Connect Gujarat
બ્લોગ

હવે તો ઉત્તર આપો કૃષ્ણ ! લક્ષ્મણાના પ્રશ્નો

હવે તો ઉત્તર આપો કૃષ્ણ ! લક્ષ્મણાના પ્રશ્નો
X

આમ તો હું નાસ્તિક, ઈશ્વરનો ઈન્કાર કરનાર, કોઈ આસ્થા કે શ્રદ્ધા નહિ, પણ મહાભારતમાં કુદરતી આકર્ષણ. તેમાં પણ થોડા પાત્રો મનમાં રમ્યા કરે, જેવા કે દ્રૌપદી, કર્ણ, કૃષ્ણ, દૂર્યોધન, શકુની, રાધા અને બીજા ઉપેક્ષીત નોંધનીય પાત્રો, જેની પાસે બહુ મોટા ઈતિહાસ છે તે આખી કથાને વળાંક આપી શકે તેવા સશક્ત છે. પણ વ્યાસજીની કલમે તેમને અવગણ્યા છે.

આમાં યુયુત્સુ, લક્ષ્મણા, એકલવ્ય, માદ્રી, ઉદ્ધવ વગેરે વગેરે...

કૃષ્ણની પુત્રવધૂ, એટલે દૂર્યોધનની સુંદર, બુદ્ધિશાળી, ચકોર, વિચક્ષણ પુત્રી, મૂંગે મોંએ સાસરામાં કાવાદાવા જોતી રહી, કામ કરતી રહી, પ્રિય થઈ રહી અને તક મળતા ઉભરો કાઢ્યો. તેના પ્રશ્નોનો કોઈની પાસે જવાબ નહોતો, તે મૂંઝાયેલી જ રહી, દ્વારકામાં તેનું કોઈ નહોતુ તેના પક્ષે સત્ય હતુ પણ એકલું પડી ગયુ હતુ.

કૃષ્ણ તો કમોતે મર્યા, જીવ્યા ત્યાં સુધી ધર્મની સ્થાપના કરી ના શક્યા. અવતાર નિષ્ફળ ગયો, ખાધું, પીધું, મજા કરી અને જિંદગી પૂરી કરી. મુકતા ગયા પાછળ વિનાશ, મહાવિનાશ, નિરાશા, કંકાશ, ક્લેશ જેને તેઓ રોકી ના શક્યા તેવી યાદવાસ્થળી અને આ બાજુ પાંડવોની પણ આ જ દશા, દ્રૌપદીના પાંચ પુત્રોના કાવતરાના કહેવાતા હત્યારા કૃપાચાર્ય યુદ્ધ પછી પાંડવોના વારસદાર પરીક્ષિતના ગુરુ તરીકે સ્થપાયા. સંબંધોના ગણિત ઉકેલી શકાતા નથી.

આજે કૃષણને ૧૦૦ વર્ષ પૂરા થયા. આજે કૃષ્ણ શતાબ્દી મહોત્સવ છે. ઉંમરને લીધે દીર્ઘદ્રષ્ટી ઓછી થતી જતી હતી, પણ કોઈને આજે તે શોધતી હતી અને તે હતી દ્રૌપદી અને રાધા ! એકની સાથે શુદ્ધ અને સૂક્ષ્મ પ્રેમ. બીજીની સાથે લગ્નેતર સંબંધ. આજે પાછળ જોતા પોતાની જિંદગીમાં આવેલી ૧૦ સ્ત્રીઓ વગેરે પોતે કેટલા વામણા છે તેનો અનુભવ થયો : રૂક્મણી, સત્યભામા, કાલિન્દી, જાંબવતી, લક્ષ્મણા, ભદ્રા, નાગ્નજિતી, વિશાખા, રાધા અને દ્રૌપદી.

દ્રૌપદી પાંડવ સાથે આવી નહોતી શકી. તેનાં સાસુ, કાકા વિદુર, ધૃતરાષ્ટ્ર અને ગાંધારી વનમાં જવાની તૈયારી કરતા હતા. તેમની વ્યવસ્થા, વિદાય માટે તેની હાજરી જરૂરી હતી.

