તાર વિકાસથી વંચિત, પાલિકાના તમામ વેરા ભરવા છતાં નથી મળતી સુવિધા

ભરૂચનો પશ્ચિમ વિસ્તાર વિકાસથી વંચિત, પાલિકાના તમામ વેરા ભરવા છતાં નથી મળતી સુવિધા
X

ભરૂચ શહેરના પશ્વિમ વિસ્તારને જાણે તંત્રની નજર લાગી છે. આજે પણ આ વિસ્તારને વિકસાવવામાં તંત્રને હવે રસ રહ્યો નથી તેવું જણાઈ આવે છે. જેના પગલે પશ્ચિમ વિસ્તારનાં લોકો હવે અન્ય વિસ્તારમાં સ્થાળાંતર કરી રહ્યા. આ વિસ્તારનાં લોકોને પ્રાથમિક જરૂરિયાતના ભાગરૂપે પાણી જ તથા રસ્તાની સુવિધા પુરવી પાડવામાં આવતી નથી. જેના પગલે પશ્ચિમ વિસ્તારનાં લોકો તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આ બાબતનો અહેસાસ ખાસ તો મે મહિનાનાં પ્રારંભમાં થયેલી રાજ્ય કક્ષાની ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી વખતે જ લોકોને થઈ ગયો હતો.

સ્થાનિક તંત્ર બહારથી આવતા અધિકારીઓ કે રાજકીય નેતાઓને પશ્ચિમ વિસ્તાર બતાવવા માંગતું નથી. કારણ કે અહી સ્થાનિક લોકોને જે પ્રાથમિક જરૂરીયાત મળવી જોઈએ તે ઉપલબ્ધ થતી જ નથી. જો ઉપરી આધિકારીઓ આ વિસ્તારનું નિરિક્ષણ કરે તો સ્થાનિક તંત્રની પોલ ખૂલી જાય તેમ છે. પશ્ચિમ વિસ્તારને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખી લોકોને અન્યાય કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને લાલબજાર વિસ્તાર, ફુરજા રોડ, મલેકવાડ, મહંમદપુરા, ઘાંસમંડાઈ, ધોબીતળાવ વિસ્તારો વિકાસથી વંચિત રહી ગયા છે.

આ વિસ્તારનાં લોકોને ગટર લાઈનની વ્યવસ્થા સુધ્ધાં કરી આપવામાં આવતા નથી. ખુલ્લી ગટરનાં કારણે ઘરની આગળથી ગંદુ પાણી વહી રહ્યું છે. જેના પગલે લોકો રોગચાળાનો પણ સામનો કરી રહ્યા છે. ખુલ્લી ગટરોને કારણે બારેમાસ આ વિસ્તારમાં ગંદકી જોવા મળે છે. સફાઈમાં પણ તંત્ર દ્વારા વેઠ ઉતારવામાં આવતી હોવાનો સ્તાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે.

લાલબજાર વિસ્તારમાં રહેતા સાબિયાબહેને જણાવ્યું હતું કે, અહીં અમે વર્ષોથી રહીએ છીએ અને પાલિકા દ્વારા પાઠવવામાં આવતા પાણીવેરો, સફાઈવેરો, લાઈટવેરો બધું જ અમે ભરીએ છીએ. અમે નગરપાલિકામાં વારંવાર રજુઆત કરી છે છતાં તંત્ર દ્વારા અમારી વાતને ધ્યાને લેવામાં આવતી નથી. હાલમાં રમઝાન માસ ચાલી રહ્યો છે છતાં અહીં અમને પાણી મળતું નથી. નગરપાલિકાએ તેમના નકશામાંથી જાણે આ લાલબજાર ચુનારવાડને કાઢી નાંખ્યુ હોય તેવું લાગી રહ્યું છે.

Next Story