Connect Gujarat
બ્લોગ

મેઘરાજા ના બાર રૂપ વર્ષે ત્યારે કહેવાય બારે મેઘ ખાંગા

મેઘરાજા ના બાર રૂપ વર્ષે ત્યારે કહેવાય બારે મેઘ ખાંગા
X

ગુજરાત ના લોક સાહિત્યમાં બાર પ્રકારના મેઘનું વર્ણન કરવામાં આવ્યું છે

ગ્રીષ્મ ની શરૂઆત થાય એટલે ગરમી થી અકળામણ અને પાણી માટે પણ પોકાર શરૂ થાય, જેમ જેમ ઉનાળો આકરો બનતો જાય તેમ તેમ લોકો વરસાદ વહેલો આવે તેવી આશા વ્યક્ત કરવા મંડે છે. અને એક સુંદર ગુજરાતી ગીત યાદ આવે "આંખો માં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસુ ક્યાંક આસપાસ છે".

વરસાદ ઋતુ ની શરૂઆત વાતાવરણ ને ખુશનુમા બનાવી દે છે.મેઘઘટા ની સાથે સાથે ઠંડા પવન ની લહેરકી અને ભીની ભીની મોસમ જાણે ધરતી અને મેઘ ની મિલન ની આગાહી કરતા હોય છે.મેઘ જ્યારે મનમુકીને વર્ષે છે ત્યારે પૃથ્વી પર પાણી ની ચાદર પથરાતા જાણે

તૃપ્ત થઈ જતી હોય તેવો આભાસ થાય છે.માદક અને રોમાન્ચ થી ભરપૂર ઋતુ ને ગુજરાત ના લોક સાહિત્ય માં 12 પ્રકારના નામ થી સુંદર ઓળખ આપવામાં આવી છે,અને એજ પ્રકારની મેઘ મહેર સૌ કોઈએ અનુભવી પણ હોય છે.

12 પ્રકારના મેઘનું વર્ણન અને તેના ઉપર થી કહેવત પણ બની છે:બારે મેઘ ખાંગા,આ બાર પ્રકાર ના મેઘ આ પ્રમાણે છે.

1 ફર ફર : જેનાથી માત્ર હાથ પગ ના રૂંવાડા જ ભીના થાય તેવો નજીવો વરસાદ.

2 છાંટા : ફર ફર થી વધુ વરસાદ

3 ફોરા : છાંટા થી વધુ મોટા ટીપા

4 કરા : ફોરા થી વધુ પણ જેનું તરત જ બરફમાં રૂપાંતર થઈ જાય તેવો વરસાદ

5 પછેડીવા : પછેડી (ફેંટા જેવા સાથે રખાતા કપડાનો ટુકડો) થી રક્ષણ થાય તેવો વરસાદ

6 નેવધાર : છાપરા ના નેવા ઉપરથી (નળિયા ઉપરથી) પાણી વહે તેવો વરસાદ

7 મોલ મેહ : મોલ એટલે પાક ને જરૂરી હોય તેવો વરસાદ

8 અનરાધાર : એક છાંટો,બીજા છાંટા ને સ્પર્શી જાય અને ધાર પડે તેવો વરસાદ

9 મુશળધાર : અનરાધાર થી તીવ્ર વરસાદ (મુશળ = સાંબેલું) આ વરસાદ ને સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે.

10 ઢેફાભાંગ : વરસાદ ની તીવ્રતાથી ખેતરો માં માટીના ઢેફા નરમ થઈ તૂટી જાય તેવો વરસાદ

11 પાણ મેહ : ખેતરો પાણી થી છલોછલ ભરાઈ જાય અને કુવા ના પાણી ઉપર આવી જાય તેવો વરસાદ

12 હેલી : આ અગિયાર પ્રકારના વરસાદ માંથી કોઈને કોઈ વરસાદ સતત એક અઠવાડિયું ચાલે તેને હેલી કહેવામાં આવે છે.

આમ આ બાર પ્રકારની મેઘ માહેર ને બારે મેઘ ખાંગા તરીકે ઓળખવામાં આવે છે.

Next Story