Connect Gujarat
ગુજરાત

હાર્દિકને લઈને પાટીદારોમાં જ ઉકળતો ચરુ

હાર્દિકને લઈને પાટીદારોમાં જ ઉકળતો ચરુ
X

સુરતમાં પાટીદાર રાજસ્વી સન્માન કાર્યક્રમનો વિરોધ કરી રહેલા PAASના નેતા હાર્દિક પટેલ વિરુદ્ધ ચોંકાવનારા ખુલાસા થયા છે. રાજસ્વી કાર્યક્રમના ઉદ્યોગપતિ મુકેશ પટેલ અને મહેશ સવાણીએ મોટો ઘસ્ફોટ કર્યો હતો.

તેમણે PAAS કન્વીનર હાર્દિક પટેલના મનસૂબા અંગે જણાવ્યું હતું કે હાર્દિકને નાયબ મુખ્યમંત્રી બનવું હતું. તેમણે હાર્દિક પટેલ પર આકરા પ્રહારો કર્યા હતા.

મંગળવારે સુરતના ઉદ્યોગપતિ મુકેશ પટેલે ઘટસ્ફોટ કરતા જણાવ્યું હતું કે હાર્દિક પટેલને જેલમાંથી બહાર આવીને ડેપ્યુટી સીએમ તેમજ ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની માંગણી કરી હતી.

એક સમયે પાટીદાર આંદોલનના સમાધાન માટે મધ્યસ્થીની ભૂમિકા નિભાવનાર મુકેશ પટેલ અને મહેશ સવાણીએ હાર્દિક પટેલને અનેકવાર જેલમાં મળી ચૂક્યા છે.

આ અંગે મુકેશ પટેલે જણાવ્યું હતું કે સમાધાન માટે તેઓ હાર્દિકને જેલમાં મળવા ગયા ત્યારે હાર્દિકે ઇબીસી માટે તૈયારી દર્શાવી હતી. તેણે આ અંગે લેખિતમાં સમર્થન પણ આપ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાર્દિકની મહેચ્છા ડેપ્યુટી સીએમ તેમજ ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની હતી.

હાર્દિકના જેલ ઉપવાસ અંગે તેમણે જણાવ્યું હતું કે ઉપવાસ પર ઉતરેલા હાર્દિક માટે રોજ ફળ-ફળાદિની વ્યવસ્થા કરવામાં આવતી હતી. જ્યારે તે ફળો ખાઇને ધરાઇ ગયો તો તેણે બે નંબરમાં ટિફિનની વ્યવસ્થા કરી આપવા પણ માંગણી કરી હતી. આ સિવાય હાર્દિકે ફંડના નામે આડકતરી રીતે રૂપિયા માંગ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.

તદ્દઉપરાંત મહેશ સવાણીએ જણાવ્યું હતું કે હાર્દિકે આંદોલન માટે અત્યાર સુધી કોની પાસેથી કેટલા રૂપિયા ઉઘરાવ્યા છે. તેની પાઇ પાઇનો હિસાબ અમારી પાસે છે. તેમણે હાર્દિકને પડકાર ફેંકતા જણાવ્યું હતું કે આ મામલે તેઓ સમાજ સામે ડિબેટ કરવા પણ તૈયાર છે. જો હાર્દિકમાં હિંમત હોય તો ડિબેટનો સામનો કરી બતાવે.

Next Story