Connect Gujarat
ગુજરાત

હાલોલ:ફરજમાં બેદરકારી બદલ પાલિકાના મુખ્ય અધિકારીને અપાઇ કારણદર્શક નોટિસ

હાલોલ:ફરજમાં બેદરકારી બદલ પાલિકાના મુખ્ય અધિકારીને અપાઇ કારણદર્શક નોટિસ
X

હાલોલ શહેરના ફાયર સ્ટેશન પાછળ આવેલા ચેકડેમના પાણીમાં આદિવાસી પરીવારનો એકનો એક માત્ર ૧૫ વર્ષનો માસૂમ ભારૂસિંહ નાયક ડૂબી ગયો હતો એના મૃતદેહને શોધવા માટે હાલોલના સ્થાનિક અધિકારીઓ ચિંતિત બનીને ધટના સ્થળે દોડી ગયા અને પંચમહાલ ક્લેકટરાય કચેરીમાં કાર્યરત ડિઝાસ્ટર શાખાનો સંપર્ક કરીને એન.ડી.આર.એફ. ટીમની મદદ માંગી. આ ગંભીર ઘટનાથી જાણે પોતે અજ્ઞાન હોય અગર તો ગોધરા નગર પાલિકાના કાર્યભારના બોજમાં સમય નહિ મળ્યો હોવાના રટણમાં ગેરહાજર દેખાનાર હાલોલ નગર પાલિકાના ઈન્ચાર્જ મુખ્ય અધિકારી અશ્વિન પાઠકના બેખબર વહિવટની નોંધ પંચમહાલ કલેકટરાય કચેરી દ્વારા લેખીતમાં લઈને કારણ દર્શક શો કોઝ નોટીસ ફટકારવામાં આવી છે.

હાલોલ નગર પાલિકાના ઈન્ચાર્જ મુખ્ય અધિકારી અશ્વિન પાઠકને ક્લેકટરાય કચેરી ડીઝાસ્ટર શાખા દ્વારા ફરજ પ્રત્યે બેદરકારી દેખાડવા બદલ આપવામાં આવેલ આ કારણ દર્શક નોટીસ ગંભીર નોંધના શબ્દોમાં જણાવ્યુ હતું કે હાલોલ શહેરના ફાયર સ્ટેશન પાછળ આવેલા ચેકડેમના પાણીમાં ગત તા. ૫મીના રોજ સાંજના ચાર કલાકના અરસામાં ૧૫ વર્ષના માસૂમ ભારૂસિંહ અમરસિંહ નાયક પાણીમાં ડૂબી ગયો હતો. જેની શોધખોળ માટે હાલોલ ફાયર બિગ્રેડના કર્મચારીઓએ પાણીમાં ઝંપલાવ્યુ હતુ પરંતુ ભારૂસિહ નાયકનો પત્તો નહીં મળતા હાલોલ મામલતદાર દ્વારા કલેકટર કચેરીમાં કાર્યરત ડીઝાસ્ટર શાખાનો તાત્કાલીક સંપર્ક કરીને એન.ડી.આર.એફ. ટીમની મદદ માંગી હતી. પરંતુ રાત્રીના અંધકાર વચ્ચે આ સર્ચ ઓપરેશન મુલતવી રાખીને બીજા દિવસે સૂર્યોદય સાથે એન.ડી.આર.એફ. ટીમના જવાનો ચેકડેમના પાણીમાં ઉતર્યા હતા અને ચાર કલાકની જહેમતના અંતે આદિવાસી પરિવારના આ માસુમ ભારૂસિંહ નાયકને મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યો હતો.

આ કરૂણ હૃદયદ્રાવક ઘટનામાં હાલોલ વહીવટી તંત્રના દરેક અધિકારીઓ સ્થળ ઉપર સતત હાજર રહ્યાં હતાં. પરંતુ હાલોલ નગર પાલિકાના ઈન્ચાર્જ મુખ્ય અધિકારી અશ્વિન પાઠક એકલા ફરજની માનવતાઓ ભૂલી જઈને સતત ગેરહાજર દેખાયા હતા. એટલુ જ નહિ હાલોલ નગર પાલિકા કચેરી અને સત્તાધીશો દ્વારા તેઓને સંદેશાઓ પહોંચાડવાના પ્રયાસો પણ કરાયા હતા. આ ગંભીર ઘટના અંગે ઈન્ચાર્જ મુખ્ય અધિકારી અશ્વિન પાઠક કલેકટરાય કચેરીમાં ડિઝાસ્ટર શાખાને વાકેફ કરવાની ફરજોમાંથી પણ દૂર રહયા હતા.

હાલોલ નગર પાલિકાના ઈન્ચાર્જ મુખ્ય અધિકારી અશ્વિન પાઠકની ફ૨જ પ્રત્યેની આ બેદરકારીઓ સંદર્ભમાં પંચમહાલ કલેક્ટરાય કચેરીમાં કાર્યરત ડિઝાસ્ટર શાખા દ્વારા ડિઝાસ્ટર મેનેજમેંન્ટ એક્ટના કાયદાની કલમોને ટાંકીને શિક્ષાત્મક કાર્યવાહી કરતા પહેલા દિન - ૩ માં લેખિત ખુલાસાઓ સાથે રૂબરૂમાં હાજર થવા સાથે કારણદર્શક શો-કોઝ નોટીસ આપતા મુખ્ય અધિકારી અશ્વિન પાઠક પરસેવે રેબઝેબ બની ગયા હતાં. અને હવે ગોધરા શહેરના વહીવટની સતત ચિંતાઓમાં નગર પાલિકાના કાર્યભારમાં એવા કારણો શોધી રહયા છે કે તે કારણો સાંભળ્યા બાદ કલેકટરાય કચેરીના ડિઝાસ્ટર શાખાના અધિકારીઓનો આ લેખિત ગુસ્સો શાંત પડી જાય. આ સ્વ બચાવના ખુલાસાઓ મુખ્ય અધિકારી શોધી રહ્યા હશે.

Next Story