Connect Gujarat
સમાચાર

ભારત ઈંગ્લેન્ડ વચ્ચે આજે પ્રથમ વન ડે, ભારત ઉપર સૌની નજર

ભારત ઈંગ્લેન્ડ વચ્ચે આજે પ્રથમ વન ડે, ભારત ઉપર સૌની નજર
X

ટી20 સિરીઝ જીત્યા બાદ આત્મવિશ્વાસથી છલકાતી ભારતીય ટીમ વધુ એક સિરીઝ જીતવાના ઇરાદા સાથે ગુરુવારે રમાનારી પ્રથમ વન-ડે ક્રિકેટ મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રણ મેચની ટી20 સિરીઝનો ગુરુવારથી પ્રારંભ થઈ રહ્યો છે. આવતા વર્ષે ઇંગ્લેન્ડમાં જ યોજાનારા વન-ડે વર્લ્ડ કપ અગાઉ બંને ટીમ માટે આ ટ્રાયલ સમાન સિરીઝ બની રહેવાની સંભાવના છે. ભારતીય સમય મુજબ સાંજે 5.00 કલાકે મેચનો પ્રારંભ થશે.

ઇંગ્લેન્ડમાં 2019માં વર્લ્ડ કપનું આયોજન થનારું છે ત્યારે આ વન-ડે સિરીઝ વિરાટ કોહલી અને તેની ટીમ માટે એક રીતે અહીંના હવામાન અને હરીફથી સેટ થવા માટેની સારી તક સમાન છે. બરાબર એક વર્ષ બાદ ભારત અહીં વર્લ્ડ કપમાં રમવાનું છે. એક તરફ ભારતે તાજેતરમાં જ ઇંગ્લેન્ડને ટી20માં 2-1થી હરાવ્યું હતું તો કોહલી એન્ડ કંપનીએ એ પણ ન ભૂલવું જોઇએ કે ગયા મહિને જ ઇંગ્લેન્ડની ટીમે જાયન્ટ ઓસ્ટ્રેલિયાને પોતાના ઘરઆંગણે 6-0થી હરાવ્યું હતું.

તાજેતરના સમયગાળામાં ઇંગ્લેન્ડની ટીમ 50 ઓવરના ક્રિકેટમાં સુપ્રીમ ફોર્મ ધરાવે છે. આમ છતાં છેલ્લા એક વર્ષના પ્રદર્શન પર નજર કરીએ તો ભારતીય ટીમ આ સિરીઝ જીતવા માટે ફેવરિટ મનાય છે. ઇંગ્લેન્ડ પાસે જોઝ બટલર, જેસન રોય, એલેક્સ હેલ્સ, જ્હોની બેરસ્ટો અને ઓઇન મોર્ગન જેવા બેટ્સમેન છે જેની સામે ભારત પાસે બે સ્પિનર ચહલ અને કુલદીપ યાદવ છે પરંતુ જસપ્રિત બુમરાહની ટીમને ખોટ સાલશે તેમાં કોઈ શંકા નથી.

આ સિરીઝથી ભારતીય ટીમ મેનેજમેન્ટ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને પોતાની ટીમ સજ્જ કરવાનો પણ પ્રયાસ કરશે. લોકેશ રાહુલે ટી20માં સદી ફટકારી હતી તો ત્રીજી ટી20માં રોહિત શર્માએ પણ સદી નોંધાવી હતી. આમ વિરાટ કોહલી આ સિરીઝમાં ચોથા ક્રમે રમવાનું પસંદ કરે તેવી સંભાવના છે. આમ થાય તો શિખર ધવન અને રોહિત શર્મા ઓપનિંગ કરશે અને રાહુલ ત્રીજા ક્રમે રમવા આવશે.

Next Story