Connect Gujarat
Featured

ભાવનગર : એક સપ્તાહ નહીં, પરંતુ એક માસ સુધી લોકજાગૃતિ આવે તે હેતુથી “માર્ગ સલામતી સપ્તાહ”ની કરાશે ઉજવણી

ભાવનગર : એક સપ્તાહ નહીં, પરંતુ એક માસ સુધી લોકજાગૃતિ આવે તે હેતુથી “માર્ગ સલામતી સપ્તાહ”ની કરાશે ઉજવણી
X

ભાવનગર જીલ્લામાં માર્ગ અકસ્માત એક વૈશ્વિક સમસ્યા છે. W.H.O.ના અહેવાલ પ્રમાણે વિશ્વમાં દર વર્ષે ૧૩.૫૦ લાખ કરતાં પણ વધુ લોકો અકસ્માતથી મૃત્યુ પામે છે. ભાવનગર જિલ્લામાં પણ ગત વર્ષે કુલ ૩૯૧ માર્ગ અકસ્માતો નોંધાયા હતા જેમાં ૧૩૫ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, ત્યારે આવા અકસ્માતોના બનાવો ન બને તેમજ લોકોમાં માર્ગ સલામતી બાબતે જાગૃતિ કેળવાય તે હેતુથી આર.ટી.ઓ. કચેરી ભાવનગર તેમજ જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે દર વર્ષે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષથી માર્ગ અકસ્માતની ગંભીરતાને અનુલક્ષીને રાષ્ટ્રીય માર્ગ સલામતીની ઉજવણીને સપ્તાહના બદલે સળંગ એક માસ સુધી ઉજવવાનો રાજય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો પ્રારંભ ભાવનગર સ્થિત અટલ બિહારી વાજપેયી હોલ ખાતેથી પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે, માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી પ્રથમ વખત સપ્તાહના બદલે સમગ્ર માસ સુધી યોજવામાં આવનાર છે જેના થકી લોકજાગૃતિમાં વધારો થશે. માર્ગ સલામતી બાબતે કાળજી રાખવી એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. બેદરકારીપૂર્ણ કે નશો કરી વાહન હંકારવું, ટ્રાફિકના નીયમોનું પાલન ન કરવું, ડ્રાઇવિંગ વખતે પૂરતો આરામ ન લેવો વગેરે જેવી બાબતો ઘણી વખત ગંભીર અકસ્માતો સર્જી બેસે છે. ત્યારે દરેક નાગરિક પોતાની ફરજો પ્રામાણિકતાથી અદા કરે અને સુરક્ષિત સમાજના નિર્માણમાં સહભાગી બને તે ખૂબ જરૂરી છે.

સરકાર પણ માર્ગ સલામતી બાબતે ખૂબ જ ગંભીર છે અને અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે અનેક આગોતરા આયોજનો કરી રહી છે. હાલ કોરોના મહામારીના ડરને કારણે નવા વાહનોની સંખ્યામાં વધારો થયો છે, સાથે સાથે વસતી પણ વધી રહી છે. આવા સંજોગોમાં જો આજથી જ જાગૃત નહી બનીએ તો ભવિષ્યમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તેમ જણાવી કલેક્ટરએ રોડ એન્જિનિયરિગ, એન્ફોર્સમેન્ટ તેમજ ડીસીપ્લીનની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાથી કઇ રીતે અકસ્માતો નિવારી શકાય તેની રસપ્રદ વિગતો પૂરી પાડી હતી. લોકોમાં માર્ગ સલામતી બાબતે જાગૃતિ કેળવાય તે હેતુથી કાર્યક્રમના સ્થળે હળવી શૈલીમાં ફિલ્મ પ્રદર્શની તેમજ નાટીકા રજુ કરાઇ હતી તેમજ કોરોના વોરીયર્સનું સન્માન કરાયું હતું.

આ પ્રસંગે પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર, ભાવનગર બાર કાઉન્સિલના ચેરમેન શ્રી હિરેનભાઈ જાની, ભાવનગર ચેમ્બર ઓફ કોમરસના પૂર્વ ચેરમેન સુનિલવડોદરિયા, ટ્રાફિક ટ્રેનર અજયસિંહ જાડેજા, સુમિત ઠક્કર, પી.એમ. પટેલ, આર.યુ.પટેલ તેમજ બહોળી સંખ્યામાં યુવા ભાઈઓ બહેનો તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story