Connect Gujarat
દેશ

રાજસ્થાન-તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન શરૂ

રાજસ્થાન-તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન શરૂ
X

રાજસ્થાનમાં 25 વર્ષથી ચાલી આવતી સરકાર બદલવાની પ્રથા આ વખતે તૂટશે તેવો ભાજપનો દાવો

રાજસ્થાન અને તેલંગાણાની વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. વહેલી સવારથી જ મતદાન મથકો ઉપર મતદારો પોતાની ફરજ અદા કરવા માટે આવી રહ્યા છે. રાજસ્થાન વિધાનસભાની 200માંથી 199 સીટ માટે અને તેલંગાણાની 119 સીટ માટે સવારથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે. રાજસ્થાનમાં 1951થી અત્યાર સુધી 14 વખત ચૂંટણી થઈ છે. જેમાં ચાર વાર ભાજપ, એક વાર જનતા પાર્ટી અને 10 વાર કોંગ્રેસે સરકાર બનાવી છે. રાજસ્થાનમાં 1993થી અત્યાર સુધી દર વખતે સરકાર બદલાઈ હોવાનો રેકોર્ડ જોવા મળ્યો છે. આ વખતે પણ કોંગ્રેસ આ જ થિઅરીથી ચૂંટણી લડી રહી છે. તો બીજી તરફ ભાજપે એવો દાવો કર્યો છે કે, 25 વર્ષથી ચાલતી આ પરંપરા આ વખતે ટૂટશે.

રાજસ્થાનનાં અલવર જિલ્લાના રામગઢ સીટ પર બસપાના ઉમેદવાર લક્ષ્મણ સિંહનું નિધન થવાના કારણે ચૂંટણી પાછી ઠેલી દેવામાં આવી છે. 15મી વિધાનસભા માટે રાજસ્થાનના 33 જિલ્લાના 51687 પોલિંગ બુથ પર 4.75 કરોડ મતદારો 2274 ઉમેદવારો માટે વોટિંગ કરશે. જેમાં 2.27 કરોડ મહિલા મતદારો સામેલ છે. મતદાન સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. તો તેલંગાણામાં મતદાન સવારે 7 વાગ્યાથી જ શરૂ થયું છે.

રાજસ્થાનમાં આ વખતે 88 પાર્ટીઓ મેદાનમાં છે. 2013માં ચૂંટણીમાં 58 પાર્ટીઓએ ભાગ લીધો હતો. ભાજપે 200, કોંગ્રેસે 195 અને બસપાએ 190 સીટ પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીએ 30 જિલ્લામાં તેમના ઉમેદવારો ઉતાર્યા છે. નવી પાર્ટીઓમાં જન અધિકારી, હિન્દી કોંગ્રેસ, જનતાવાદી કોંગ્રેસ, ભારતીય પબ્લિક લેબર, અંજુમન અને આરક્ષણ વિરોધી સામેલ છે.

Next Story