Connect Gujarat
ગુજરાત

મઠ મહેગામ ખાતે થયેલા બેફામ ખોદકામ સામે તંત્રના આંખ આડા કાન

મઠ મહેગામ ખાતે થયેલા બેફામ ખોદકામ સામે તંત્રના આંખ આડા કાન
X

ભરૂચ તાલુકાના મઠ-મહેગામ ખાતે માહ્નાવંશી સમાજના શ્રધ્ધાબિંદુ સમાજના હરિગોંસાઇ બાવાના સમાધિસ્થાન અને મંદિરની આસપાસના વિસ્તારમાં મોટાપાયે ખોદકામ થયું છે. ગામને જોડતો મુખ્યમાર્ગ ઓવરલોડ માટી ભરીને જતા ડમ્પરોથી તૂટી ગયો છે. હરિગોંસાઇ મંદિરે આવતા જતા શ્રધ્ધાળુઓને ગામમાંથી આવતા જતા લોકો પણ માટી વહન કરતા ડમ્પરોને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એવી ફરીયાદ દલિત આગેવાન મહેશભાઇ પરમારે ઉઠાવી ગ્રામજનો સાથે મઠ મહેગામની આસપાસ થતા ખોદકામ સામે વિરોધ ઉઠાવ્યો હતો.

આ અંગે જિલ્લા કલેકટરને પણ રજુઆતો કરાઇ હતી. જાકે ખાણ–ખનિજ વિભાગ કે અન્ય કોઇપણ વિભાગ દ્વારા મઠ મહેગામની આસપાસ થતા ખોદકામની તપાસ કરી નથી. સ્થળ મુલાકાત લઇ ફરીયાદમાં કેટલું તથ્ય છે તે જાણવા માટે ખોદકામના સ્થળની માપણી પણ કરી નથી. એટલું જ નહિં તંત્ર દ્વારા ખોદકામ કરનારાઓને અત્યાર સુધીમાં કોઇ નોટિસ પણ આપવામાં આવી નથી. તેવા અહેવાલ મળી રહયા છે. મઠ મહેગામ ખાતે થયેલા ખોદકામ સામે ખાણ–ખનીજ વિભાગ સહિતના તંત્રએ રીતસર આંખ આડા કાન કરતા માહયાવંશી સમાજ સહિત હરિગોંસાઇ બાવાના શ્રધ્ધાળુઓમાં રોષ ઉભો થયો છે. અને તત્કાલીન ધોરણે તંત્ર દ્વારા આ ધાર્મિક સ્થળની આસપાસ થયેલા ખોદકામ અંગે તેની માપણી કરવામાં આવે અને કસુરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

દલિતોનું શ્રદ્ધાકેન્દ્ર હોઇ તેની ઉપેક્ષા થઇ રહી છે

મઠ મહેગામ ખાતે હરિગોંસાઇબાવાની સમાધિ અને મંદિરનું ભલે ધાર્મિક રીતે મહત્વ છે પરંતુ આ સ્થાન દલિતોની આસ્થાનું કેન્દ્ર છે અને મોટાભાગે માહયાવંશી સમાજનું શ્રધ્ધાકેન્દ્ર આ સ્થાનક છે એટલા માટે જ મઠ મહેગામની ઇરાદાપૂર્વક ઉપેક્ષા થઇ રહી છે. અને એ જ કારણો સર અત્યારસુધીમાં તંત્રએ રાજકીય દબાણને વશ થઇ સ્થળની મુલાકાત લીધી નથી કે માપણી પણ કરી નથી. આ સીધેસીધો દલિત સમાજ સાથેનો અન્યાય છે.

ગામમાં દહેશતનું વાતાવરણ

મઠ–મહેગામ ખાતે થયેલા ખોદકામની સામે ગ્રામજનોએ વિરોધ ઉઠાવતા નિવૃત્ત સૈનિક એવા વીરસિંગભાઇને જાનથી મારી નાંખવાની ધમકી અપાઇ હોવાથી ગામના જ એક વ્યક્તિએ પોતાની નામ ન આવે તેવી શરતે જણાવ્યું હતું કે ખોદકામનો પ્રશ્ન ઉઠતા રાજકીય હસ્તક્ષેપથી ગામનું વાતાવરણ ડહોળાયું છે. ધાક–ધમકીઓના કારણે લોકોમાં એક દહેશત જાવા મળે છે અને ગમે ત્યારે સુલેહ–શાંતિનો ભંગ થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

હરિગોંસાઇ બાવાના મંદિરે જવાનો રસ્તો બંધ થઇ જશે

મઠ–મહેગામ હરિગોંસાઇ મંદિરની આસપાસ થયેલ ખોદકામને કારણે રસ્તો પણ તૂટી જતા લોકોને આવવા જવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે અનેક ફરીયાદો થવા છતાં પણ આજે પણ ખોદકામ ચાલુ છે. નજીકના દિવસોમાં આ ખોદકામ બંધ કરી રસ્તાની મરમ્મત નહિં થાય તો ગ્રામજનો અને શ્રધ્ધાળુઓની હાલત કફોડી બનશે અને ચોમાસા દરમિયાન હરિગોંસાઇ જવાનો રસ્તો બંધ થઇ જશે તેવી આશંકા શ્રધ્ધાળુઓ ઉઠાવી રહયા છે.

Next Story