Connect Gujarat
ગુજરાત

રાજપીપલા: શ્રીમતી સુરજબા આર.મહિડા કન્યા વિનય મંદિર ખાતે “સેલ્ફ ડિફેન્સ” તેમજ “ ગુડ ટચ, બેડ ટચ” ક્વચની તાલીમી શિબીર યોજાઇ

રાજપીપલા: શ્રીમતી સુરજબા આર.મહિડા કન્યા વિનય મંદિર ખાતે  “સેલ્ફ ડિફેન્સ” તેમજ “ ગુડ ટચ, બેડ ટચ” ક્વચની તાલીમી શિબીર યોજાઇ
X

ગુજરાત રાજ્ય મહિલા આયોગ, ગાંધીનગર દ્વારા દિકરીઓની સુરક્ષાની દિશામાં સરકારની વધુ એક પહેલ અંતર્ગત રાજ્યની દિકરીઓ વધુ સુરક્ષિત બને તેમજ અચાનક ઉભી થતી વિકટ પરિસ્થિતિમાં પોતાનું આત્મરક્ષણ સારી રીતે કરી શકે તે હેતુસર આજે રાજપીપલાની શ્રીમતી સુરજબા આર.મહિડા, કન્યા વિનય મંદિર ખાતે “ સેલ્ફ ડિફેન્સ” તેમજ “ ગુડ ટચ, બેડ ટચ” ક્વચના યોજાયેલી તાલીમી શિબીરને ગુજરાત રાજ્ય મહિલા આયોગના ઉપસચિવ હંસાબેન પટેલ, મહિલા આયોગના વહિવટી અધિકારી દક્ષાબેન સારા, રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ જીગીશાબેન ભટ્ટ, જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.નિપાબેન પટેલ, શાળાના ઇન્ચાર્જ આચાર્ય જતીનભાઇ વસાવા ,સેલ્ફ ડિફેન્સની ટીમ તેમજ શાળાની વિદ્યાર્થીનીઓની વિશાળ ઉપસ્થિતિમાં કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લી મુકી હતી.

ગુજરાત રાજ્ય મહિલા આયોગના ઉપસચિવ હંસાબેન પટેલે જણાવ્યું હતું કે, દિકરીઓની સુરક્ષાની દિશામાં સરકારશ્રીની વધુ એક પહેલ સહિત મહિલાઓના સર્વાંગી ઉત્થાન માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. નારી અદાલતો, અભયમ હેલ્પલાઇન અને એપ દ્વારા મહિલાઓને માનસિક અને શારીરિક સુરક્ષા પણ આપવામાં આવી રહી છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, રાજ્યની દિકરીઓ માટે વધુ સુરક્ષિત વાતાવરણ બનાવવાની તેમજ દિકરીઓમાં સુરક્ષિત અને અસુરક્ષિત સ્પર્શ અંગે જાગૃત્તિ લાવવા માટેનો અમારા આ પ્રયાસની સાથે મહિલાઓ માટે સશક્તિકરણ યોજનાઓ, કાયદાઓ, હક્કો, સામાજિક,આર્થિક સુરક્ષા જેવી બાબતોની જાણકારી પણ આ અભિયાન દ્વારા આપવામાં આવે છે.

આ પ્રસંગે રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ જીગીશાબેન ભટ્ટ અને જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. નિપાબેન પટેલે “ સેલ્ફ ડિફેન્સ” તેમજ “ ગુડ ટચ, બેડ ટચ” ક્વચ વિશેની પ્રાથમિક જાણકારી પૂરી પાડી વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. આ પ્રસંગે “ સેલ્ફ ડિફેન્સ” ક્વચની મહિલા ટીમ દ્વારા અચાનક હુમલો થાય ત્યારે આત્મરક્ષણની જુદી જુદી ટેકનીકના નિદર્શન સાથે વિદ્યાર્થીનીઓને તે અંગેની સમજ પૂરી પડાઇ હતી.

આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીની માનસી પંડ્યા અને પ્રિતી તડવીએ માધ્યમો સાથેના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, “ સેલ્ફ ડિફેન્સ” તેમજ “ ગુડ ટચ, બેડ ટચ” કવચની અમને સ્વરક્ષણ કરવાની જે તાલીમ આપવામાં આવી છે તેનો અમે અમારા જીવનમાં જરૂર પડ્યે નિર્ભિક પણે ઉપયોગ ચોક્કસ કરશું. આજની આ તાલીમે સ્વરક્ષણ માટે અમારો આત્મવિશ્વાસ વધારીને તે વધુ મજબૂત કર્યો છે. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના ઇન્ચાર્જ આચાર્ય જતીન વસાવાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમાં આભારદર્શન કર્યું હતું.

Next Story