Connect Gujarat
બ્લોગ

સંબંધો: નયા દોર હૈ, નયી પરિભાષા હૈ....

સંબંધો: નયા દોર હૈ, નયી પરિભાષા હૈ....
X

સંબંધો છે, તો માણસજાતનું અસ્તિત્વ છે. સંબંધો સારા હોવા, ખરાબ હોવા, નવા હોવા, જૂના હોવા, ફરીથી મજબૂત કરવા, મજબૂત સંબંધને જાળવવા કોશિષ કરવી, મજબૂત સંબંધોને થોડા નબળા પાડવા, નબળા સંબંધને મજબૂત કરવા.....આ સંબંધોની માયાજાળમાં અનેક લોકો રોલ ભજવતાં હતાં. કોઈની ખરી ખોટી વાતથી બનેલાં સંબંધો બગડતા, તો સમજદાર વ્યક્તિની મધ્યસ્થતા સંબંધોને મજબૂત બનાવી શક્તી. સંબંધોની કેમેસ્ટ્રીમાં પણ હંમેશા માણસો જ રહેતા. પરિણામે દોસ્તી હોય કે દુશ્મની પણ સંબંધો જીવંત રહેતાં.

સામાન્ય બાબતે પેઢીઓના સંબંધો બગડતા તો જોયાં છે, પણ મહાભારત તો સંબંધોની વ્યાખ્યામાં પણ અદભૂત છે. મહાભારતના કેન્દ્રમાં તો પાંડવ કૌરવ યુદ્ધ જ છે, આ યુદ્ધે કદાચ બે પરિવારના આજીવન સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું જોઈએ. મહાભારતના યુદ્ધના સોળમા વર્ષે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીએ વનમાં જવાનું વિચાર્યું. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી જંગલમાં કેવી રીતે એકલા રહી શકે? કોઈ તો સાથે જોઈએ. જે તેમની સેવા અને ચાકરી કરે. ધૃતરાષ્ટ્ર સાથે અંગત સચિવ તરીકે આજીવન રહેલો સંજય તો હતો, પણ સેવા કરવા માટે કુંતી ગઇ હતી. કુંતીએ પણ રાજપાટ, સુખ બધું છોડીને ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની સેવા કરવા જંગલમાં તો ગઇ, પણ જંગલમાં આગ લાગી તો તેમની સાથે જ અગ્નિપ્રવેશ પણ કર્યો. જે વ્યક્તિના મમત્વને કારણે મહાભારતનું યુદ્ધ થયું, અનેક વાર મારી નાખવાના પ્રયાસ થયા, જાહેરમાં દ્રોપદી વસ્રાહરણ જેવી ઘટના બની. પાંચ પૌત્ર અને અભિમન્યુ સહિત અનેક પરિવારજનો જે યુદ્ધમાં માર્યા ગયાં. સામા પક્ષે પણ ભીમ તેમજ અર્જુન દ્વારા ઘાતકી હિંસા થઈ છે. આટલી ઘાતકી ઘટના બનવા છતાં સેવા કરવી એ માટે સંબંધની કોઇ પણ વ્યાખ્યા કરતાં ઉપર છે.

સોશિયલ મિડિયામા પળેપળ બદલાતા સંબંધ માણસ નામનું તત્વ લગભગ ગાયબ થઈ ગયું છે. વર્ચ્યુઅલ દુનિયામાં સંબંધોની વ્યાખ્યા બદલાવા લાગી છે. ઓમ શાંતિ કે RIP લખીને મૃત્યુના પરિવારને સાંત્વના આપવામાં આવે છે, તો સામા પક્ષે કેટલા લોકો મળવા આવ્યા તે કરતાં કેટલા લોકોએ ઓમ શાંતિ લખ્યું એ અગત્યનું બનતું જાય છે. સોશિયલ મિડીયાના નવા યુગના આ પરિવર્તન છે. સામા પક્ષે જીવનમાં ક્યારેય મળ્યા નથી કે મળીશું પણ નહીં એવા લોકો સાંત્વના આપે કે શુભેચ્છાઓ વ્યક્ત કરે તો તેનો ખુશી ખુશી સ્વીકાર પણ થવા લાગ્યો છે. બદલાતા સંબંધોની વ્યાખ્યામાં આપણે સેટ થવાનું છે. મહાભારતના એ સંબંધો માત્ર પુસ્તકમાં સમાઇ ગયા છે અને ઓમ શાંતિ એ નવા સમયનું સમીકરણ છે.

ગાંધીયુગ કે મહાભારત યુગની સૌથી મોટી વિશેષતા એ હતી કે બધું ટ્રાન્સફરન્ટ કે પારદર્શક હતું. ગાંધીને જિન્ના સાથે કઇ બાબતમાં વાંધો હતો કે સરદારને સુભાષચંદ્ર બોઝ સાથે કેમ વિવાદ હતો આ અભ્યાસ કરવા માટે ડોક્યુમેન્ટ મળી જશે. કશું પણ ખાનગી નથી. મહાભારતકાર કે રામાયણ લખનારાએ કોઈ વાત છૂપાવી નથી. ખાનગી વાતો ગાંધી પાસે ન હતી, જે છે તે લખેલું છે. સોશિયલ મિડિયામાં આ પેટર્ન જ બદલાતી જાય છે. માણસ માણસ કરતાં વ્યક્તિ પોતાનામાં વધુ ડૂબતો જાય છે. કોર્પોરેટ દુનિયામાં કે જાહેરજીવનમાં પારદર્શક રહેવાની વાત કરનારાઓનું સૌથી વધુ કોમ્યુનિકેશન સ્વયં સાથે જ થતું હોય છે. બહાર કોમ્યુનિકેશન બંધ થતાં માણસને બધી વાતો પોતાના મન સાથે જ કરવી પડે છે. આ પ્રકારનું લખીશ તો કોને ખરાબ લાગશે, કોને સારું લાગશે તેના કરતાં તો પોતે કેવો દેખાશે તેનો વિચાર પહેલો આવે છે. સોશિયલ મિડિયાને કારણે તેમજ બદલાતા જમાનામાં માણસ ખૂલવાને બદલે સ્વયં સાથે જ કોમ્યુનિકેટ કરતો થયો છે, જેનું સૌથી વિપરીત પરિણામ એ છે કે નાનો ઠપકો પણ સહન કરી શક્તો નથી. મહાભારત જેવી પરિસ્થિતિ તો ક્યારેય સહી જ શકે નહીં. કર્મચારીને મન દઇને કામ કરવાની સલાહ આપો તેને પણ ખોટું લાગી જાય છે. માણસનો ઇગો વધતો નથી પણ સહનશક્તિ તો ઘટતી જ જાય છે. આ ઘટતી સહનશક્તિ સામે સંબંધ જાળવવા આપણી જવાબદારી બનતી જાય છે જેને પરિણામે સંબંધ ભારરૂપ અથવા ત્રાસરૂપ બને છે. ભાર વિનાના સંબંધો ભૂતકાળ બનતાં જાય છે અને સંબંધો વિનાનો ભાર વર્તમાન થઈ ગયો છે....

Deval ShastriBlog by Deval Shastri

Next Story