Connect Gujarat
સમાચાર

સૌથી ઝડપી 100 વિકેટ ઝડપનાર ભારતીય બોલર બન્યો : મોહમ્મદ શમી

સૌથી ઝડપી 100 વિકેટ ઝડપનાર ભારતીય બોલર બન્યો : મોહમ્મદ શમી
X

ઓસ્ટ્રેલિયા બાદ ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર ગયેલી ભારતીય ટીમે રેકોર્ડ બ્રેક કરવાનું યથાવત્ રાખ્યું છે. નેપીયરમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પહેલી વનડેમાં ભારતીય બોલર્સ ફૂલ જોશમાં જોવા મળ્યા છે. મોહમ્મદ શમીએ શરૂઆતમાં જ ન્યૂઝીલેન્ડની બે વિકેટો ઝડપી લઈને એક ઐતિહાસીક સિદ્ધિ પોતાના નામે કરી દીધી છે. શમીએ ન્યૂઝીલેન્ડના ઓપનર માર્ટિન ગપ્ટિલને બીજી જ ઓવરના પાંચમા બોલ પર બોલ્ડ કરી દીધો હતો.

મોહમ્મદ શમી વન ડે ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી ૧૦૦ વિકેટ લેનાર ભારતીય બોલર બની ગયો છે. ૨૮ વર્ષીય શમીએ મેચમાં ભારતને પહેલી સફળતા અપાવી હતી અને ઈનિંગની બીજી જ ઓવરમાં ગપ્ટિલને પાંચ રનમાં પેવેલિયનમાં મોકલી દીધા હતા. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચોની વન ડે સીરિઝની પહેલી મેચ નેપિયરમાં રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડે આ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

શમી પોતાના વનડે ઈન્ટરનેશનલ કરિયરમાં ૫૬મી મેચ રમી રહ્યો છે. આ સાથે જ તેણે ઈરફાન પઠાણનો રેકોર્ડ તોડી દીધો છે. ઈરફાન પઠાણે ૫૯ વન ડે મેચમાં પોતાના વન ડે ઈન્ટરનેશનલ કરિયરની ૧૦૦ વિકેટો ઝડપી હતી.

Next Story