Connect Gujarat
ગુજરાત

મરણ પથારીએ પડેલા ઉદ્યોગોને જીપીસીબીએ આપ્યો “આશ્વાસન”નો ડોઝ

મરણ પથારીએ પડેલા ઉદ્યોગોને જીપીસીબીએ આપ્યો “આશ્વાસન”નો ડોઝ
X

અંકલેશ્વર અને પાનોલીના 3,000થી વધારે ઉદ્યોગો હાલ જીપીસીબીની કાર્યવાહીના પગલે મરણ પથારીએ છે. ઉદ્યોગકારોએ ગુજરાત છોડી અન્ય રાજયોમાં ચાલ્યા જવાની ચીમકી આપતાં સરકાર દોડતી થઇ ગઇ છે. રવિવારના રોજ જીપીસીબીના મેમ્બર સેક્રેટરી નરેશ તાભાણી અંકલેશ્વર ખાતે આવ્યાં હતાં અને ઉદ્યોગકારોની સમસ્યાઓ સાંભળવા માટે ઓપન હાઉસ યોજી હતી.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના ચુકાદા બાદ જીપીસીબીએ ઉદ્યોગોને આડેધડ રીતે દંડ તથા કલોઝર નોટીસ આપવાની કામગીરી શરૂ કરી છે. માતબર દંડના કારણે નાના ઉદ્યોગોની કમર તુટી ગઇ છે. જીપીસીબી એનજીટીના ચુકાદાનું ખોટુ અર્થધટન કરતી હોવાના આક્ષેપ સાથે ઉદ્યોગકારોએ જીપીસીબી સામે મોરચો ખોલ્યો છે. બીજી તરફ નવા પ્લાન્ટ શરૂ કરવા માટે મંજૂરી નહી મળતી હોવાથી કરોડો રુપિયાનું મુડીરોકાણ કરનારા ઉદ્યોગો પણ મુશ્કેલીમાં મુકાઇ ગયાં છે. ઉદ્યોગકારોએ ગુજરાત છોડી અન્ય રાજયોમાં જતાં રહેવાની ચીમકી આપતાં સરકારની આંખો ઉધડી હતી. જીપીસીબીના મેમ્બર સેક્રેટરી નરેશ તાભાણીને તાબડતોડ અંકલેશ્વર મોકલવામાં આવ્યાં હતાં. તેમણે એઆઇએના ઓડીટોરીયમ ખાતે અંકલેશ્વર કલસ્ટરના ઉદ્યોગપતિઓ સાથે ઓપન હાઉસ યોજી હતી. એનજીટીના આદેશ બાદ પ્રદુષણના નામે કરાતા માતબર દંડ, પ્લાન્ટ શરૂ કરવા માટે ન આપવામાં આવતી મંજૂરી તથા અકસ્માતના કિસ્સાઓમાં ઉદ્યોગોને થતી હેરાનગતિના મુદે ઉદ્યોગકારોએ જીપીસીબીના મેમ્બર સેક્રેટરી સમક્ષ રોષ ઠાલવ્યો હતો.

બે કલાક સુધી ચાલેલી ઓપન હાઉસમાં અનેક ઉદ્યોગકારોએ તેમની વ્યથાઓ ઠાલવી હતી. ખાસ કરીને નાના ઉદ્યોગોને 5 થી 10 લાખ રુપિયાનો દંડનો મુદો ઉઠાવાયો હતો. એક ઉદ્યોગકારે તો ગામડામાં જમીન વેચી ભાડાના પ્લોટમાં ફેકટરી નાંખી હતી પણ તેને 10 લાખનો દંડ કરાયો હોવાનો કિસ્સો જોવા મળ્યો હતો. એક ઉદ્યોગકારે તો જીપીસીબીના વલણના કારણે હવે માત્ર આત્મહત્યા કરવાનો રસ્તો જ બાકી રહી ગયો હોવાનું જણાવ્યું હતું. ઉદ્યોગકારોની મોટાભાગની રજૂઆતો સંદર્ભમાં મેમ્બર સેક્રેટરીએ યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું.

Next Story