Connect Gujarat
ગુજરાત

સુરતમાં રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરારૂપ બૂસ્ટર્સનો ખુલ્લેઆમ ઉપયોગ

સુરતમાં રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરારૂપ બૂસ્ટર્સનો ખુલ્લેઆમ ઉપયોગ
X

પ્રતિબંધિત બુસ્ટર્સ-રિપીટર ઓપન બેન્ડમાં ચાલતા હોવાથી આસાનીથી હેક થઇ શકે છે

શનિવાર મોબાઇલના સિગ્નલની ક્ષમતા વધારવા માટે ઉપયોગમાં લેવાતા બુસ્ટર્સ - રીપીટર હકીકતમાં અનઅધિકૃત છે. આ બુસ્ટર્સ-રિપીટર ઓપન બેન્ડમાં ચાલતા હોવાથી આસાનીથી હેક થઇ શકે છે અને તેનો દુરુપયોગ પણ થઇ શકે છે. આ સાધન દેશની સુરક્ષા અને સલામતી માટે જોખમરૂપ છે. કીંતુ વપરાશકારોને તેનો ખ્યાલ હોતો નથી. શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને વેપાર-ધંધાની પ્રવૃત્તિના સ્થળો ઉપર આવા સાધનોનો ઉપયોગ વધી ગયો છે.

આજથી દોઢેક વર્ષ પહેલાં આ પ્રતિબંધિત સાધનની સંખ્યા ઓછી હતી. આજે આ સંખ્યા વધી છે, એમ બીએસએનએલના પ્રિન્સીપલ જી.એમ અરૂણ શર્માએ અહીં જણાવ્યું હતું. સામાન્ય વર્ગને આ સાધન વિશે બહુ જાણકારી નથી. આ સાધન વાસ્તવમાં પ્રતિબંધિત છે. પ્રતિબંધિત એવા આ બુસ્ટર્સ-રીપીટર્સનો ઉપયોગ માત્ર સુરતમાં થાય છે, એવું નથી. દેશના અન્ય શહેરોમાં પણ આનો ઉપયોગ થઇ રહ્યો છે. આ સાધનના ઉપયોગને કારણે ખાનગી ટેલિકોમ કંપનીઓને નેટવર્કની સમસ્યા ઉભી થાય છે.

આ બુસ્ટર્સ-રીપીટર જુદી જુદી કંપનીઓને ફાળવાયેલા ફ્રીકવન્સીમાં અડચણરૂપ બને છે. આ બાબતે તેમણે વધુમાં જણાવ્યું કે, બુસ્ટર્સ-રીપીટર ઓપન બેન્ડમાં ચાલતો હોવાથી કોઇનાથી પણ હેક થઇ શકે છે અને તેનો ખોટો ઉપયોગ પણ થઇ શકે છે. આવા સાધનો દેશની સલામતી માટે ખતરારૂપ છે. વળી, આ સરકારની રેવન્યૂને પણ નુકસાન કરી રહ્યાં છે. આ હકીકતને નહીં જાણનારા નિર્દોષ ભાવે આવા સાધનોનો ઉપયોગ કરી રહ્યાં છે. લોકોમાં આ અંગેની જાગૃતિ આવે એ ખૂબ જ જરૂરી છે. આવા પ્રતિબંધિત સાધનોના વપરાશ અંતર્ગત ટેલિગ્રાફ એક્ટ હેઠળ ત્રણ વર્ષની સજા થઇ શકે છે.

ટેલિકોમ કંપનીએ ૧૫ને નોટિસ ફટકારી, હવે પછી આવા વપરાશકારો સામે સીધી કાયદાકીય કાર્યવાહી થશે પ્રતિબંધિત બુસ્ટર્સ શોધી કાઢવા માટે સ્પેકટ્રમ એનાલાઇઝરનો ઉપયોગ ટેલિકોમ કંપનીએ કર્યો હતો અને જુદા જુદા વિસ્તારમાંથી આવા સાધનો જપ્ત કરીને પંદર જણાંને નોટિસો આપી છે.

અમદાવાદથી આવેલા અધિકારી હેમેન્દ્ર પરીખે જણાવ્યું હતું. શહેરના ટેક્સટાઇલ માર્કેટ, મહિધરપુરા, હીરાબજાર, લસકાણા, કામરેજ અને ભાગળ જેવા વિસ્તારો આનો ઉપયોગ કરતા હોવાનું શોધી કાઢવામાં આવ્યું હતું. ટેલિકોમ કંપનીના અધિકારીઓની ટીમે પોલીસનો સાથ લઇને ઝુંબેશ હાથ ધરી છે. જેઓ આ સાધનોનો ઉપયોગ કરી રહ્યાં છે, તેઓને તો આનો ખ્યાલ જ નથી કે આ શું છે? એટલે આ નિર્દોષ લોકોને પ્રથમ વખત ચેતવણી આપવામાં આવી છે કે, તેઓ હવે ભવિષ્યમાં આનો ઉપયોગ નહીં કરે.

કંટ્રોલરૂમ એસીપી જે.કે. પંડયાએ જણાવ્યું કે, અત્યારે તો માત્ર નોટિસો આપવામાં આવી છે પણ હવે પછી આવા વપરાશકારો સામે સીધી કાયદાકીય કાર્યવાહી જ થશે. આ એક ગંભીર ગુનો છે. નેટવર્કની સમસ્યા હોય તો કંપનીને ફરિયાદ કરવી જોઇએ ટેલિકોમ કંપનીઓ પણ બુસ્ટર્સનો ઉપયોગ કરે છે પણ એ બધા લાયસન્સી છે. હવે મોબાઇલ ધારકોને નેટવર્કની સમસ્યા હોય તો જે તે ટેલિકોમ કંપનીઓને ફરિયાદ કરવી જોઇએ પરંતુ તેને બદલે સિગ્નલની ક્ષમતા વધારવા માટે આવા પ્રતિબંધિત સાધનોનો ઉપયોગ કરવો એ ખોટું છે, એમ અન્ય એક અધિકારી આર.કે. નગાઇશે જણાવ્યું હતું.

Next Story