Connect Gujarat
ગુજરાત

સુરત : પાલિકાની શિક્ષણ સમિતિના પૂર્વ શાસનાધીકારીની CM સમક્ષ ઇચ્છા મૃત્યુની માંગ

સુરત : પાલિકાની શિક્ષણ સમિતિના પૂર્વ શાસનાધીકારીની CM સમક્ષ ઇચ્છા મૃત્યુની માંગ
X

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિનાં ભુતપુર્વ શાસનાધિકારી હિતેશ માખેચાએ મુખ્યમંત્રીને ઇચ્છામૃત્યુની અરજી કરતાં શિક્ષણ સમિતિમાં ખળભળાટ મચી ગયો છે. હિતેશ માખેચાની સાથે સાથે તેમનાં પત્ની કેતના માખેચાએ પણ ઇચ્છામૃત્યુની માંગણી કરી છે.

આજે એકપણ ક્ષેત્ર એવું નથી જેમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો નથી. મનપા સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ પણ તેનાં અંધેર વહીવટ માટે બદનામ છે. ત્યારે આ જ શિક્ષણ સમિતિનાં ભુતપુર્વ શાસનાધિકારી વર્ષો સુધી સેવા આપનાર હિતેશ માખેચાએ તેમની પત્ની કેતના સાથે મુખ્યમંત્રી પાસે ઇચ્છામૃત્યુની માંગણી કરી છે. નોંધનીય છે કે હિતેશ માખેચાએ શિક્ષણ સમિતિમાં 21 વર્ષ સુધી સેવા આપી છે. તેમને માનવસંસાધન ડિપાર્ટમેન્ટ તરીકે શ્રેષ્ઠ એડમીનીસ્ટ્રેટરનો એવોર્ડ પણ સ્મૃતિ ઇરાનીનાં હસ્તે મળી ચુક્યો છે. પણ તેમનાં કાર્યકાળ દરમ્યાન તેઓ ઘણા વિવાદમાં પણ રહ્યા હતાં. શું હતો વિવાદ એ જાણીએ..?

કેશોદ બસ દુર્ઘટનામાં મૃતકોને સહાયનાં નામે લાખો રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતાં. પણ આ પૈસા મૃતકો સુધી પહોંચ્યા ન હતાં. આથી શાસનાધિકારી વિરૂધ્ધ ખાતાકીય તપાસ ચાલતી હતી.

આ ઉપરાંત સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત શાળાથી ત્રણ કિમી દુરથી આવતાં વિધાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધા શરૂ કરવામાં આવી હતી. જેમાં ટ્રાન્સપોર્ટેશન સુવિધામાં ઇજારેદાર પાસે કમિશન માંગવામાં આવ્યું હતું.

આ ઉપરાંત વિધાર્થીઓ વગર હોસ્ટેલ ચલાવવામાં આવતી હતી. અને હોસ્ટેલની ગ્રાન્ટ બારોબાર ચાંઉ કરવામાં આવતી હતી.

આમ, હિતેશ માખેચાની વિવાદાસ્પદ કામગીરીથી કંટાળીને ગત વર્ષે મનપાની સામાન્ય સભામાં ઠરાવ પાસ કરીને તેમની હકાલપટ્ટી કરવામાં આવી હતી. જેનાં વિરૂધ્ધમાં હિતેશ માખેચાએ હાઇકોર્ટમાં અપીલ પણ કરી હતી. જોકે હવે હિતેશ માખેચાએ હવે બીજી એક અરજી મુખ્યમંત્રીને કરી છે. અને આ અરજી છે ઇચ્છામૃત્યુની.

તેમણે અરજીમાં ઉલ્લેખ કરીને જણાવ્યું છે કે 37 મહિનાની કારકિર્દીમાં કેટલાંક લોકોએ કિન્નાખોરી રાખીને તેમનાં વિરૂધ્ધ કાવતરા ઉભાં કરીને હેરાન કરવામાં આવ્યા છે. જેથી આજથી એક વર્ષ પહેલાં તેમને પ્રોબેશન પિરિયડ પુરો થતાં શાસનાધિકારી તરીકે છુટા કરવામાં આવ્યા હતાં. તેમનું એક જ કહેવું છે કે પાલિકા અને શિક્ષણ સમિતિમાં આટલાં ભ્રષ્ટાચાર હોવા છતાં તેમની સામે કોઇપણ પ્રકારની કાર્યવાહી થઇ નથી. જ્યારે તેમને કોઇપણ જાતની સાંભળવાની તક આપ્યા વગર તેમની સેવા સંતોષકારક નથી તેવું કહીને તેમને સરકારી નોકરી પરથી છુટા કરી દેવામાં આવ્યા છે.

તેમણે અરજીમાં માંગ કરી છે કે તેમને સ્થાનિક સમિતિ પાસે તપાસની અપેક્ષા જ નથી. તેમની તટસ્થ તપાસ સ્ટેટ વિજીલન્સ અથવા નિવૃત જજ પાસે કરાવી જોઇએ. અને જો તપાસ થઇ શકતી ન હોય તો સરકાર તેમને અને તેમની પત્ની હાલ જે પીડા અને વેદનામાંથી પસાર થઇ રહ્યા છે તેનામાંથી છુટકારો મેળવવા સરકાર ઇચ્છામૃત્યુની મંજુરી આપે.

Next Story