Connect Gujarat
ગુજરાત

રાજયમાં સામાજીક સમરસતાનું વાતાવરણ બની રહે તે માટે રાજય સરકાર કટીબધ્ધઃગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિહ જાડેજા

રાજયમાં સામાજીક સમરસતાનું વાતાવરણ બની રહે તે માટે રાજય સરકાર કટીબધ્ધઃગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિહ જાડેજા
X

  • દલિતોને વરઘોડાનો અધિકાર છેઃ રાજય સરકાર દલિતો સાથે હર હંમેશા છે જ અને રહેશે જ

  • ગુજરાતની શાંતિ હણનારા તત્વો દ્વારા રાજયની શાંતિ ડહોળવાના પ્રયત્નોને રાજય સરકાર સાંખી લેશે નહિઃ વિધટનકારી તત્વોને નાગરિકો ઓળખે જ છે

  • ભાઇચારાની ભાવના જળવાઇ રહે તે માટે સમાજ અને સરકાર સાથે રહી સહિયારા પ્રયત્નો કરે તે અત્યંત અનિવાર્ય

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજયમાં સામાજીક સમરસતાનું વાતાવરણ બની રહે અને લોકો ભાઇચારાથી રહે તે માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. તેમણે ઉમેર્યું કે, રાજયમાં દલિત સમાજના યુવાનોને વરઘોડાનો અધિકાર છે પરંતુ રાજયમાં દલિત સમાજના વરઘોડા દરમીયાન જે ઘટનાઓ ઘટી રહી છે તે અત્યંત દુઃખદ છે. રાજય સરકાર આ માટે સતત ચિંતીત છે. આ ઘટનાઓ સંદર્ભે જે તત્વો સંડોવાયેલા હશે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે. સરકાર હરહંમેશ તેમની સાથે છે અને કાયમ રહેશે જ.

મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, કડો તાલુકાના લ્હોર ગામે પ્રથમ ઘટના ઘટી કે તુર્તજ રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સંવેદના દાખવીને રાજયની શાંતી, સલામતી અને ભાઇચારાની ભાવના ડહોળાઇ નહી તે માટે સતત માર્ગદર્શન આપીને કોઇ અનઇચ્છનીય ઘટના ન બને તે માટે સુચનાઓ આપી હતી. લ્હોર ગામે તો રાજયના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ તથા સ્થાનિક ધારાસભ્ય કરસનભાઇ સોલંકી દ્વારા રૂબરૂ પહોચી જઇને વિવિધ સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજીને તમામને સમજાવાયા હતા અને ગામમાં સુલેહ સ્થાપવાના પ્રયાસો પણ કરાયા હતા. સાથે સાથે રેન્જ આઇ.જી. અને જિલ્લા પોલીસ અધિક્ષકની ત્વરિત કામગીરીના પરિણામે લ્હોર ખાતે જનજીવન ગણતરીની પળોમાં જ પૂર્વવત થઇ ગયું હતું.

ગૃહ મંત્રી જાડેજાએ કહ્યું કે, ગુજરાત એ વિકસીત રાજય છે. રાજય સરકારની રાજકીય દ્રઢ ઇચ્છાશક્તિના પરિણામે રાજયમાં કાયદો વ્યવસ્થાની સુપેરે પરિસ્થિતિના કારણે રાજયમાં શાંતિ જળવાઇ રહી છે ત્યારે કેટલાક વિધટનકારી તત્વો કે જે ચૂંટણીમાં હાર ભાળી ગયા છે તેઓ ગુજરાતની શાંતિને હણવાનો પ્રયાસ કરી રહ્યા છે તેને રાજય સરકાર કયારેય સાંખી લેશે નહી. આવા તત્વોને રાજયના સૌ પ્રબુધ્ધ નાગરિકો સારી રીતે ઓળખે જ છે તેમણે કહ્યું કે, રાજયમાં ભાઇચારાની ભાવના વધુ બળવત્તર બને તે માટે સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને ચરિતાર્થ કરીને રાજયના સૌ નાગરિકો પણ રાજય સરકાર સાથે ખભે ખભા મિલાવીને દલીત સમાજની પડખે ઉભા રહીને સધિયારો આપે તે અત્યંત જરૂરી છે.

મંત્રી જાડેજાએ કહ્યું કે, કડી તાલુકાના લ્હોર ખાતે બનેલ બનાવ સંદર્ભે પાંચ વ્યક્તિઓની અટકાયત કરી દેવાઇ છે. તેમજ મોડાસા તાલુકાના ખંભીરસર ગામે પણ દલીત સમાજ દ્વારા વરઘોડા માટે પોલીસ બંદોબસ્ત માંગતા પુરતો પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો હતો. નાયબ પોલીસ અધિક્ષકશ્રીના સુપરવિઝન હેઠળ વરઘોડો શાંતિથી પૂર્ણ થાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી હતી. વરઘોડા દરમીયાન કોઇ અનઇચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા પુરતા પગલા લેવાયા હતા. જેના પરિણામે કોઇ ઘટના ઘટી ન હતી. નાયબ પોલીસ અધિક્ષક સામેના આક્ષેપો સંદર્ભે અરવલ્લી પોલીસ અધિક્ષકને તપાસ સોંપવામાં આવી છે અને અહેવાલ આવ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરાશે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, પ્રાંતિજ તાલુકાના સીતવાડા અને બોરીયા ફળીયું ખાતે તથા વડાલી તાલુકાના ગાજીપુર ખાતે દલિત સમાજ દ્વારા દિકરા-દિકરીના લગન સંબધે વરઘોડો કાઢવા સંદર્ભે પોલીસ બંદોબસ્ત માગવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસ દ્વારા પુરતી તકેદારી રાખીને પુરતા પોલીસ બંદોબસ્ત સાથે વરઘોડો શાંતિપૂર્વક સંપન્ન થયો હતો અને કોઇ અનઇચ્છનીય બનાવ બન્યો નથી. સમાજના આગેવાનો દ્વારા ભાઇચારાની ભાવના બની રહે તે માટેના પ્રયાસો પણ થઇ રહ્યાં છે. ભાવનગર તાલુકાના વેળાવદર ખાતે કાઠી દરબાર દ્વારા દલિત યુવાનના વરઘોડામાં પોતાની ઘોડી આપીને અનેરૂ ઉદાહરણ સમાજને પુરૂ પાડયું છે ત્યારે રાજય સરકારની સંવેદનશીલતા અને પ્રજાકીય સહયોગના પરિણામે રાજયમાં સામાજીક સમરસતાનું વાતાવરણ જળવાઇ રહે તે માટે આપણે સૌએ સહયારા પ્રયાસો કરવા પડશે તેવી અપીલ ગૃહમંત્રીએ રાજયના સૌ નાગરિકોને કરી છે.

Next Story