Connect Gujarat
ગુજરાત

રાજકોટઃ શાપરનાં સરકારી મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 48 કલાક બાદ પણ બેકાબુ

રાજકોટઃ શાપરનાં સરકારી મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 48 કલાક બાદ પણ બેકાબુ
X

ગોડાઉનમાં લાગેલી આગના મામલે સીઆઇડી ક્રાઇમની ટીમને તપાસ સોંપવામાં આવશે

રાજકોટ -ગોંડલ રોડ ઉપર આવેલા શાપરમાં નેશનલ કોટન નામના ખાનગી ગોડાઉનમાં કરોડો રૂપિયાની મગફળીના જથ્થામાં રવિવારે મોડી સાંજે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આજે ત્રીજા દિવસે પણ મગફળીમાં લાગેલી આગ 48 કલાક બાદ પણ યથાવત છે. જેને બુઝાવવાની કામગીરી સતત ચાલી રહી છે. અત્યાર સુધીમાં 40 ફાયર ફાઇટરોએ 400થી વધુ પાણીના ફેરા મારી આગ બૂઝાવવા પ્રયાસ કર્યો છે. હજુ આગામી બે દિવસ દરમિયાન આગ કાબૂમાં આવે તેવી શક્યતા દેખાતી નથી. નાફેડના આ ગોડાઉનમાં આગ લાગી છે કે લગાડાઇ છે તે અંગે રહસ્ય ઘૂંટાઇ રહ્યું છે. મગફળીમાં માટીની ભેળસેળ પણ કરાઇ હોવાના પૂરાવા મળ્યા છે. સમગ્ર બનાવની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવશે.

રાજકોટ જિલ્લા પોલીસવડા અંતરિપ સુદે જણાવ્યું હતું કે, આગમાં અંદાજે રૂપિયા 3.92 કરોડની કિંમતની 29 હજાર બોરી મગફળી સળગી ગઇ હતી. એફએસએલ દ્વારા પ્રાથમિક સેમ્પલિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ આગનું કારણ સ્પષ્ટ થઇ શક્યું નથી. પોલીસ વડાએ વધુમાં ઉમેર્યું હતું કે, હજુ પાંચેક દિવસ સુધી આગ બુઝાવવાની કામગીરી ચાલુ રહેશે. આગ સંપૂર્ણ રીતે બુઝાયા બાદ એફએસએલ દ્વારા વિસ્તૃત રીતે નમૂના લેવામાં આવશે. ત્યારબાદ જ આગનું ચોક્કસ કારણ બહાર આવશે.

આગની ઘટના સંદર્ભે શાપર ગોડાઉનના માલિક નરેન્દ્ર પટેલની પોલીસે સઘન પૂછપરછ આદરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગોડાઉનનો માલિક અગાઉ મારામારી જેવા બનાવમાં પોલીસ ચોપડે પણ ચડી ગયો હોવાનું જાણવા મળ્યું છે.

Next Story