Connect Gujarat
ગુજરાત

વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ટેકનિકલ ઇન્સ્ટીટ્યૂટ સ્થાપવામાં આવશે

વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ટેકનિકલ ઇન્સ્ટીટ્યૂટ સ્થાપવામાં આવશે
X

લોકસભામાં નાણાંમંત્રીએ રજૂ કરેલા જી.એસ.ટી. પછીના પ્રથમ અને વર્ષ-2019ની ચૂંટણી પૂર્વેના અંતિમ બજેટને ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝે આવકાર્યું છે. ઉદ્યોગપતિઓએ જણાવ્યું છે કે, આ બજેટ બેલેન્સ છે. તમામ વર્ગને ધ્યાનમાં રાખીને બજેટને બનાવવામાં આવ્યું છે. આમ છતાં ખેડૂત અને મોટા ઉદ્યોગો ઉપર વધુ ફોકસ કરવામાં આવ્યુ છે.

બજેટને બેલેન્સ ગણાવતા એફ.જી.આઇ.ના પ્રમુખ નિતીન માંકડે જણાવ્યું હતું કે, આ બજેટ જી.એસ.ટી. લાગુ કર્યા પછીનું પ્રથમ અને વર્ષ-2019માં આવી રહેલી લોકસભાની ચૂંટણીના પગલે સરકાર સામે મોટી ચેલેન્જ હતી. જી.એસ.ટી.ની આવક હવે ચાલુ થશે. તેમ છતાં નાણાંમંત્રી તમામ વર્ગને ખૂશ રાખવામાં સફળ પુરવાર થયા છે. આ બજેટમાં કૃષિ અને મોટા ઉદ્યોગો ઉપર વધુ ફોકસ કરવામાં આવ્યું છે. સરકારે એફ.જી.આઇ.ની રજૂઆતને પણ ધ્યાનમાં લીધી છે. તે અમારા માટે આનંદની વાત છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વડોદરામાં ટેકનિકલ ઇન્સ્ટીટ્યૂટ સ્થાપવામાં આવશે. જેમાં બુલેટ ટ્રેન અંતર્ગત તાલિમ આપવામાં આવશે. જે આવકાર દાયક છે. આ બજેટથી ઇન્ફ્રાસ્ટ્રકચર અને રોજગારીની તકો પણ વધશે. બજેટમાં રૂરલ અને અર્બન વિસ્તારને આવરી લીધું છે.

એફ.જી.આઇ.ના ઉપપ્રમુખ મોહન નાયરે જણાવ્યું કે, ઉદ્યોગો માટે કોઇ મોટી જાહેરાત બજેટમાં કરવામાં આવી નથી. પરંતુ, 250 કરોડથી નીચે ટર્ન ઓવર કરતા ઉદ્યોગોને 5 ટકા રાહત આપવામાં આવી છે. તે મોટી વાત છે. ઉદ્યોગો વધારવા માટેની કોઇ વાત બજેટમાં કરવામાં આવી નથી. પરંતુ, કૃષી ઉપર વધુ ફોકસ કરવામાં આવ્યું છે. જેનાથી કૃષિ ઉદ્યોગને વેગ મળશે.

સી.એ. સંજીવ શાહે જણાવ્યું હતું કે, નોકરીયાત વર્ગને આવકવેરામાં કોઇ રાહત આપવામાં આવી નથી. પરંતુ, રૂપિયા 40 હજાર આવકવેરાના ડીડક્શનમાં અને રૂપિયા 4 હજાર ઇન્કમટેક્ષમાં રાહત થશે. સીનીયર સીટીઝનની ડીપોઝીટમાં હવે રૂપિયા 50 હજાર સુધી ટી.ડી.એસ. કપાશે નહિં. જે સીનીયર સીટીઝન માટે ફાયદા કારક છે. રોજગાર અંગે ઉમેર્યું કે, બજેટને જોતા આગામી સમયમાં રોજગારીની તકો પણ ઉભી થશે. આ બજેટમાં દરેક વર્ગને ધ્યાનમાં રાખવાનો સરકારે પ્રયાસ કર્યો છે.

એફ.જી.આઇ.ના સેક્રેટરી નિતેષ પટેલે જણાવ્યું હતું કે, બજેટમાં લઘુ અને મોટા ઉદ્યોગો માટે ફાયદા કારક છે. રેલવે બજેટ અંગે ઉમેર્યું કે, રેલવે સ્ટેશનોને સી.સી.ટી.વી.થી સજ્જ કરવામાં આવશે. અને એક્સલેટર મુકવાથી મુસાફરોની મુસાફરી ચિંતામુક્ત અને આરામદાયી બનશે. લોકસભાની ચૂંટણી પૂર્વેનું અંતિમ બજેટ હોવા છતાં સરકારે ચૂંટણીને ધ્યાનમાં રાખીને નહિં પરંતુ, દેશના તમામ વર્ગને ધ્યાનમાં રાખીને બજેટ બનાવ્યું છે.

શહેરની ખાનગી કંપનીમાં નોકરી કરતા મિનાબહેન દવેએ જણાવ્યું હતું કે, બજેટમાં સરકારે ઇ.પી.એફ. 8 ટકા કાપવાની જાહેરાત કરી છે. અને 3 વર્ષ સુધી સરકાર 8 ટકા ઇ.પી.એફ. જમા કરાવશે. તે બાબત આવકાર દાયક છે. નોકરીયાત મહિલાઓને ઇ.પી.એફ. કપાતમાં આપવામાં આવેલી રાહતથી મહિલાઓના હાથમાં પગારની રકમ વધુ આવશે.

વિદ્યાર્થી હેમંત સોનીએ જણાવ્યું હતું કે, આ બજેટ મધ્યમ વર્ગને નિરાશ કરતુ બજેટ છે. મધ્યમ વર્ગને બજેટમાં કોઇ રાહત આપી નથી. આ ઉપરાંત રોજગારીની તકો ઉભી થાય તેવું બજેટમાં કોઇ પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી. 50 લાખ યુવાનોને નોકરી માટે તાલિમ આપવાની વાત કરવામાં આવી છે. પરંતુ, તાલિમ લીધા બાદ યુવાનોને નોકરી ક્યાં મળશે તે એક મોટો સવાલ છે. બીજી બાજુ 70 લાખ યુવાનોને રોજગારી આપવાની પણ વાત કરવામાં આવી છે. પરંતુ, તે માટે સ્પષ્ટ ચિત્ર રજૂ કરવામાં આવ્યું નથી.

Next Story