Connect Gujarat
સમાચાર

શ્રીલંકાના ફાસ્ટ બોલર લસિત મલિંગાએ નિવૃત્તિની કરી જાહેરાત

શ્રીલંકાના ફાસ્ટ બોલર લસિત મલિંગાએ નિવૃત્તિની કરી જાહેરાત
X

બાંગ્લાદેશ સામે 26 જુલાઈના રોજ પોતાની અંતિમ વનડે મેચ રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડી દેશે.

શ્રીલંકાના ઝડપી બોલર લસિંત મલિંગાએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી હતી. બાંગ્લાદેશ વિરુદ્ધ 26 જૂલાઇના રોજ વન-ડે મેચ બાદ તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ લઇ લેશે. બાંગ્લાદેશ સામેની પ્રથમ વન-ડે મેચ મલિંગાની અંતિમ વન-ડે મેચ રહેશે. શ્રીલંકાના કેપ્ટન દિમુથ કરુણારત્નેએ સોમવારે આ જાણકારી આપી હતી.

મલિંગાને બાંગ્લાદેશ વિરુદ્ધ વન-ડે સીરિઝ માટે શ્રીલંકાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. મલિંગાની કેપ્ટનશીપમાં જ શ્રીલંકાએ વર્ષ 2014માં વર્લ્ડ ટી-20નું ટાઇટલ જીત્યુ હતું. મલિંગાએ ઓસ્ટ્રેલિયાની પરમેનન્ટ રેસિડેન્સી મળી ગઇ છે. એવા પણ અહેવાલ છે કે તે ટૂંક સમયમાં પોતાના પરિવાર સાથે ઓસ્ટ્રેલિયામાં વસી શકે છે. ઉલ્લેખનીય છે કે મલિંગાએ 2011માં ટેસ્ટ ક્રિકેટને અલવિદા કરી દીધું હતું.

પ્રેસ કોન્ફરન્સમાં શ્રીલંકાના કેપ્ટન કરુણારત્નેએ કહ્યું કે, મલિંગા ફક્ત બાંગ્લાદેશ સામેની પ્રથમ મેચ જ રમશે. હું નથી જાણતો કે તેમણે પસંદગીકારોને શું કહ્યુ પરંતુ મને કહ્યું છે કે તે એક મેચ જ રમશે. મલિંગાએ અત્યાર સુધીમાં 219 ઇનિંગ્સમાં 335 વિકેટ લીધી છે. મલિંગા શ્રીલંકા તરફથી વન-ડે મેચમાં સૌથી વધુ વિકેટ લેવા મામલે ત્રીજો નંબર ધરાવે છે. મુરલીધરન 534 અને ચામિંડા વાસ 400 વિકેટ સાથે અનુક્રમે પ્રથમ અને બીજા સ્થાન પર છે. મલિંગાએ 2004માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.

Next Story