Connect Gujarat
Featured

હનુમાનજીના ભક્તો માટે સારા સમાચાર : 172 દિવસ બાદ સાળંગપુર મંદિરના દ્વાર પુનઃ ખુલ્યા

હનુમાનજીના ભક્તો માટે સારા સમાચાર : 172 દિવસ બાદ સાળંગપુર મંદિરના દ્વાર પુનઃ ખુલ્યા
X

કોરોના વાયરસના પગલે કરાયેલા લોકડાઉન બાદ મંદિરમાં ભગવાનના દર્શન કરવા દુર્લભ થઈ ગયા હતા, ત્યારે બોટાદ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિરના દ્વાર 172 દિવસ બાદ ભક્તો માટે પુનઃ ખોલવામાં આવ્યા છે. જોકે મંદિરમાં આવનાર તમામ દર્શનાર્થીઓ સરકારની ગાઈડલાઇન અનુસાર નિયમોને અનુસરી આરતી અને દર્શનનો લ્હાવો લઈ શકશે.

રાજ્ય સરકાર દ્વારા ગત તા. 8મી જૂનના રોજ અનલોક-1માં ગુજરાતભરના મંદિરો ખોલવાના આદેશ અપાયા હતા, ત્યારે તકેદારીના ભાગરૂપે ગુજરાતના કેટલાક મંદિરોના દ્વાર 8મી જૂને ખૂલ્યા ન હતા. જેમાં વડતાલ મંદિર ટ્રસ્ટના આદેશ અનુસાર અન્ય કોઈ નિર્ણય ન લેવાય ત્યાં સુધી ભક્તોએ દર્શન કરવાની રાહ જોવી પડશે તેમ જણાવ્યુ હતું. પરંતુ કષ્ટભંજન હનુમાનજીના ઓનલાઈન દર્શન કરી શકે તેવી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. બોટાદ જિલ્લાના સાળંગપુર સ્થિત હનુમાનજી મંદિરના દ્વાર 172 દિવસ બાદ પુનઃ ખુલવા જઈ રહ્યા છે, ત્યારે મંદિરમાં દર્શન કરવાની પરવાનગી મળતા જ અનહદ ખુશી સાથે અનેક ભક્તો દાદાના દર્શન કરવા માટે આતુરતા દર્શાવી રહ્યા છે. જોકે કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે સરકારની ગાઈડલાઇન અનુસાર મંદિરમાં દર્શન કરવા આવતા તમામ ભક્તોને સેનેટાઈઝર, માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું ફરજિયાત પાલન કરવું પડશે, ત્યારે 172 દિવસ બાદ પુનઃ દાદાના દર્શન માટે હરિભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો છે.

Next Story