Connect Gujarat
ગુજરાત

સૌરાષ્ટ્રમાં લોકોએ જાતે જ પુરૂષાર્થ કરી આ આફતમાંથી ઉગરવાનું ખમીર બતાવ્યું !

સૌરાષ્ટ્રમાં લોકોએ જાતે જ પુરૂષાર્થ કરી આ આફતમાંથી ઉગરવાનું ખમીર બતાવ્યું !
X

સંપર્ક વિહોણા થઈ ગયેલા આ નાના ગામોમાં સતત પાણી ભરાઈ રહેતા લોકોની ઘરવખરી પલળી ગઈ છે,સંગ્રહ કરેલું અનાજ સડી ગયું છે, ધંધા–રોજગાર સાવ ભાંગી પડયા છે તેમજ સેંકડો હેક્ટર ખેત જમીનનું ધોવાણ

સૌરાષ્ટ્રમાં છેલ્લા બાર દિવસથી મેઘરાજાએ અડિંગો જમાવ્યો છે.

જેમાં પોરબંદર, જામનગર, અમરેલી, ગીરસોમનાથ, જૂનાગઢ, જામનગર જિલ્લાના માધવપુર, માંગરોળ, ધામળેજ, જાફરાબાદ, ડોળાસા, કોડીનાર, વંથલી, કેશોદ, માણાવદર પંથકના અનેકાનેક ગામડાઓ દિવસોથી અતિભારે વરસાદ સહન કરતા બેટમાં ફેરવાઈ ગયા છે. સંપર્ક વિહોણા થઈ ગયેલા આ નાના ગામોમાં સતત પાણી ભરાઈ રહેતા લોકોની ઘરવખરી પલળી ગઈ છે,સંગ્રહ કરેલું અનાજ સડી ગયું છે, ધંધા–રોજગાર સાવ ભાંગી પડયા છે તેમજ સેંકડો હેક્ટર ખેત જમીનનું ધોવાણ થઈ જતા પારાવાર નુકસાની આવી પડી છે. આવી જંગી તારાજીમાંથી બેઠા થવા સૌરાષ્ટ્રની ખમીરવંતી પ્રજા, પૂરપીડિતો જાતે પુરૂષાર્થ કરવા હામ ભીડી છે. સામે પક્ષે તારાજીના આટલા દિવસો પછી પણ લોકોની મદદ માટે તંત્ર ડોકાતું નથી.

ગામડામાં આજે પણ રસ્તા કાચા, નબળા છે, મકાનો પણ શહેરની તુલનામાં નબળા હોય છે. શહેરમાં લોકો પાસે બીજા માળનો વિકલ્પ હોય છે. ગામડાં ગામમાં મોટાભાગે એક માળના મકાનમાં જ વસવાટનું ચલણ હોવાથી ઘરવખરી, અનાજ, શાકભાજી, ઈલેક્ટ્રિક ઉપકરણો, ફર્નીચર, ઢોરઢાંખરનો ખોળ વગેરે બધુ જ નીચે હોવાથી લોકો આ અતિવૃષ્ટિમાં જીવનજરૂરી ચીજવસ્તુઓનો બચાવ કરી શક્યા નથી. દુકાનોમાં પણ પાણી ઘુસી જતા માલ બગડી ગયો છે. એવામાં NDRF લોકોને બચાવી રહ્યું છે. પરંતુ સ્થાનિક વહીવટી તંત્ર, નેતાઓ એક પણ પીડિત ગામમાં ફરક્યા નથી. એવામાં તંત્રની આશા રાખવી નકામી સમજી, ગામડાંના લોકોએ જાતે જ પુરૂષાર્થ કરી આ આફતમાંથી ઉગરવાનું ખમીર બતાવ્યું છે.

