Connect Gujarat
ગુજરાત

ભરૂચ ખાતે જિલ્લાકક્ષાના મહિલા સ્વાવલંબન દિવસની થયેલી ઉજવણી

ભરૂચ ખાતે જિલ્લાકક્ષાના મહિલા સ્વાવલંબન દિવસની થયેલી ઉજવણી
X

નેશનલ રૂરલ આજીવિકા મિશન અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચ દ્વારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને જિલ્લા રોજગાર કચેરી ભરૂચના સંયુક્ત ઉપક્રમે પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ભરૂચ ખાતે મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત જિલ્લા કક્ષાના મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી નાયબ જિલ્લા વિકાસ અધિકારી દિપ્તીબેન રાઠોડના અધ્યક્ષપણા હેઠળ કરવામાં આવી હતી. આ ઉજવણીના કાર્યક્રમ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પરમાર, જિલ્લા રોજગાર અધિકારી એ.આર.સોલંકી સહિત જિલ્લામાંથી આવેલ વિવિધ સંગઠનની - મંડળની મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

કાર્યક્રમનું દિપ પ્રગટાવી ઉદઘાટન કર્યા બાદ અધ્યક્ષસ્થાનેથી નાયબ જિલ્લા વિકાસ અધિકારી દિપ્તીબેન રાઠોડએ મહિલાઓ જીવનમાં દરેક ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી ભાવી પેઢીને ઉજ્જવળ બનાવે તેમ જણાવી આજનો દિવસ સ્વાવલંબન દિવસ તરીકે ઉજવી રહ્યા છે ત્યારે મહિલાઓ પોતાની ખુશી માટે સ્વાવલંબી બને, ખુશી માટે બીજા પર નિર્ભર ન રહેવું પડે. મહિલા સ્વાવલંબી બનશે તો કુટુંબ સ્વાવલંબી બનશે, આગળ જતાં તેનો પરિવાર, ગામ-તાલુકો-જિલ્લો, રાજ્ય સુધી પરિણામ જોવા મળશે. ત્યારે દરેક મહિલા સશક્ત બને, સ્વાવલંબી બની જીવનધોરણ ઉંચું લાવે એવી શુભકામનાઓ પાઠવી હતી.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પરમારે સ્વાગત પ્રવચન કરતાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી નિમિત્તે મહિલાઓ સ્વાવલંબી કેવી રીતે બને તે પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, મહિલાઓને રોજગારી આપી જીવનસ્તર ઉંચુ આવે તેવા આશયથી આ દિવસની ઉજવણી કરી રહ્યા છે. તેમણે મહિલાઓને સશક્ત કરવા માટેની વિવિધ યોજનાઓની વિગતે માહિતી આપી તેનો મહત્તમ લાભ લેવાનો મહિલાઓને અનુરોધ કર્યો હતો.

જિલ્લા રોજગાર અધિકારી એ.આર.સોલંકીએ રોજગાર વિભાગની વિવિધ માહિતીની જાણકારી આપી હતી. તેમણે કહયું હતું કે મહિલાઓ પુરૂષ સમોવડી છે, મહિલાઓમાં શિક્ષણનું સ્તર સુધરેલ છે. તેમણે મહિલાઓને સમાજની માંગને પહોંચી વળાય તે રીતે સ્કીલડેવલપ કરી આગળ વધવાની શીખ આપી હતી. દિપીકાબેન ચૌધરીએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની સેવાઓની વિગતવાર માહિતી આપી હતી. હાંસોટ તાલુકાના અવનીબેન હાંસોટીએ કે જેઓ બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાંથી બેંક મિત્ર તરીકે નિમણૂંક થયેલ છે તેઓ ધ્વારા બેંક મિત્ર કેવી કામગીરી કરવામાં આવે છે તે અંગેની વિસ્તૃત સાફલ્યગાથા રજૂ કરી હતી.

જિલ્લા કક્ષાના મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી અવસરે સ્ટાટઅપ ફંડ ચેક ,રીવોલ્વીંગ ફંડ ચેક , બેંક સખી નિમણૂંક ઓર્ડર, માનવ કલ્યાણ યોજનાના રૂની દિવેટ બનાવટના લાભાર્થીઓના વર્કઓર્ડર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પરમાર, જિલ્લા રોજગાર અધિકારી એ.આર.સોલંકી તેમજ મહિલા મહાનુભાવોના હસ્તે એનાયત કરાયા હતા. આ ઉજવણીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

Next Story