Connect Gujarat
ગુજરાત

વડોદરા : સયાજી હોસ્પિટલના પ્રસૃતિગૃહમાં ચાલતી અનોખી મધર્સ મિલ્ક બેંક

વડોદરા : સયાજી હોસ્પિટલના પ્રસૃતિગૃહમાં ચાલતી અનોખી મધર્સ મિલ્ક બેંક
X

મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં રૂકમણી ચૈનાની પ્રસુતિ ગૃહમાં 8 નવેમ્બરથી મધર્સ ઓન મિલ્ક (મોમ) બેંકની શરૂઆત થઇ છે. આ મધર્સ મિલ્ક બેંક નાદુરસ્ત નવજાત બાળકો માટે સંજીવની પુરવાર થઇ રહી છે. છેલ્લા છ માસમાં 972 માતાઓએ 156 લિટર દૂધ ડોનેટ કર્યું છે. અને આ દૂધ 487 નવજાત બાળકો માટે અમૃત પુરવાર થયું છે.

સયાજી હોસ્પિટલના પીડીયાટ્રીક વિભાગના હેડ અને મોમના ઇન્ચાર્જ ડો. શિલાબહેન ઐયરે જણાવ્યું હતું કે, મધર્સ મિલ્ક બેંક અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ છે. મિલ્ક બેંકમાં તંદુરસ્ત ધાત્રી મહિલાઓનું દૂધ પેસ્ચ્યુરાઇઝ કરીને લેબોરેટરીમાં રાખવામાં આવે છે. આ દૂધ ત્રણથી છ માસ સુધી ઉપયોગમાં લેવામાં આવે છે. મધર્સ મિલ્ક બેંકમાં આવનાર દૂધ અધુરા માસે જન્મ લેતા બાળકો, જોડીયા બાળકો, ત્યજી દેવાયેલા બાળકો માટે સંજીવની પુરવાર થઇ રહ્યું છે.

છેલ્લા છ માસમાં 972 માતાઓએ 156.6 લિટર દૂધ ડોનેટ કર્યું છે. અને આ દૂધ 487 કુપોષીત નવજાત બાળકોને આપવામાં આવ્યું છે. બાળકો માટે અમૃત ગણાતું માતાનું દૂધ હોસ્પિટલના બાળકો માટે સંજીવની પુરવાર થયું છે. લોકડાઉનના સમયમાં પણ મહિલાઓ દ્વારા દૂધ ડોનેટ કરવાની કામગીરી ચાલુ હતી. તા.19-5-020ના રોજ વિશ્વ મહિલા મિલ્ક ડોનેટ દિવસ હતો. લોકડાઉનના કારણે આ દિવસ સાદાઇથી ઉજવાયો હતો. સયાજી હોસ્પિટલમાં રૂકમણી ચૈનાની પ્રસુતિ ગૃહના ત્રીજા માળે મધર્સ ઓન મિલ્ક (મોમ) બેંક કાર્યરત છે. તેમ વધુમાં જણાવ્યું હતું.

ડો. શીલાબહેન ઐયરે ઉમેર્યું હતું કે, માતાનું દૂધ બાળક માટે અમૃત ગણાય છે. માતાનું દૂધ બાળકને મળવાથી તેનામાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ સાથે તેનો વિકાસ પણ ઝડપી થાય છે. ઇન્ફેક્શન અને એન.ઇ.સી. જેવા રોગ સામે માતાનું દૂધ ઢાલ સમાન પુરવાર થાય છે. એવું નથી કે, પૂર્ણ માસે બાળકને જન્મ આપનાર મહિલા પણ પોતાનું દૂધ ક્યારેક પોતાના બાળકને આપી શકતી નથી. તેવા સમયમાં મધર્સ મિલ્ક બેંકમાં જમા થયેલું દૂધ તેવા બાળકોને પણ આપવામાં આવે છે.

મોમમાં કેવી મહિલાઓ દૂધ દાન કરી શકશે ? તેવા એક સવાલના જવાબમાં ડો. શિલાબહેન ઐયરે જણાવ્યું કે, તંદુરસ્ત માતા પોતાનું દૂધ દાન કરી શકશે. દૂધનું દાન આપવા માંગતી મહિલાની ટીમ દ્વારા શારીરીક તપાસ કરવામાં આવે છે. જેવી કે તેને એચ.આઇ.વી., કમળો જેવો રોગ ન હોય, હવે કોરોના વાઇરસ માટે તપાસ કરવામાં આવે છે. તેઓની ગંભીર બિમારીની દવા ચાલતી ન હોય. તેવી મહિલાઓ દૂધ દાનમાં આપી શકે છે. જે દૂધ જરૂરીયાત મંદ બાળકોને આપવામાં આવે છે. સરકાર દરેક શહેરોમાં મધર્સ મિલ્ક બેંક શરૂ કરવા આગળ વધી રહી છે.

Next Story