Connect Gujarat
સમાચાર

રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામે ટી-20માં ફટકારી સદી, ભારતે શ્રેણી ઉપર મેળવ્યો વિજય

રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામે ટી-20માં ફટકારી સદી, ભારતે શ્રેણી ઉપર મેળવ્યો વિજય
X

ભારતે ઇંગ્લેન્ડને ત્રીજી અને અંતિમ ટી-20 મેચમાં 7 વિકેટે હરાવી શ્રેણી 2-1થી જીતી લીધી હતી

હાલમાં ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. ત્યારે વિદેશી ધરતી ઉપર રમાયેલી ટી-20 શ્રેણી પોતાના નામે કરી લીધી છે. અને આ શ્રેણી જીતવાની સાથે ભારતીય ટીમે સતત છઠ્ઠી શ્રેણી જીતી છે. ભારતે ટી-20 સિરીઝની ત્રીજી અને અંતિમ મેચમાં ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. આ સાથે જ ભારતે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ તેના ઘરેલુ મેદાન પર પ્રથમ વખત ટી-20 સિરીઝ પર કબજો કર્યો છે. ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા ભારતને 199 રનનો પડકાર આપ્યો હતો. જેને ભારતે રોહિત શર્માની ત્રીજી સદીની મદદથી 18.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવી મેળવી લીધો હતો.

હાર્દિક પંડ્યાએ 14 બોલમાં અણનમ 33 રન બનાવ્યા હતા. આ પહેલા ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 20 ઓવરમાં 9 વિકેટે 198 રન બનાવ્યા હતા. ઓપનર જેસન રોયે સૌથી વધુ 67 રન બનાવ્યા હતા. હવે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 12 જુલાઇથી ત્રણ વન ડે મેચની સિરીઝ રમાશે. રોહિત શર્માએ આ મેચમાં 14 રન બનાવતા જ પોતાના 2 હજાર ટી-20 રન પુરા કરી લીધા હતા. તે સિદ્ધિ મેળવનાર વિશ્વનો ચોથો અને વિરાટ કોહલી બાદ બીજો ભારતીય છે. આ પહેલા ન્યૂઝીલેન્ડના બ્રેન્ડન મેક્કુલમ અને પાકિસ્તાનના શોએબ મલિક પણ 2 હજાર રન બનાવી ચુક્યા છે. રોહિત શર્મા ટી-20માં ત્રણ સદી ફટકારનાર બીજો બેટ્સમેન છે. આ પહેલા ન્યૂઝીલેન્ડનો કોલિન મુનરો પણ 3 સદી ફટકારી ચુક્યો છે.

ઇંગ્લેન્ડને હરાવતાની સાથે જ ભારતે સતત 6 ટી-20 સિરીઝ જીતવાનો રેકોર્ડ પણ બનાવી દીધો છે. સતત સૌથી વધુ ટી-20 સિરીઝ જીતવા મામલે ભારત બીજા નંબર પર છે. સૌથી વધુ 9 વખત ટી-20 સિરીઝ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ પાકિસ્તાનના નામે છે. ભારતીય વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીએ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ત્રીજી અને નિર્ણાયક ટી-20 મેચમાં 2 રેકોર્ડ બનાવ્યા હતા. આ મેચમાં ધોનીએ એક ટી-20 આંતરરાષ્ટ્રીય ઇનિંગમાં વિકેટ પાછળ 5 વિકેટ ઝડપી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. એક ટી-20 ઇન્ટરનેશનલના મુકાબલામાં અત્યાર સુધી વિશ્વનો કોઇ પણ વિકેટકીપર એક ઇનિંગમાં પાંચ કેચ પકડી શક્યો નથી.આ મેચમાં ધોનીએપાંચ કેચ પકડવાની સાથે એક ખેલાડીને રન આઉટ પણ કર્યો હતો. આ પહેલા તે ટી-20 મેચમાં 2 વખત 4-4 કેચ પકડી ચુક્યો છે.

આ સિવાય ધોની ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 50 કેચ પકડનારો વિશ્વનો પ્રથમ વિકેટકીપર બની ગયો છે, તેને આ સિદ્ધિ 93મી ટી-20 મેચમાં મેળવી છે. ધોનીએ ડેબ્યુ મેચ રમી રહેલા ફાસ્ટ બોલર દીપક ચાહરની બોલ પર જેસન રોયને કેચ આઉટ કર્યો અને પોતાના કેચની ફિફ્ટી પૂર્ણ કરી હતી. ધોની પહેલા ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં વિશ્વનો કોઇ પણ વિકેટકીપર આ સિદ્ધિ મેળવી શક્યો નહતો. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ત્રીજી ટી-20માં પાંચ કેચ પકડીને ધોનીએ પોતાના કેચની સંખ્યા 54 પહોચાડી દીધી છે.

Next Story