Connect Gujarat
દેશ

હનુમાન જયંતી ની ધર્મીભીની ઉજવણી કરતા ભક્તો

હનુમાન જયંતી ની ધર્મીભીની ઉજવણી કરતા ભક્તો
X

આજે સમગ્ર દેશમાં હનુમાન જયંતિની ઉજવણી ધામધૂમ થી થઇ રહી છે. શ્રીરામ ભક્ત હનુમાનજીનો જન્મ ચૈત્ર માસમાં થયો હતો. કેટલાકના મતે હનુમાનજીનો જન્મ ચૈત્રના ચૌદમા દિવસે થયો હતો. જ્યારે કેટલાક લોકો ચૈત્રી પૂનમને હનુમાન જયંતિ માને છે. હનુમાનજીની માતાનું નામ અંજના અને પિતાનું નામ કેસરી હતું. હનુમાનજી વાયુપુત્ર તરીકે પણ ઓળખાય છે. આ દિવસે લોકો હનુમાનજીની પૂજા અર્ચના કરે છે અને તેમને તેલ તેમજ સિંદૂર ચઢાવે છે.

હનુમાનજીના વાયુપુત્ર તરીકે ઓળખાવા પાછળ પણ અલગ-અલગ માન્યતાઓ રહેલી છે. એક માન્યતા અનુસાર જ્યારે દશરથ પુત્રપ્રાપ્તિ માટેનો યજ્ઞ કરાવી રહ્યા હતા ત્યારે હનુમાનજીના માતા અંજના પણ પુત્ર પ્રાપ્તિ માટે શિવ ભગવાનની પૂજા કરી રહ્યા હતા. દશરથે યજ્ઞનો પવિત્ર પ્રસાદ તેમની ત્રણ રાણીઓને આપ્યો. એક પક્ષી પ્રસાદમાંથી ટુકડો લઇ ઉડી ગયું અને અંજના જ્યાં પ્રાર્થના કરતી હતી ત્યાંથી પસાર થયું. ત્યારે વાયુએ(પવન) તે પ્રસાદ અંજનાના હાથમાં ધરી દીધો. અંજનાએ તે પ્રસાદ ગ્રહણ કર્યો અને હનુમાનજીનો જન્મ થયો. પ્રસાદ પવન દ્વારા અપાયો હોવાથી તેઓ પવનપુત્ર કહેવાયા.

બીજી માન્યતા અનુસાર અંજના અને કેસરી પુત્ર પ્રાપ્તિ માટે શિવજીની પ્રાર્થના કરી રહ્યા હતા. ત્યારે ભગવાન શિવના આદેશથી પવને પોતાની ઉર્જા અંજનાના ગર્ભમાં મૂકી હતી . તેથી તેઓ પવનપુત્ર કહેવાયા હતા.

વિષ્ણુપુરાણમાં થયેલા ઉલ્લેખ મુજબ એકવાર નારદે ભગવાન વિષ્ણુને કહ્યું કે મને હરી જેવો ચહેરો આપો જેથી સ્વયંવરમાં રાજકુમારી મને વરમાળા પહેરાવે. ત્યારે વિષ્ણુ ભગવાને તેમને વાનરનો ચહેરો આપી દીધો હતો. આથી સ્વંયવરમાં નારદનો ખૂબ જ મજાક ઉડાવવામાં આવ્યો. આ ઘટનાથી નારદજી ગુસ્સે ભરાયા અને તેમણે વિષ્ણુ ભગવાનને શ્રાપ આપી દીધો કે એક દિવસ વિષ્ણુ ભગવાનને પણ કોઇ વાનરની સહાયતા લેવી પડશે. માન્યતા અનુસાર નારદના આ શ્રાપના કારણે હનુમાનજીએ જન્મ લીધો હતો. હનુમાનજીને શિવ ભગવાનનો અવતાર પણ માનવામાં આવે છે.

Next Story