Connect Gujarat
ગુજરાત

ભરૂચમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના આગમનની તૈયારીઓ શરુ

ભરૂચમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના આગમનની તૈયારીઓ શરુ
X

ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આગામી તારીખ 15મી નવેમ્બર મંગળવારના રોજ સહકાર અને વાગરા વિધાન સભા મત વિસ્તાર દ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે.

જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ખાસ ઉપસ્થિત રહેવાના હોવાથી જિલ્લા ભાજપ દ્વારા તેઓના સ્વાગતની તૈયારીઓ શરુ કરવામાં આવી છે.

આ પ્રસંગે અમિત શાહ સ્નેહ મિલન સમારોહમાં સંબોધન કરશે, સાથે સાથે સરકારની યોજનાઓ મા અમૃતમ, વિધવા સહાય, મા વાત્સલ્ય, સહિતની યોજના ના વાગરા વિધાન સભા મત વિસ્તારના લાભાર્થીઓ ને કાર્ડનું વિતરણ પણ કરશે.

અમિત શાહના આગમન અગાઉ તારીખ 12મીના રોજ ભરુચ તેમજ અંકલેશ્વર વિધાનસભા વિસ્તારમાં ભાજપનો સ્નેહ મિલન સમારોહ યોજાશે. જેમાં ભરૂચના સોનલ પાર્ટી પ્લોટ ખાતે યોજનાર સમારંભમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી ખાસ ઉપસ્થિતિ રહેશે. જયારે અંકલેશ્વર શહેરની રમણમુળજી વાડી ખાતે ભાજપનો સ્નેહ મિલન સમારંભ યોજાશે. આ ઉપરાંત જંબુસરના નહાર ગામ ખાતેની પૂજા વિદ્યાલયમાં તારીખ 13મી નવેમ્બરે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાશે. આ સ્નેહ મિલન સમારોહ દરમિયાન અમિત શાહના કાર્યક્રમની રૂપરેખા સંદર્ભે કાર્યકર્તાઓને માર્ગદર્શન પણ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ અમિત શાહ પ્રથમ વખત ભરૂચમાં પધારી રહ્યા છે. તેઓ સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહેવા ઉપરાંત 109 વર્ષ પૂર્ણ કરીને 110માં વર્ષમાં પ્રવેશ કરનાર ભરૂચ ડીસ્ટ્રીક કો.ઓ.બેંક લી.ની મુખ્ય શાખાના નવા બિલ્ડિંગની લોકાર્પણ વિધિ પણ અમિત શાહના હસ્તે કરવામાં આવશે.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્રભારી મંત્રી પ્રદિપસિંહ જાડેજા, સંગઠન પ્રભારી અજય ચોક્સી, સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાસંદ મનસુખ વસાવા, વાગરાના ધારાસભ્ય અને ભરૂચ ડીસ્ટ્રીક બેંકના ચેરમેન અરૂણસિંહ રણા, પ્રદેશ મહામંત્રી ભારતસિંહ પરમાર, ઉપરાંત સહકારી આગેવાનો, ભાજપના હોદ્દેદારો, સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

Next Story