Connect Gujarat
ગુજરાત

શ્રવણશકિત વિના જન્મેલા દિકરાને માઁના વાત્સલ્ય એ અપાવી શ્રવણશક્તિ

શ્રવણશકિત વિના જન્મેલા દિકરાને માઁના વાત્સલ્ય એ અપાવી શ્રવણશક્તિ
X

માઁ શબ્દ અવર્ણનીય છે, અદભૂત છે, પવિત્ર છે, પરંતુ એ સાર્થક ત્યારે થાય છે જ્યારે તેનું બાળક તેને પ્રથમવાર માઁ કહીને સંબોધે છે. આ અનુભવ દરેક માતા માટે શબ્દોમાં ન વર્ણવી શકાય તેઓ અનુભવ છે. વિચારો શું વીત્યું હશે તે માતા પર જ્યારે તેમને ખબર પડી કે તેમનો દિકરો શ્રવણશક્તિ વિના જ જન્મ્યો છે.જોકે એક માઁ ના વિશ્વાસ સામે તબીબી શક્તિ પણ હારી ગઇ અને બાળક સંભાળતો અને બોલતો થઇ ગયો.

અંકલેશ્વર જીઆઇડીસીના મંત્ર એપાર્ટમેન્ટમાં રહેતા મીનાક્ષીબહેન અરવિંદભાઇ આદ્રોજાનો નાનો દિકરો ધ્યાન શ્રવણશક્તિ વિના જ જન્મ્યો હતો.જ્યારે તબીબોએ આ વાતની જાણ તેમને કરી તો તેમણે હિંમતપૂર્વક આ પરિસ્થિતીનો સામનો કર્યો હતો અને કોઇપણ ભોગે પોતાના દિકરાને અન્ય સામાન્ય બાળકોની જેમ બોલતો અને સાંભળતો કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

મીનાક્ષી આદ્રોજાએ જણાવ્યું હતું કે ધ્યાનની કોકલીયર ઇમ્પલાન્ટ શસ્રક્રિયા કરાવ્યા બાદ પણ તબીબોએ તેને હજી સાંભળવામાં અને બોલવામાં ઘણો સમય લાગશે તેમ જણાવ્યુ હતું. લોકો પણ તેમને કહેતા કે ધ્યાન નોર્મલ થશે કે કેમ તે કહેવું મૂશ્કેલ છે. પરંતુ જેને ભગવાનનું ઉપનામ મળ્યું છે તે માતાએ તબીબો સહિત લોકોના મંતવ્યોને ખોટાં ઠેરવ્યા છે.

32

મીનાક્ષીબહેને જનની બાલવાટિકામાં ધ્યાનના અભ્યાસના પ્રથમ ચરણની શરૂઆત કરાવી હતી. જોકે,તે સાંભળી ન શકતો હોવાથી બોલી પણ શકતો નહોતો. પરંતુ મીનાક્ષીબહેન એક જ બાબત પોતાના દિકરાને પ્રેમ પૂર્વક વારંવાર સમજાવતા હતા. જેના થકી ધ્યાનને પણ અભ્યાસમાં રૂચિ જાગવાની સાથે તે અનેક પ્રવૃતિઓમાં રસ લેતો થયો. હવે તેણે સંસ્કારદીપ વિદ્યાલયમાં ત્રીજા ધોરણમાં પ્રવેશ મેળવ્યો છે.

ધ્યાનને કમ્પ્યુટર, મોબાઇલમાં ગેમ રમવા ઉપરાંત મિત્રો સાથે ક્રિકેટ રમવાનું ખૂબ ગમે છે. જ્યારે બાળગીતો તેમજ લખવામાં પણ વિશેષ રૂચિ ધરાવતો ધ્યાન હવે સંભાળવા ની સાથે બોલી પણ શકે છે.ફોટોફ્રેમ સહિતની કૃતિઓ બનાવવાની સાથે શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ ઉત્સાહપૂર્વક ભાગ લે છે.

મીનાક્ષીબહેને વધુમાં જણાવ્યું હતું કે ધ્યાનને બોલતો કરવા માટે તેની પાસે આખી-આખી રાત મીણબત્તી સળગાવીને ફુક મારીને ઓલવવાની ક્રિયા કરાવતા હતા. જેથી તેનો અવાજ નીકળે અને તેમની રાત-દિવસની મહેનતે તેમને માતૃત્વનું ઉત્તમ કહી શકાય તેવું પરિણામ આપ્યું છે. તેમના આ આત્મવિશ્વાસ ભર્યા સાહસમાં તેમના પતિ અરવિંદભાઇ અને મોટા દિકરા સંયમે પણ ખૂબ જ સાથ અને સહકાર આપ્યો છે. જે લોકો ધ્યાન માટે નિરાશાજનક વાતો કરતા હતા તેમના વર્તનમાં પણ બદલાવ આવ્યો છે. તેમજ તેઓ ધ્યાનમાં આવેલ બદલાવ માટે મીનાક્ષીબહેનને માતૃત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ માની રહ્યા છે.

Next Story