Connect Gujarat
ગુજરાત

મંગળદોષમાંથી મુક્તિ અપાવતા મંગળનાથ મહાદેવ

મંગળદોષમાંથી મુક્તિ અપાવતા મંગળનાથ મહાદેવ
X

ભારતના ગણત્રીના મંદિરોમાંનુ એક ભરૂચના અંગારેશ્વર ગામે અંગારકધાટ પર સ્થિત મંગળનાથ મહાદેવ

મંગળદોષના કારણે સંતાનથી વંચિત પરીવારો માટે મંગળદોષ નિવારણ અર્થે એક માત્ર સચોટ મંદિર

શ્રદ્ધા પૂર્વક આવતા ભક્તો માટે આ મંદિર સંજીવની અને પારસમણી રૂપ સાબિત થયાના અનેકો દાખલા હયાત છે.

ભારતનું એક એવું મંદિર જયાં શિવજીને ચઢે છે લાલ કંકુ અને અહીં શિવજી ઉપર બિરાજમાન છે નાગ-નાગણનું જોડું.

ભારતમાં મંગળનાથ મહાદેવના ગણત્રીના મંદિરો જ આવેલા છે. જે પૈકીનું એક અલભ્ય મંદિર ભરૂચથી ૨૫ કિલોમીટરના અંતરે નર્મદા કાંઠે વસેલા અંગારેશ્વર ગામના અંગારક ઘાટ ઉપર આવેલું છે.

મંગળનાથ મહાદેવનું આ મંદિર મંગળગ્રહથી પીડીત લોકો, મંગળદોષના કારણે જેમના લગ્ન ન થતા હોઇ તેવા યુવક-યુવતિઓ માટે તેમજ મંગળદોષના કારણે જે દંપત્તિ સંતાનથી વંચિત રહેતા હોય તેમના માટે મંગળદોષ નિવારણ માટે આ મંદિર સચોટ સાબિત થયું છે. તો વળી અહીં આવતા શ્રદ્ધાળુ,ભક્તો માટે આ મંદિર સંજીવની અને પારસમણી સમાન પુરવાર થયું છે.

શાસ્ત્રોમાં નર્મદા સ્નાનનો મહિમા અનેરો આલેખાયો છે. મંગળનાથ મહાદેવના પ્રાગટ્ય વિશે એવી કથા પ્રચિલિત છે કે, સતયુગમાં મહાન તપસ્વી અંગારક ઋષિની જન્મ કુંડળીમાં મંગળ ગ્રહનો દોષ હતો. પરિણામે તેમને પૂજન-અર્ચન-જપ-તપ કે સાધના જેવા ધર્મ કાર્યો કરવામાં અનેક વિધ્નો આવતા હતા. આ વિધ્નના નિવારણ અર્થે અંગારક ઋષિએ આ જ નર્મદાધાટ ઉપર ભગવાન શિવજીની આરાધના કરી હતી.

જેના કારણે જ આ ઘાટનું નામ અંગારક ઘાટ તેમજ ગામનું નામ અંગારેશ્વર પડ્યું હતું. ઋષિ અંગારકની તપસ્યાના કારણે શિવજીએ પ્રસન્ન થઈ તેમના મંગળદોષનું નિવારણ કરવા અર્થે એવું વરદાન આપ્યું હતું કે, આ અંગારેશ્વર ઘાટ ઉપર આવેલ અંગારેશ્વર મહાદેવના મંદિરે જે કોઇ ભક્ત પાંચ લાલ વસ્તુથી શ્રદ્ધાપૂર્વક પૂજન-અર્ચન કરશે તેના મંગળ દોષનું નિવારણ અચુક થશે.