બીજી હતી રાધા, તે તો રિસાઈને બેઠી હતી. કૃષ્ણે ખાસ ઉદ્ધવને વૃન્દાવન સમજાવવા મોકલ્યો હતો, પણ તે ટસની મસ ન થઈ. તેણે તો કૃષ્ણનો જ આગ્રહ રાખ્યો, રાધાએ કહ્યું : “તે આવે તો જ હું આવું. તે મને મનાવે, મને વીનવે, મને ખુશ કરે, મારી માફી માંગે તો હું વિચારું. મારો શો વાંક ? મને છોડી ગયા પછી ન કોઈ વખત મળવાનો પ્રયાસ, ન બોલાવી, ન સંદેશ, ન ખબર ! આખું ગામ મને ગાંડીઘેલી કહી, તરછોડી, હાંસી ઉડાવતું હતુ. મારી દીકરીને પણ બોલાવતા નહોતા. મેં શો ગુનો કર્યો હતો ? મેં તો મારું તન-મન-સર્વસ્વ તેને અર્પણ કર્યુ હતુ. અર્પણ કરતી વખતે મેં આગળ-પાછળનો વિચાર પણ નહોતો કર્યો. લોકોએ નિંદા કરી, ટીકા કરી.”

તે કુંવારો હતો, પણ હું તો પરણેલી હતી. હિંમત મેં કરી કહેવાય, તેણે નહીં. જ્યાં સુધી તે વૃંદાવનમાં રહ્યો ત્યાં સુધી હું તેની, પછી નહીં ! મેં મારી આખી યુવાની, મારું આયખું તેની રાહ જોવામાં વિતાવી દીધું. મારા સમાજનું ખૂબ દબાણ હતું કે મારે સાસરે પાછા જવુ જોઈએ, ફરી પાછો સંસાર માંડવો જોઈએ, પણ જ્યારે એક ભવમાં જ બીજો ભવ કર્યો હતો, સમર્પિત થઈ હતી અને તું ગયો તે ગયો ! તેં જ્યારે નંદગાવ, વૃંદાવન છોડ્યું ત્યારે આખું ગામ તને વળાવવા પાદરે આવ્યું હતુ. ફક્ત હું જ નહોતી. ગોપીઓ, ગાય, ગોવાળ, નગરજનો બધાને તું જાય એનું દુ:ખ હતું. પણ તું એક ધ્યેય લઈને જતો હતો. બધાની આંખ તારા તરફ હતી. તુ સમાજના ભલા માટે જતો હતો. બધાને એવું હતું કે કામ પતશે એટલે તું પાછો આવીશ, પણ તેઓ બધા ભ્રમમાં હતા. મને એકલીને જ ખબર હતી કે તું કદાપિ પાછો નહીં આવે !

ઉદ્ધવ, “તું રાધાને લેવા ગયો ત્યારે ઘરમાં કોણ હતું ?” ઉદ્ધવ બોલ્યા, “કોઈ નહીં. તમારા વગર સૂધ-બૂધ ગુમાવેલી રાધા જડ ચેતનહીન બબડતી સૂતી હતી. બાજુમાં પૂછતા ખબર પડી કે તમારી દીકરી ઉષા સાસરે રહે છે. તેને પણ બાળકો છે. આબેહૂબ તમારું અને રાધાનું મિશ્રણ છે. ખૂબ સુખી છે. તેને ખબર છે કે તમે તેના પિતા છો, પણ રાધાએ તમને મળવાની ના પાડી છે. તમે આવશો તો તમને મળશે.”

પુસ્તક : હવે તો ઉત્તર આપો કૃષ્ણ !

લેખક : પ્રકાશ પંડયા

પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર, લાલ ચેમ્બર્સ, મ્યુ. કોર્પો. સામે, ઢેબર રોડ, રાજકોટ.

Website : www.pravinprakashan.com,

E_mail : pravinprakashan@yahoo.com

પુસ્તકની કિંમત : રૂ. ૨૮૫/- (ઓડિયો CD સાથે)

ત્રણ ભાગમાં CD છે, Superb છે.

મને “ગરિમા” લુપીન લેબોરેટરી લિમિટેડ, વડોદરા તરફથી આ પુસ્તક ભેટ મળ્યું છે.

Next Story