Connect Gujarat
દેશ

સુપ્રીમ કોર્ટે BCCI ના પ્રમુખ પદેથી અનુરાગ ઠાકુરની કરી હકાલપટ્ટી

સુપ્રીમ કોર્ટે BCCI ના પ્રમુખ પદેથી અનુરાગ ઠાકુરની કરી હકાલપટ્ટી
X

સુપ્રીમ કોર્ટે સોમવારના રોજ ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડના પ્રમુખ અનુરાગ ઠાકુરની પ્રમુખ પદેથી હકાલપટ્ટી કરી હતી, આ સાથે કોર્ટે બીસીસીઆઈના સેક્રેટરી અજય શિકેને પણ પદ પરથી હટાવી દીધા હતા.

સુપ્રીમ કોર્ટ દ્વારા નીમવામાં આવેલ લોઢા સમિતિ દ્વારા ક્રિકેટ બોર્ડમાં જરૂરી સુધારા કરવા અંગેની રજૂઆત કરી હતી પરંતુ ક્રિકેટ બોર્ડ દ્વારા આ ભલામણોનો અમલ ન થતા સુપ્રીમ કોર્ટ દ્વારા ભાજપના નેતા અનુરાગ ઠાકુરની પ્રમુખ પદથી હટાવી દેવામાં આવ્યા હતા તેમજ લોઢા સમિતિની ભલામણોનો તાત્કાલિક ધોરણે અમલ કરવાનું પણ જણાવવામાં આવ્યું હતું.

લોઢા સમિતિએ કરેલ ભલામણોમાં રાજકારણીઓએ બોર્ડના હોદા પર ન રહેવાનું જણાવાયું હતું જેનો અમલ ન થતા કોર્ટે આ નિર્ણય લીધો હતો તેમજ કોર્ટ બીજા રાજકારણીઓને પણ હટાવી શકે છે એવું જાણવા મળ્યું છે.

ચીફ જસ્ટિસ ટી.એસ.ઠાકુર, ન્યાયમૂર્તિ એ.એમ.ખાનવિલકર અને જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ ની બેન્ચે જણાવ્યું હતું કે બીસીસીઆઈના વચગાળાના વ્યવસ્થાપક તરીકે સૌથી સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પ્રમુખ તરીકે અને સંયુક્ત સચિવ સેક્રેટરી તરીકે કાર્ય કરશે.

આ સાથે કોર્ટે ગોપાલ સુબ્રમણ્યમ અને જાણીતા ધારાશાસ્ત્રી ફાલી નરીમાનને બીસીસીઆઈ ની કામગીરી પર નજર રાખવા માટેની સમિતિના નામો સુચવવાનું કહ્યું હતું.

વધુમાં કોર્ટે જણાવ્યું હતું કે સંચાલકની નિમણુંક અંગેનો નિર્ણય 19 જાન્યુઆરી પર લેવામાં આવશે.

Next Story