આમ અહીં બિરાજમન શીવજી કળીયુમાં પણ મંગળનાથ મહાદેવના નામે પૂજાય છે. શિવપુરાણમાં મંગળ ગ્રહની ઉત્પત્તિ વિષે આલેખાયું છે કે, અસંખ્ય વર્ષો સુધી સમાધીમાં લીન રહેલા ભગવાન શંકરે જયારે સમાધી છોડી ત્યારે કઠોર તપસ્યાના કારણે તેમના લલાટ(કપાળ) ઉપર ઉદભવેલ એક પરસેવાનું ટીપું પૃથ્વી ઉપર પડતા તેણે મનોહાર આકાર, લાલ વર્ણ અને ચાર ભૂજાવાળા બાળકનું સ્વરૂપ ધારણ કર્યું હતું. ભગવાન શંકરના પરસેવા માંથી પ્રાગટ્ય થયેલું અને ભૂમિ ઉપર જન્મ ધારણ કરનાર આ દિવ્ય બાળક્નું લાલન-પાલન શિવજીની આજ્ઞાથી પૃથ્વી માતાએ કરેલું અને એટલે જ આ બાળક ભૌમના નામે પ્રસિદ્ધ થયો.

યુવાકાળમાં આ બાળક કાશી ગયો અને ત્યાં લાંબા સમય સુધી ભગવાન શિવજીની સેવા કર્યા પછી વિશ્વનાથની કૃપાથી ગ્રહની પદવી મેળવી દિવ્યલોક ચાલ્યા ગયા હતા. નર્મદા પુરાણની કથાનુસાર નર્મદાના અંગારક ઘાટ આગળ ઉંચી કરાડ (ટેકરા) ઉપર આવેલા આ શિવાલયને અંગારેશ્વર મહાદેવનું મંદિર કહેવાય છે, જેને ગ્રામજનો મંગળેશ્વર મહાદેવ અથવા મંગળનાથ મહાદેવના નામથી આજે પણ અવિરત પૂજે છે.

એમ કહેવાય છે કે, મંગળગ્રહે અહીં તપશ્ચર્યા કરી શીવજીની કૃપાથી નવગ્રહમાં સ્થાન મેળવ્યું હતું. મંગળગ્રહે જાતે અંગારેશ્વર શિવની સ્થાપના કરી હોવથી આ ગામનું નામ અંગારેશ્વર અને આ ઘાટને અંગારક ઘાટ કહેવાય છે. અહીં મંગળવારી ચોથ કે રવિવારે સ્નાન કરી શિવની વિધિવત પૂજા કરી દાન આપવાથી દેહાંતે (મૃત્યુબાદ) શિવલોક પ્રાપ્ત થવા ઉપરાંત રૂપ, ઘન, અને ભાગ્યમાં પણ વૃદ્ધિ થાય છે.

નર્મદા પુરાણમાં રેવાખંડના શ્લોક નંબર ૧૪૮માં મંગળનાથ તિર્થના મહિમાનું વર્ણન આ શબ્દોમાં કરાયું છે. નર્મદાના તટ ઉપર આવેલું અંગારક તીર્થ સર્વ પાપને નાશ કરનારૂં અને કલ્યાણકારી છે. આ ઉપરાંત અહીં શિવલિંગ ઉપર નાગ અને નાગણનું જોડું બિરાજ્માન છે., જે સામાન્યત: અનય શિવલિંગ કે શિવાલયોમાં જોવા મળતું નથી.

મંગળનાથ મહાદેવના આ શિવલિંગની કંકુ, ઘઉં, ગોળ, લાલ ફૂલ અને લાલ વસ્ત્ર એમ પાંચ લાલ રંગની પૂજા સામગ્રીથી પૂજા કરી મંગળ ગ્રહદોષનૂં નિવારણ કરવાની વિધિ કરવામાં આવે છે.

કહેવાય છે કે અહીં મંગલનાથ સ્વરૂપે શિવજી હાજરાહજુર હોય કળીયુગમાં પણ નિસંતાન દંપત્તિ તેમજ લગ્નવાંછુકોને અહીં શ્રદ્ધાભેર પૂજા- અર્ચના કરવાથી અચૂક ફળ પ્રાપ્તિ થાય છે અને ગ્રહદોષ નિવારણ થાય છે.

“જય મંગળનાથ મહાદેવ”

Next Story