Connect Gujarat
ગુજરાત

હેન્ડબોલની દક્ષિણ ઝોન કક્ષાની સ્પર્ધાનો રાજપીપલામાં પ્રારંભ

હેન્ડબોલની દક્ષિણ ઝોન કક્ષાની સ્પર્ધાનો રાજપીપલામાં પ્રારંભ
X

ખેલાડીઓ પુરી તાકાત-જુસ્સાથી તેમજ ઉત્સાહપૂર્વક રમે તો તેનો જ વિજય થતો હોય છે:કલેક્ટર આઇ.કે.પટેલ

રમત-ગમત યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર તથા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત તથા નર્મદા જિલ્લાના વહીવટીતંત્ર અને જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, નર્મદા દ્વારા સંચાલિત દક્ષિણ ઝોન કક્ષા છોટુભાઇ પુરાણી વ્યાયામ સંકુલમાં ખેલ મહાકુંભ તથા ખેલો ઇન્ડીયામાં પસંદગી થયેલ ભાઇઓ-બહેનોની દ્વિ-દિવસીય અંડર-૧૪ અને અંડર-૧૭ હેન્ડબોલ સ્પર્ધાનો દક્ષિણ ઝોન કક્ષાનો જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલ, ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળના મહામંત્રી કનકસિંહ ગોહિલ, છોટુભાઇ પુરાણી કોલેજના પ્રિન્સીપાલ ડૉ. કે.જે.ગોહિલ, રમત-ગમત અધિકારી એન.એસ.અસારી, જિલ્લા યુવા અધિકારી પી.એ.હાથલીયા, ડિગ્રી કોલેજના પ્રાચાર્ય ડૉ. કે.જે ગોહિલ, સિનીયર કોચ વિષ્ણુભાઇ વસાવાએ દિપ પ્રાગટય દ્વારા ખૂલ્લો મૂકયો હતો.

આ પ્રસંગે કલેક્ટર આઇ.કે.પટેલે જણાવ્યું હતું કે, સરકારે ખેલમહાકુંભ જેવી અનેક વિધ યોજના અમલમાં મૂકી છે ત્યારે તેના પરિણામો પણ આપણી સામે આવતા હોય છે. તેમજ ઉપસ્થિત ખેલાડીઓને પ્રોત્સાહન આપતાં કહ્યું હતુ કે, દરેક ખેલાડીએ બધી રમતોમાં ભાગ લેવો જોઇએ, પરિણામ જે આવે તે પરિણામની પરવા ન કરવી જોઇએ. દરેક ખેલાડીઓએ રમતમાં બે જ વસ્તુઓનુ હંમેશા ધ્યાન રાખવાનું હોય છે, રમતમાં ભાગ લેવો અને ખેલદિલી પૂર્વક રમવું. જે ખેલાડીઓ પુરી તાકાત-જુસ્સાથી તેમજ ઉત્સાહ પૂર્વક રમે તો તેનો જ વિજય થાય છે, તેમ તેમણે ઉમેર્યુ હતું.

પ્રારંભમાં ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળના મહામંત્રી કનકસિંહ ગોહિલે પ્રાંસગિક ઉદબોધનમાં ઉપસ્થિત ખેલાડીઓને રમત ગમત વિશે પ્રાથમિક માહિતી અને પ્રોત્સાહન પુરૂં પાડયુ હતું. અંતમાં છોટુભાઇ પુરાણી કોલેજના પ્રિન્સીપાલ ડૉ. કે. જે. ગોહિલે આભારદર્શન કર્યુ હતું.

Next Story