Connect Gujarat
સમાચાર

વર્લ્ડકપ ૨૦૧૯માં ભારત સામે પાકિસ્તાનની કારમી હાર : પાક. ટીમ પર પ્રતિબંધ લગાવવા કરાઇ કોર્ટમાં અરજી

વર્લ્ડકપ ૨૦૧૯માં ભારત સામે પાકિસ્તાનની કારમી હાર : પાક. ટીમ પર પ્રતિબંધ લગાવવા કરાઇ કોર્ટમાં અરજી
X

  • ગત ૧૬મી જૂને માનચેસ્ટરમાં રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને ૮૯ રનથી હરાવ્યું
  • પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની પસંદગી સમિતિને બરતરફ કરવા અરજદારે કરી માંગ

હાલ ક્રિકેટ જગતમાં વર્લ્ડકપની ટુર્નામેંટ ચાલી રહી છે ત્યારે આમને સામને થતી ઘણી બધી ટીમની ક્રિકેટ મેચ રોમાંચક સાબિત થઈ છે. ગત તા. ૧૬મી જૂને ઈંગ્લેન્ડના માનચેસ્ટર ખાતે રમાયેલ વર્લ્ડકપ મેચમાં ભારત સામે પાકિસ્તાનને મળેલી હાર બાદ પાકિસ્તાની ખેલાડીઓને ચાહકો તેમજ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરોની ટીકાઓનો ઘણો સામનો કરવો પડી રહ્યો છે. તો ટીમના એક ચાહકે મંગળવારે પંજાબ પ્રાંતના ગુજરાંવાલા સિવિલ કોર્ટમાં અરજી પણ દાખલ કરી હતી. આ અરજીમાં પાકિસ્તાની કિક્રેટ ટીમ પર પ્રતિબંધ લગાવી પસંદગી સમિતિને બરતરફ કરવાની માંગ કરવામાં આવી હતી. જજ દ્વારા આ કેસમાં જવાબ આપવા માટે પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ (PCB)ના અધિકારીઓને નોટિસ ફટકારી છે.

વધુમાં આ કેસ દરમિયાન અરજદારના નામનો હજુ સુધી ખુલાસો થયો નથી. એક મળતા અહેવાલ અનુસાર PCBના અધિકારીઓ એક મહત્વની બેઠક બાદ ટીમ મેનેજમેન્ટમાં ફેરફાર પણ કરી શકે છે. પાકિસ્તાની ટીમના મુખ્ય કોચ મિક્કી આર્થરના કોન્ટ્રાક્ટને રદ કરી તેમને બહારનો રસ્તો બતાવવાની આશંકાઓ પણ વર્તાઈ રહી છે. ટીમ મેનેજર તલત અલી અને બોલિંગ કોચ અઝહર મહમૂદ સહિત સમગ્ર પસંદગી સમિતિને બરતરફ કરવાની શક્યતાઓ છે, તો PCBના મહાનિયામક વસીમ ખાન પણ આ મહત્વની બેઠક માટે વિદેશ પ્રવાસને અધવચ્ચે જ મુકીને પરત ફરી રહ્યા છે.

હાલ પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં ૩ પોઈન્ટ સાથે ૯માં ક્રમે છે. અત્યાર સુધીમાં પાકિસ્તાનની ટીમે ૫ મેચોમાંથી ફક્ત ૧ જ મેચમાં જીત હાંસલ કરી છે. ગત તા. ૧૬મી જૂને ઈંગ્લેન્ડના માનચેસ્ટર ખાતે ઓલ્ડ ટ્રાફર્ડ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને ૮૯ રનથી હરાવ્યું હતું. પાકિસ્તાનની ટીમનું ભારતીય ટીમ સામે ઘણું જ ખરાબ પ્રદર્શન રહેતા પાકિસ્તાની ક્રિકેટ ચાહકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે.

Next Story