Connect Gujarat
ગુજરાત

વડોદરાનો સયાજીબાગ ફરી ચર્ચામાં, ચંદનના ઝાડની થઈ ચોરી

વડોદરાનો સયાજીબાગ ફરી ચર્ચામાં, ચંદનના ઝાડની થઈ ચોરી
X

ચંદન ચોરો વિશ્વામિત્રીના રસ્તેથી બાગમાં પ્રવેશ્યા હતા, સિક્યુરિટી કોન્ટ્રાક્ટરને મળી નોટિસ

વડોદરાનાં સયાજીબાગના વાઘખાનાની પાછળના ભાગે ગઈકાલે રાત્રે ત્રાટકેલા ચંદનચોરો કટર વડે ચંદનનું ઝાડ કાપીને પલાયન થઈ ગયા હતા. ચંદનની ચોરીની આ ઘટનાને પગલે ફરી એકવાર બાગમાં સિક્યુરિટીની બેદરકારી સામે આવી છે. ચોંકાવનારી વાત એ હતી કે, ચંદન ચોરો વિશ્વામિત્રીના રસ્તે બાગમાં પ્રવેશ્યા હતા અને રાત્રે ઠંડીથી બચવા માટે તેમણે તાપણુ પણ કર્યું હતુ. ચંદનનું ઝાડ કાપવા, તેના લાકડા ભેંગા કરવા માટે તસ્કરો કલાકો સુધી અહીં રોકાયા હોવાનુ સ્પષ્ટ થાય છે.

[gallery td_select_gallery_slide="slide" size="large" td_gallery_title_input="વડોદરાનો સયાજીબાગ ફરી ચર્ચામાં, ચંદનના ઝાડની થઈ ચોરી" ids="78181,78182,78183,78184"]

ચંદન ચોરીની આ ઘટના અંગે ઝૂ સત્તાધીશોએ સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બનાવ અંગે ચોરીની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. પરંતુ, ચોંકાવનારી વાત એ છે કે, સયાજીબાગમાં કલાકો સુધી તસ્કરો રોકાયા હોવા છતાંય કોઈને તેની ખબર ના પડે તે વાત પોલીસના ગળે ઉતરતી નથી. જેથી ચોરીની આ ઘટનામાં સિક્યુરિટીના કોઈ જવાનની સંડોવણી છે કે કેમ ? તે દિશામાં પણ પોલીસે તપાસ શરુ કરી છે.

ઉપરોક્ત બનાવ અંગે ઝૂ ક્યુરેટરનું કહેવુ છે કે, તેમણે ચંદન ચોરીના બનાવની પોલીસ ફરિયાદ નોંધાવી દીધી છે. થોડા દિવસ અગાઉ કૂતરાઓ દ્વારા છ કાળિયારને ફાડી નંખાયા હતા. આ બનાવમાં પણ સિક્યુરિટીની બેદરકારી કારણભૂત હોવાનો ખુલાસો થયો હતો. ગઈકાલે બનેલા બનાવમાં પણ સિક્યુરિટીની બેદરકારી હોવાનુ બહાર આવ્યુ છે. જેથી હવે, કોર્પોરેશનના અધિકારીઓએ સિક્યુરિટી કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવીને તેનો ખુલાસો માગ્યો છે.

Next Story