Connect Gujarat
ગુજરાત

મ્યુનિસિપલ ડીસ્પેન્સરી કાર્યરત થતાં અંકલેશ્વર શહેર - તાલુકાની પ્રજાજનોને આરોગ્યની સેવાનો લાભ વધુ સારી રીતે પ્રાપ્ત થશે- મંત્રી ઈશ્વરસિંહ પટેલ

મ્યુનિસિપલ ડીસ્પેન્સરી કાર્યરત થતાં અંકલેશ્વર શહેર - તાલુકાની પ્રજાજનોને આરોગ્યની સેવાનો લાભ વધુ સારી રીતે પ્રાપ્ત થશે- મંત્રી ઈશ્વરસિંહ પટેલ
X

અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત “ મ્યુનિસિપલ ડીસ્પેન્સરી ” અને વાણિજ્યલક્ષી કોમ્પલેક્ષ સહિતના બિલ્ડીંગનું સહકાર રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદહસ્તે થયેલું ભૂમિપૂજન

અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ ડીસ્પેન્સરી અને વાણિજયલક્ષી કોમ્પલેક્ષ સહિતના બિલ્ડીંગનું ભૂમિપૂજન આજ રોજ સહકાર રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે જવાહર બાગ પાસે, ભરૂચીનાકા પાસે, અંકલેશ્વર ખાતે થયું હતું. આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ દક્ષાબેન, નગરપાલિકાના હોદ્દેદરો-સદસ્યો, પ્રાંત અધિકારી રમેશભાઈ ભગોરા ઉપસ્થિત રહ્યા હતા.

સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ સને ૨૦૧૮-૨૦૧૯, ૨૦૧૯-૨૦૨૦ તથા ગુજરાત સ્થાપના દિનની ગ્રાંટ મળીને રૂ.૩ કરોડના ખર્ચે નિર્માણ થનાર મ્યુનિસિપલ ડીસ્પેન્સરી સહિત વિવિધ વિકાસલક્ષી કામોનું ભૂમિપૂજન કાર્યક્રમ પ્રસંગે સહકાર રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ ડીસ્પેન્સરી કાર્યરત થતાં અંકલેશ્વર - શહેર - તાલુકાની પ્રજાજનોને આરોગ્યની સેવાનો લાભ વધુ સારી રીતે પ્રાપ્ત થશે. તેમણે વધુમાં આ અંગે વિગતો આપતા કહ્યું હતું કે, ડીસ્પેન્સરીના કામનું ટેન્ડરીંગ થઈ ચુક્યું છે.

૧ લી સપ્ટેમ્બરથી નિર્માણ કાર્ય શરૂ થશે જે એક વર્ષમાં પૂર્ણ થશે. ડીસ્પેન્સરીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ત્રણ ડૉક્ટર્સ, એક ગાયનેક ડૉક્ટર્સ, એક્ષરે, લેબ, પેથોલોજી, વેઈટીંગ રૂમ અને રીસેપ્સન રૂમ રહેશે. પ્રથમ માળ પર ફીમેલ - મેઈલ વોર્ડ, નર્સીંગ રૂમ અને ઓપરેશન રૂમ સાકાર રહેશે. કોમર્સીયલ બીલ્ડીંગના પાર્સિંગ પર દુકાનો, ગ્રાઉન્ડ તથા ફસ્ટ ફ્લોર પર હોલની વ્યવસ્થા કરવામાં આવશે. બિલ્ડીંગમાં બે લીફ્ટની પણ વ્યવસ્થા રહેશે. આ ઉપરાંત ભૂગર્ભ ગટર યોજના, પીકઅપ સ્ટેન્ડ, આર.સી.સી. બોક્ષ ડ્રેઈન, એન્ટ્રી ગેટ, જવાહર બાગ, પરષોત્તમ બાગમાં મ્યુઝીક સીસ્ટમ, કચરાનું યોગ્ય વ્યવસ્થાપન જેવા વિવિધ કામો પણ કરવામાં આવનાર છે.

તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યના સર્વાંગી વિકાસની સાથે સાથે સમાજના છેવાડાના લોકોના વિકાસની ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે તેમ જણાવી વિવિધ યોજનાઓ થકી સમગ્ર ગુજરાતના છેવાડાના ગામડાઓનો વિકાસ કઈ રીતે થાય તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, ગુજરાતના અન્ય શહેરોનો વિકાસ થાય તે જ રીતે ગામડાઓનો વિકાસ અને જરૂરી મૂળભૂત સુવિધાઓ પુરી પાડવા સરાહનીય પ્રયાસો કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું.

આજના આ ભૂમિપૂજન કાર્યક્રમ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના અધિકારીઓ - કર્મચારીઓ, તાલુકાના આગેવાન પદાધિકારીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story