Connect Gujarat
ગુજરાત

વડોદરા મહાનગર પાલિકાનું વર્ષ 2018-19 માટેનું રૂપિયા 3820 કરોડનું બજેટ રજુ કરાયુ

વડોદરા મહાનગર પાલિકાનું વર્ષ 2018-19 માટેનું રૂપિયા 3820 કરોડનું બજેટ રજુ કરાયુ
X

વડોદરા મહાનગર સેવા સદનનું વર્ષ - 2018 - 19નું રૂપિયા 3820 કરોડનું સુચિત બજેટ બુધવારે મ્યુનિસિપલ કમિશનરે સ્થાયી સમિતીમાં રજૂ કર્યુ હતું. મ્યુ. કમિશનરે રજૂ કરેલા બજેટમાં જણાવ્યા પ્રમાણે વર્તમાન વર્ષે વડોદરાનાં સયાજીબાગમાં દેશનું સૌથી મોટુ એવીયરી (પક્ષી ઘર) તેમજ પી.પી.પી.નાં ધોરણે વાતાનુકુલીત બુલેટ ટ્રેન જેવી ટ્રેન શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. મ્યુ. કમિશનરે રજૂ કરેલા બજેટમાં ન્યુ વડોદરાનું સ્વપ્ન સેવવામાં આવ્યુ છે.

મ્યુનિસિપલ કમકિશનર વિનોદ રાવે પત્રકાર પરિષદમાં બજેટની વિગતો આપતા જણાવ્યુ હતુ કે, ન્યુ વડોદરા મારું સ્વપ્ન છે. વડોદરા શહેરની મધ્યમાં આવેલા સયાજી બાગમાં પ્રાણી સંગ્રહાલય અને ગાર્ડનનાં વિકાસ માટે રૂપિયા 5 કરોડનો ખર્ચ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. આજવા સરોવર ખાતે સફારી પાર્ક બનાવવામાં આવી રહ્યું છે. જેનું કામ હાલમાં ચાલી રહ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, શહેરમાં સ્માર્ટ સીટી અંતર્ગત વિવિધ વિકાસલક્ષી કામો ચાલી રહ્યા છે. આ ઉપરાંત શહેરનાં વાઘોડિયા રોડ વૃંદાવન ચાર રસ્તા ઉપર રૂપિયા 50 કરોડ, સંગમ ચાર રસ્તા ઉપર રૂપિયા 45 કરોડ અને તરસાલી જંકશન ઉપર રૂપિયા 55 કરોડનાં ખર્ચે ફ્લાય ઓવર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જામ્બુવા તરફ જતા રસ્તા ઉપર રૂપિયા 7 કરોડનાં ખર્ચે નાળું બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આગામી વર્ષ-2022 સુધીમાં સમગ્ર શહેરને ચોવિસ કલાક પીવાનું પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ-2018-19 દરમિયાન વિકસીત વિસ્તારમાં 24 કલાક પાણી આપવા માટેની કામગીરી હાલમાં ચાલુ છે. ચાલુ વર્ષે સ્કોડાના અમલીકરણથી પાણીનાં બગાડમાં ઘટાડો કરવામાં આવશે.

મ્યુનિ. કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, સ્માર્ટ સીટી અંતર્ગત વડોદરાનો સુંદર અને ઝડપી વિકાસ થાય માટે આવકનો સ્ત્રોત વધારવો જરૂરી છે. આથી શહેરીજનો પાસેથી રૂપિયા 80.10 કરોડના વેરા વસુલવાનું બજેટમાં સૂચવવામાં આવ્યું છે. મકાન માલિક અને ભાડા મિલકતના વેરા માટે ફરિયાદો ઉઠતી હતી. તે ફરિયાદોના નિકાલનો અંત લાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત બજેટમાં વર્ષ-2020 સુધી સમગ્ર શહેરના તમામ ગંદા પાણીના નિકાલનું આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષના અંત સુધીમાં સમગ્ર શહેરમાં ડોર ટુ ડોર કચરાના કલેક્શન, વર્ષ-2022 સુધીમાં સમગ્ર શહેરને સ્લમ ફ્રી બનાવવામાં આવશે, શહેરના રસ્તા મજબૂત રહે તે માટે હવે એક જ એજન્સીને કામ આપવામાં આવશે. તેમ મ્યુનિ. કમિશનરે વધુમાં ઉમેર્યુ હતુ.

Next Story