Connect Gujarat
Featured

લોકડાઉનના પગલે દાહોદમાં એપ્રીલ મહિનાનું રાશન નિ:શુલ્ક મળશે

લોકડાઉનના પગલે દાહોદમાં એપ્રીલ મહિનાનું રાશન નિ:શુલ્ક મળશે
X

શ્રમિક પરિવારો, રોજનું કમાનારા ગરીબ પરિવારો માટે રાજય સરકારે સંવેદનશીલ નિર્ણય લીધો છે. જે અંતર્ગત દાહોદ જિલ્લાના 3.41 લાખ રેશનકાર્ડ ધારકોને એપ્રીલ મહિનાનું રાશન નિ:શુલ્ક મળશે.

દેશવ્યાપી 21 દિવસીય લોકડાઉનના પરીણામે શ્રમિક પરિવારો, રોજનું કમાનારા ગરીબ પરિવારો રોજબરોજના રાશન માટે કોઇ મુંઝવણ અનુભવે નહીં તે માટે રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એપ્રીલ મહિનાનું રાશન વિનામૂલ્યે આપવાનો સંવેદનશીલ નિર્ણય લીધો છે.

આ નિર્ણયના પરીણામે દાહોદ જિલ્લાના 3.41 લાખથી વધુ પરિવારોના 18.74 લાખ રેશનકાર્ડ ધારકોને ઘઉં, ચોખા, દાળ, મીઠું, ખાંડનો એક મહિનાનો જથ્થો વિનામૂલ્યે મળશે. ઉપરાંત જે લોકો પાસે રેશનકાર્ડ કે અન્ય પૂરાવા નથી તેઓ પણ અન્ન બ્રહ્મ યોજના અંતર્ગત એક મહિનાનું રાશન નિ:શુલ્ક મેળવશે.

જિલ્લાના અંત્યોદય રાશનકાર્ડ ધરાવતા 72,265 કુંટુંબોને કાર્ડ દીઠ 25 કિલો ઘઉં, 10 કિલો ચોખા, 1 કિલો ચણાદાળ આપવામાં આવશે. આ કાર્ડ ધરાવતા 4,02,495 લોકોને તેનો લાભ મળશે. સાથે 3 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિલો ખાંડ આપવામાં આવશે. 3થી વધુ હોય તો વ્યક્તિદીઠ 350 ગ્રામ ખાંડ મળશે. પીએચએચ રાશનકાર્ડ હોય તેવા અગ્રતા ધરાવતા 1,82,171 કુંટુંબોને વ્યક્તિદીઠ 3.5 કિલો ઘઉં, 1.50 કિલો ચોખા અને કાર્ડ દીઠ 1 કિલો ચણાદાળ આપવામાં આવશે. આ કાર્ડ ધરાવતા 10,61,926 લોકોને આ લાભ મળશે. બીપીએલ રાશનકાર્ડ ધરાવતા 1,04,157 કુંટુંબોના 6,35,574 લોકોને વ્યક્તિદીઠ 350 ગ્રામ ખાંડ આપવામાં આવશે.

તમામ એએવાય અને બીપીએલ કાર્ડધારક 1,76,422 કુંટુંબોના 10,38,069 લોકોને 6 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિલો આયોડાઇઝડ મીઠું અને 6થી વધુ વ્યક્તિ હોય તો કાર્ડદીઠ 2 કિલો મીઠું આપવામાં આવશે. તમામ અગ્રતા ધરાવતા 78,096 કુંટુંબો જે નેશનલ ફૂડ સિક્યોરીટી એકટ અંતર્ગત એપીએલ 1 અને એપીએલ 2 કાર્ડ ધરાવે છે તેમને કાર્ડદીઠ 1 કિલો ખાંડ અને 1 કિલો આયોડાઇઝડ મીઠું વિનામૂલ્યે આપવામાં આવશે. જે અંતર્ગત 4,26,773 લોકો લાભાન્વિત થશે.જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે, લાભાર્થી પરિવારોને તા. 1 એપ્રીલથી રાશનનું વિતરણ કરવામાં આવશે. જે રાશનકાર્ડ ધારકોને જે દિવસે બોલાવવામાં આવે એ દિવસે જ ઉપસ્થિત થવાનું રહેશે. રાશન લેવા માટે કોઇ પણ પ્રકારની ભીડભાડ કરવી નહી અને સામાજિક અંતર જાળવી રાખવાનું રહેશે. જે લોકો પાસે રેશનકાર્ડ કે અન્ય કોઇ પૂરાવા નથી અને અત્યંત ગરીબ છે તેમને પણ ‘અન્ન બ્રહ્મ’ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લોકોને એક મહિનાનું રાશન વિનામૂલ્યે આપવામાં આવશે. તેમજ રાશન વિતરણ વેળાએ ફેર પ્રાઇસ શોપ ઉપર એક સુરક્ષાકર્મી, એક રેવન્યુ કર્મચારી અને એક શિક્ષકને ફરજ સોંપવામાં આવશે અને તે સોશ્યલ ડિસ્ટન્સિંગ અંગેની વ્યવસ્થા, ટોકનિંગ સિસ્ટમની નિગરાની અને વ્યવસ્થા જોશે.

Next Story