Connect Gujarat
ગુજરાત

રાજકોટ મેરેથોનમાં 64160 સ્પર્ધકોએ ભાગ લઈ એથ્લેટિકસ વર્લ્ડમાં નવો ઇતિહાસ સર્જ્યો

રાજકોટ મેરેથોનમાં 64160 સ્પર્ધકોએ ભાગ લઈ એથ્લેટિકસ વર્લ્ડમાં નવો ઇતિહાસ સર્જ્યો
X

ભારત સહિત એશિયાની સૌથી મોટી અને નંબર વન મેરેથોન બનવાનું ગૌરવ પ્રાપ્ત કરનાર રાજકોટ ફૂલ મેરેથોન દોડમાં આ વર્ષે ગતવર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો. ગતવર્ષનાં 63,594 સ્પર્ધકોને બદલે 64160 સ્પર્ધકોએ ભાગ લઈ આ મેરેથોનને સફળ બનાવી હતી.અને એથ્લેટિકસ વર્લ્ડમાં નવો ઇતિહાસ સર્જી દીધો હતો.

રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વહેલી સવારે 5 વાગ્યે આ ઐતિહાસિક મેરેથોનને ફલેગ-ઓફ કરાવ્યુ હતુ. આ મેરેથોનનું પ્રસ્થાન થતા જ રાજકોટનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ફરીવાર ઝળકી ઉઠ્યું હતું. આ મેરેથોનનાં બ્રાન્ડ એમ્બેસેડર અને ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ પણ 10 કિમીની દોડમાં ભાગ લઈ સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો.

રંગીલા રાજકોટવાસીઓ ગતવર્ષની માફક આ વર્ષે પણ વહેલી સવારે 4 વાગ્યે કડકડતી ઠંડીમાં રેસકોર્સ મેદાન ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય એ માટે મનપા અને પોલીસનાં અધિકારીઓ અને કર્મચારીઓ, તેમજ સ્પોન્સરો, પાર્ટનરો, અન્ય સહયોગી સંસ્થાઓ, શાળાઓ-કોલેજો, વિવિધ મંડળોનાં હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી.

મેરેથોનમાં કુલ 1404 દિવ્યાંગ ભાઈઓ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને વિદેશના 19 જેટલા દોડવીરો જેમાં કેન્યાના 3 બહેનો અને 6 ભાઈઓ તથા ઈથોપિયાના 5 બહેનો અને 10 ભાઈઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તેમજ ગુજરાત બહારના 85 અને રાજકોટ સિવાયના અન્ય શહેરોના 716 દોડવીરોએ દોડ લગાવી આ મેરેથોનને ચાર ચાંદ લગાવી દીધા હતા.

શહેરમાં હજુ સૂર્યોદય થવાને ખાસ્સી વાર હતી, માર્ગો પર અંધકાર હતો અને રેસકોર્સ રોડ પર એલ.ઈ.ડી.લાઈટ ઝળહળતી હતી ત્યાં 4 વાગ્યામાં જ માનવ મહેરામણ ઉમટી પડયું હતું. આજુબાજુનાં માર્ગો ટ્રાફિક માટે બંધ કરી દેવાતા સ્પર્ધા શરૂ થયા પહેલા હજારો લોકોએ એક-બે કિ.મી.નું વોકિંગ કરી નાંખ્યું હતું. જ્યારે રાજકોટ મેરેથોનનાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ક્રિકેટર ચેતેશ્વર પૂજારાનું નામ જાહેર કરાયું હતું. તે આજે ખાસ હાજર રહ્યા હતા અને 10 કિ.મી.ના ડ્રીમ રનના રૂટ પર મ્યુનિ.કમિશનર બંછાનીધિ પાની તથા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાથે દોડયા હતા. રાજકોટના રંગીલા લોકોમાં સવારે પાંચ વાગ્યે બની ઠનીને આવેલી યુવતીઓ, બાળકો સાથે દાદા-દાદી પણ જોવા મળ્યા હતા. અને શહેરના માર્ગો પર રંગીલા રાજકોટનું નામ સાર્થક થાય તેવું દ્રશ્ય સર્જાયું હતું. માર્ગો પર દોડવીરોનો ઉત્સાહ વધારવા સંગીતના સૂરો રેલાવતા ચીયરિંગ સ્ટેશન આવતા જ ટોળામાં કેટલાક ડાન્સ પણ કરવા લાગતા હતા.

રેસકોર્સનાં ઓપન એર થિયેટર પાસે થી પ્રથમ 42 કિ.મી.ની ફૂલ મેરેથોન દોડને અને બાદમાં 21 કિ.મી.ની હાફ મેરેથોન, પછી 10 કિ.મી.ની ડ્રીમ રનને ફ્લેગ-ઓફ આપી પ્રસ્થાન કરાવાયું ત્યારે ઉપસ્થિત મેદનીમાં હર્ષોલ્લાસના અવાજોથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. દિવ્યાંગો માટે તેમજ વરિષ્ઠ નાગરિકો માટે અલગ રૂટ પર દોડ યોજાઈ હતી.

મેરેથોન માટે થયેલા દોડવીરોના રજીસ્ટ્રેશનમાં 42 કિમી ની ફૂલ મેરેથોનમાં કુલ 154 દોડવીરો, 21 કિ.મી.ની હાફ મેરેથોનમાં 2223 સ્પર્ધકો, 10 કિ.મી. ની ડ્રીમ રનમાં 4359 દોડવીરો, જ્યારે 5 કિ.મી.ની રંગીલા રાજકોટ રનમાં 56020 તેમજ 1 કિ.મી.ની દોડમાં 1404 દિવ્યાંગ ભાઈ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તમામ પાંચ કેટેગરીની દોડમાં કુલ 23925 મહિલા સ્પર્ધકોએ પણ વહેલી સવારે સજીધજીને દોડ લગાવી હતી.

Next Story