Connect Gujarat
Featured

અમદાવાદ : NRI ટ્રસ્ટી અને સાધ્વી સહીત 4 લોકોની કરપીણ હત્યાનો મામલો, ATSના હાથે ઈનામી આરોપી દિલ્હીથી ઝડપાયો

અમદાવાદ : NRI ટ્રસ્ટી અને સાધ્વી સહીત 4 લોકોની કરપીણ હત્યાનો મામલો, ATSના હાથે ઈનામી આરોપી દિલ્હીથી ઝડપાયો
X

વર્ષ 2004 મહેસાણા જીલ્લાના કડી તાલુકાનાં ઉટવા ગામની સીમમાં આવેલ મહાકાળી માતાના મંદિરની અંદર કોઈ અજાણ્યા ઈસમોએ મંદિરના ટ્રસ્ટી અને સાધ્વી સહિત અન્ય 2 વ્યક્તિઓ સહીત કુલ 4 લોકોની કરપીણ હત્યા કરી હતી. ઉપરાંત રૂ. 10 લાખથી વધુના સોના-ચાંદીના દાગીના સહીતની લૂંટ કર્યાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી હતી, ત્યારે સમગ્ર મામલે તેની ફરિયાદ મૃતક NRI ટ્રસ્ટીની પુત્રવધુ સુધા પટેલે કડી પોલીસ મથકે નોંધાવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદી સુધા પટેલ અને તેમના સસરા ચીમન પટેલ ઘટના બન્યા તેના 6 મહિના અગાઉ જ અમેરિકાથી અમદાવાદ આવ્યા હતા. અમેરિકાથી કડી આવીને તેમના સસરા ચીમન પટેલ મંદિરમાં પુજા કરતા હતા. આ ઉપરાંત મંદિરમાં પૂજાપાઠ કરવા માટે એક સાધ્વી પણ રહેતા હતા. સાથે સાથે ભચાઉથી આવેલા કરમણ પટેલ પણ મંદિરમાં રહીને પરચુરણ કામ કરતા હતા, આ સિવાય મંદિરનું કામકાજ રાજસ્થાનના કારીગર મોહન વાઘજી લુહારને અપાતાં તેઓ પણ મંદિરમાં જ રહેતા હતા.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, મંદિરમાં પથ્થરનું કામકાજ ચાલતું હોવાથી મોહન લુહાર સવારે મંદિરે પહોંચતા જોયું ત્યારે મંદિરના ટ્રસ્ટી ચીમન પટેલનો ગળુ કપાયેલી હાલતમાં મૃતદેહ જોવા મળ્યો હતો, ત્યારે બનાવની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરતા મંદિરના સાધ્વી માતાજી સમતાનંદ પૂર્ણાનંદ સરસ્વતીનો મૃતદેહ મોતીબા આશ્રમના બાથરૂમમાંથી તથા અન્ય 2 સેવકોની પણ ઘાતકી હત્યાં કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. વર્ષ 2004માં થયેલ ઘાતકી હત્યાં કરનાર અપરાધી ઘટનાને અંજામ આપી ગુજરાત છોડી દિલ્હી ભાગી ગયો હતો, ત્યારે ગુજરાત ATSના પોલીસ ઇન્સ્પેક્ટર સી.આર.જાદવ અને આર.કે.રાજપૂતને ફરાર આરોપી પોતાનું નામ છુપાવી જુદી જુદી જગ્યાએ રહેતો હોવાની બાતમી મળી હતી. રૂ. 10 લાખથી વધુના સોના-ચાંદીના દાગીના સહીતની લૂંટ અને હત્યાનો આરોપી કે, જેને ઝડપી પાડવા ગુજરાત સરકારે રૂ. 51 હજારનું ઇનામ જાહેર કર્યું હતું, ત્યારે તે આરોપીને દિલ્હી ખાતેથી ગુજરાત ATSના પોલીસ ઇન્સ્પેક્ટર સી.આર.જાદવ અને પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.રાજપૂત તથા તેમની ટીમ દ્વારા વોચ અને ટેક્નિકલ સર્વેલન્સ રાખી આરોપી ગોવિંદસિંહ નંદરામ યાદવને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી સઘન પૂછપરછ કરતા તે મૂળ મધ્યપ્રદેશના દતિયા જીલ્લાના સિમથરા ગામનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત ગોવિંદસિંહ અને તેની પત્નીને મંદિરમાં રૂ. 15 લાખ જેટલી રકમ પડી રહેતી હોવાની ભાળ મળતા મનમાં જ રાતોરાત લખપતિ બની જવાની લાલચ જાગી હતી. જેથી લૂંટની ઘટનાને અંજામ આપવા શાતીર ભેજાબાજ અપરાધી ગોવિંદસિંહ યાદવે મંદિરના NRI ટ્રસ્ટી ચીમન પટેલ, સાધ્વી માતાજી સમતાનંદ પૂર્ણાનંદ સરસ્વતી અને મંદિરની અંદર કામ કરતા અન્ય 2 વ્યક્તિઓ સહીત કુલ 4 લોકોની ધારિયા વડે ગળુ કાપી કરપીણ હત્યાં કરી હોવાનું કબૂલ્યું હતું.

Next Story