Connect Gujarat
દુનિયા

સ્વિસ ઓથોરિટીએ નિષ્ક્રિય બેંક ખાતાની વિગતો જાહેર કરી

સ્વિસ ઓથોરિટીએ નિષ્ક્રિય બેંક ખાતાની વિગતો જાહેર કરી
X

સ્વિસ બેંકોમાં જમા છ ભારતીયના રૂ. ૩૦૦ કરોડની થાપણોનો કોઈ દાવેદાર નહીં

સ્વિત્ઝર્લેન્ડની બેંકોએ સતત ત્રીજા વર્ષે ત્યાંની બેંકોમાં વિવિધ દેશના નાગરિકોએ જમા કરાવેલા નાણાંની વિગતો જાહેર કરી છે, એક નવી વાત જાણવા મળી છે કે, સ્વિસ બેંકોમાં ભારતીય મૂળની વ્યક્તિઓનું કુલ રૃ. ૩૦૦ કરોડના નાણાનો કોઈ દાવેદાર નથી. સ્વિસ બેંકિંગ ઓમ્બુડ્સમેન્ટ દર વર્ષે આ પ્રકારની વિગતો પણ જાહેર કરે છે, જેથી સ્વિસ બેંકોમાં પડેલી થાપણોનો કોઈ દાવેદાર હોય તો તે કાયદાકીય માર્ગે તે પરત મેળવી શકે.

વર્ષ ૨૦૧૭માં જાહેર કરાયેલી યાદીમાંથી પાછલા વર્ષના ફક્ત ૪૦ બેંક ખાતાના દાવેદારો મળતા તેમની વિગતો હટાવાઈ હતી. આ વર્ષે ફરી એકવાર આ યાદી જાહેર કરાઈ છે, જેમાં કુલ ૩,૫૦૦ બેંક ખાતા અને બે સેફ ડિપોઝીટ વોલ્ટની વિગતો અપાઈ છે. આ ૩૫૦૦માંથી ફક્ત છ ખાતા ભારતીયોના છે, જેમાં કુલ રૃ. ૩૦૦ કરોડનું નાણું પડયું છે. જોકે, છેલ્લાં ત્રણ વર્ષથી આ નાણાંની કોઈ વ્યક્તિ દ્વારા દાવેદારી કરાઈ નથી.

સ્વિસ બેંકિંગ ઓથોરિટીના જણાવ્યાનુસાર, ડિસેમ્બર ૨૦૧૫થી આ છ ખાતા નિષ્ક્રિય છે. સ્વિસ સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે, સ્વિસ બેંકોમાં ભારતીયોએ જમા કરાવેલું નાણું ૫૦ ટકા વધીને રૃ. સાત હજાર કરોડે પહોંચી ગયું હતું. જોકે, તેમાં એવી રકમ સામેલ નથી, જે અન્ય દેશોમાં ચાલતી કંપનીઓ વતી જમા કરાવાઈ હોય. સ્વિસ બેંકોમાં જમા કરાવાતા નાણાં મુદ્દે ભારતમાં હંમેશાં રાજકીય નિવેદનબાજી થતી રહે છે. જોકે, બેંકિંગ નિષ્ણાતોના મતે, આ છ સ્વિસ ખાતાનો કોઈ દાવેદાર નથી મળી રહ્યો તેને રાજકારણ સાથે સંબંધ છે કે નહીં એ વિશે અત્યારે કશું કહી શકાય એમ નથી. સ્વિસ બેંકો પર ભારત સહિત અનેક દેશો આરોપ લગાવી ચૂક્યા છે કે, ત્યાં કાળું નાણું જમા કરાવવા મલ્ટિપલ લેયરનો ઉપયોગ કરાઈ રહ્યો છે. આ કારણસર છેલ્લાં કેટલાક વર્ષોથી સ્વિસ બેંકો વિવિધ વિગતો જાહેર કરે છે. નોંધનીય છે કે, આવતા વર્ષથી ભારતને સ્વિસ બેંકોમાં પડેલા કાળાં નાણાંનો ડેટા ઓટોમેટિક મળી જશે.

Next Story