Connect Gujarat
ગુજરાત

વડોદરા : દુષ્કર્મની પીડિતાના પરિવારને સાત લાખ રૂપિયાની વચગાળાની સહાય

વડોદરા : દુષ્કર્મની પીડિતાના પરિવારને સાત લાખ રૂપિયાની વચગાળાની  સહાય
X

વડોદરાના નવલખી મેદાનમાં સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિતાના પરિવારને ગુજરાત વિક્ટીમ કોમ્પેન્સેશન સ્કિમ અંતર્ગત રૂપિયા 7 લાખની સહાય આપવામાં આવી છે. આ સહાયમાંથી પીડિતા રૂપિયા 2.50 લાખનો ઉપયોગ કરી શકશે. બાકીના રૂપિયા 4.50 લાખ રૂપિયાની ફીકસ ડીપોઝીટ કરવામાં આવશે.આ રકમ પીડિતા 18 વર્ષ પછી ઉપયોગ કરી શકશે.

વડોદરાની સામુહિક દુષ્કર્મની ઘટના બાદ સરકારમાં દોડધામ મચી છે. ગુરૂવારના રોજ રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પીડીતાના પરિવાર તેમજ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. સામુહિક દુષ્કર્મની ઘટનામાં ગુજરાત સરકાર અને ગુજરાત હાઇકોર્ટ દ્વારા બનાવવામાં આવેલી ગુજરાત વિક્ટીમ કોમ્પેન્સેશન સ્કિમ અંતર્ગત સામૂહિક દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાના પરિવારને સાત લાખ રૂપિયાની સહાય કરવામાં આવી છે. ડિસ્ટ્રીક જજ અને ગુજરાત કાનુની સેવા સત્તા મંડળના ચેરમેન ડો. સી.કે. જોષીના હસ્તે પીડીતાને ચેક અર્પણ કરાયો હતો. આ પ્રસંગે વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોટ સહિત કમિટીના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

ગુજરાત કાનુની સેવા સત્તા મંડળના ચેરમેન ડો. સી.કે. જોષીએ જણાવ્યું હતું કે, પીડિતા રૂપિયા 7 લાખની સહાયમાંથી રૂપિયા 2.50 લાખ ઉપાડીને વાપરી શકશે. અને બાકીના રૂપિયા 4.50 લાખ ડિપોઝિટ કરવામાં આવશે. ડિપોઝિટ કરવામાં આવનાર રકમ પીડિતા 18 વર્ષની થયા બાદ તેનો ઉપયોગ કરી શકશે. જોકે, પીડિતાને મેડિકલ, એજ્યુકેશન અથવા પુનઃવસવાટ માટે વધુ રકમની જરૂર પડે તો તેઓ કમિટીને અરજી કરી શકે છે. કમિટી અરજીને ધ્યાનમાં લઇ જરૂરીયાત મુજબ ડિપોઝિટમાંથી નાણાં આપી શકે છે.

Next Story