Connect Gujarat
Featured

સુરત : દુર્લભ પટેલ આત્મહત્યા સહિત દુષ્પ્રેરણાનો મામલો, પોલીસે અંકલેશ્વર નજીકથી રિવોલ્વર સાથે 2 આરોપીની કરી ધરપકડ

સુરત : દુર્લભ પટેલ આત્મહત્યા સહિત દુષ્પ્રેરણાનો મામલો, પોલીસે અંકલેશ્વર નજીકથી રિવોલ્વર સાથે 2 આરોપીની કરી ધરપકડ
X

સુરતમાં કરોડો રૂપિયાની જમીન મુદ્દે પાટીદાર આગેવાન દુર્લભ પટેલ આત્મહત્યા કેસમાં પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જોકે બન્ને આરોપીઓ ભરૂચથી સુરત આવતા હતા તે દરમ્યાન બાતમીના આધારે અંકલેશ્વર નજીકથી આરોપીને રાજુ ભરવાડ અને ભાવેશ સવાણીને ઝડપી પાડવામાં આવ્યા હતા. બન્ને આરોપીઓ પાસેથી રિવોલ્વર અને કાર્ટીસ પણ મળી આવી હતી.

સુરતના પાટીદાર આગેવાન દુર્લભ પટેલને આત્મહત્યા તરફ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવનાર રાંદેર પોલીસ મથકના PI લક્ષ્મણસિંહ બોડાણા સહિત 4 પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા, ત્યારે હવે 10 આરોપીઓ પૈકીના રાજુ ભરવાડ અને ભાવેશ સવાણીને પોલીસે ઝડપી પાડ્યા હતા. જોકે સમગ્ર મામલે અન્ય 8 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. કરોડો રૂપિયાની જમીન મુદ્દે ભૂમાફિયા સાથેની પોલીસની સાંઠ ગાંઠ ઉઘાડી પડી ગઈ છે.

સમગ્ર મામલાની વાત કરીએ તો, આત્મહત્યા કરનાર દુર્લભ પટેલ અને કિશોર કોશિયા વચ્ચે વિવાદ થતા વેસુ વિસ્તારની એક ઓફિસમાં બેસતી ટોળકી સક્રિય થઈ હતી. આ ટોળકીએ રાંદેર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર લક્ષ્મણ બોડાણાને આ કામ સોંપ્યું હતું. બોડાણાએ દુર્લભભાઈને બહુજ ત્રાસ આપ્યો હતો. જેમાં 24 કરોડની પીસાદની જમીનમાં કબજો કરવા માટે બિલ્ડરોના ઈશારે પીઆઈ બોડાણા તેના પોલીસકર્મીઓ સાથે જમીનમાં સોપારી ફોડવા માટે બારોબાર ખેલ કરવા ગયા હતા. ખેડૂત દુર્લભ પટેલ અને તેના પુત્રોને પોલીસે ધમકાવ્યા હતા. જેના કારણે દુર્લભ પટેલને આપઘાત કરવાની નોબત આવી હતી, ત્યારે માંડવી પોલીસમાં રાંદેર પીઆઈ બોડાણા સહિત ચારેય પોલીસકર્મી સહિત 10 લોકો વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. પીઆઈ સહિત 4 કર્મીઓની સામે ગુનો દાખલ થતા પોલીસ કમિશનરે સમગ્ર તપાસ ઝોન-4ના મહિલા ડીસીપીને સોંપી હતી. જેમાં ડીસીપીએ મૃતકના સંતાનો ઉપરાંત રાંદેર પોલીસકર્મીઓના નિવેદનો લીધા હતા. જેમાં ચારેયની સંડોવણી હોય તેવું બહાર આવ્યું હતું. ઈન્કવાયરીનો રિપોર્ટ ડીસીપીએ પોલીસ કમિશનરે સુપ્રત કર્યો હતો. જેના આધારે સીપીએ રાંદેર પોલીસના પીઆઈ લક્ષ્મણસિંહ બોડાણા, ઉધના પોલીસ કોન્સ્ટેબલ વિજય શિંદે, રાંદેર પીઆઈ રાઇટર કિરણ સિંઘ અને રાંદેર પોલીસ કેશિયર અજય બોપાલાને સસ્પેન્ડ કરી દેતા પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી હતી. જોકે ગુન્હામાં સંડોવાયેલા બિલ્ડર રાજુ ભરવાડ, હેતલ દેસાઈ, કિશોર કોશિયા કનૈયા નરોલા, ભાવેશ સવાણી, રાંદેર પીઆઈ બોડાણા, વિજય શિંદે, મુકેશ કુલકર્ણી, રાઇટર કિરણ સિંઘ અને રાંદેરનો કેશિયર અજય બોપાલા સહિતના આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધાયો હતો.

Next Story