વિસાવદરના લીલીયા ગીરના ખેડૂતોએ પોતાની વાડીએ જવા માટે ધોવાણ થઈ ગયેલા રસ્તા સ્વ ખર્ચે તથા સ્વ મહેનતથી રીપેર કરવાનું શરુ કર્યું છે. દીપડીયા હોંકળામાં પાઈપમાં ઝાળી–ઝાંખરા ભરાઈ જતા અને એક તરફ કોઝવે સંપૂર્ણ ધોવાઈ ગયા બાદ ખેડૂતો તેની સાઈડ ભરવાનું શરુ કર્યું છે. મેંદરડા પંથકમાં એકધારા ભારે વરસાદને કારણે સમઢીયાળા ગામે રાજુભાઈ કવાનું મકાન ધરાશાયી થયું છે. પ્રભાસપાટણમાં કપિલા–સરસ્વતી નદીના પુરને કારણે કાંઠે આવેલી દુકાનોમાં પાણી ભરાઈ ગયા બાદ ૪૮ કલાક ઓસર્યા ન હોવાથી દુકાનો ખોલી શકાઈ ન હતી. આજે જ્યારે દુકાનો ખોલી ત્યારે દુકાન અને માલ પર માટી, કીચડ ભરાઈ ગયાની જાણ થતા મોટી નુકસાની વેઠવી પડી છે.

ઉના તાલુકાના માણેકપુર, ખત્રીવાડા, સૈયદરાજપરા ગામે તબાહીનું ચિત્ર બહાર આવ્યું છે. સનખડા ગામ બરબાદ થઈ ગયું છે. સેંકડો મકાનોની દીવાલ પડી ગઈ છે, ખેતરો ધોવાઈ ગયા છે, માલઢોર ઘાંસચારા વગર ભુખ્યા ભાંભરી રહ્યા છે. અનાજ પલળી જતા ચુલો સળગ્યો નથી. જ્યારે વેરાવળ તાલુકાના ખંઢેરી, ભેટાળી, અનિડા, માથાસુરીયા, રામપરા, આણંદપરા, કોડીદ્રા, પંડવા, ઈન્દ્રોય સહિતના ગામોમાં ખેતરોમાં સતત પાણી ભરાયેલા રહેતા તેમજ ધોવાણને કારણે મગફળીના પાકને ભયંકર નુકસાન થયું છે. કેટલાક ખેતરોમાં તો બિયારણ પણ તણાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

ભારે વરસાદથી વંથલીમાં સાંથલપુર, નાવડા, મેઘપુર, સ્વામીના બોડકા, પીપલાણા, આંબલીયા, ટીકર, કેશોદના ઘેડ બામલાણા, આંબલીયા, પાદરડી, મટીયાણા સહિત ૯ ગામ, કુતિયાણાના કદવાણા, વઢવાણા, કવલકા, રેવદરા સહિત ૭ ગામ, માંગરોળના હાંડા–હેરમા સહિત ૭ ગામ, માણાવદરના ૧૦ ગામ, કોડીનાર, ડોળાસા, જાફરાબદ પંથકના ગામો સૌથી વધુ અસરગ્રસ્ત છે. આ ઉપરાંતના પૂરગ્રસ્ત તમામ ગામોમાં નુકસાનીનો સર્વે કરી વળતર આપવા માંગ કરાઈ છે.

સોમનાથ ટ્રસ્ટ આવ્યું પૂરપીડિતોની વ્હારે

વેરાવળ અને આસપાસના પંથકમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ત્યારે સોમનાથ ટ્રસ્ટ પૂરપીડિતોની વ્હારે આવ્યું છે. ટ્રસ્ટ દ્વારા પોતાના વાહનોમાં ગાંઠીયા તથા મીઠી બૂંદી ભરી અસરગ્રસ્ત વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક પૂરઅસરગ્રસ્ત વિસ્તારમાં આસપાસની સેવાભાવી સંસ્થાઓ, મિત્રમંડળો, ધર્મસંસ્થાઓ દ્વારા પ્રસિધ્ધિની ખેવના વગર જરૂરિયાતમંદોને ફૂડ પેકેટ પહોંચાડી રહ્યા છે. જેમાં મહિલાઓ પણ સામૂહિક રીતે પૂરી–શાક, થેપલા વગેરે બનાવી આપી સેવા કાર્યમાં ખભેખભા મિલાવી રહી છે. રેલવે દ્વારા પણ કાનાલુસ નજીક ટ્રેક ધોવાઈ ગયો હતો ત્યારે અસરગ્રસ્તોને ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું.

Next Story