Connect Gujarat
ગુજરાત

૨૦૧૯ની ચૂંટણી પહેલાં અમદાવાદને મળી જશે મેટ્રોની ભેટ :  કયો હશે પ્રથમ રૂટ ?

૨૦૧૯ની ચૂંટણી પહેલાં અમદાવાદને મળી જશે મેટ્રોની ભેટ :  કયો હશે પ્રથમ રૂટ ?
X

લોકસભાની ચૂંટણી પહેલાં ડિસેમ્બરમાં તો કર્મિશયલ રીતે ટ્રેન દોડાવવા આકાશપાતાળ એક કરવામાં આવશે

અમદાવાદના વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી મેટ્રો ટ્રેન એલિવેટેડ કોરિડોરમાં દોડશે મેટ્રો ટ્રેન

મેગાસિટી અમદાવાદમાં ગુજરાત સરકારના મહત્ત્વાકાંક્ષી મેટ્રોરેલ પ્રોજેક્ટની નક્કર શરૂઆત ભલે પાંચ વર્ષ પહેલાં શરૂ થઇ, પણ બજેટમાં રૂ.૧૦૦ કરોડની જોગવાઇ કરીને એની પહેલવહેલી જાહેરાત થઇ હતી. ૨૦૦૪માં હવે ૧૬ વર્ષ બાદ ગાડી પટરી ઉપર આવશે. તેય પ્રથમ તબક્કાના ૪૦ કિલોમીટરના કામ પૈકી ૧૬ ટકા હિસ્સામાં જ, યાને વસ્ત્રાલથી ખોખરા બ્રિજના પૂર્વ છેડે એપરલ પાર્ક સુધીના માત્ર સાડા છ કિલોમીટરના પટ્ટામાં જ. દિવાળી પર્વ સમયે માત્ર એન્જિન દોડાવી ટેસ્ટિંગ શરૂ થશે અને લોકસભાની ચૂંટણી પહેલાં ડિસેમ્બરમાં તો કર્મિશયલ રીતે ટ્રેન દોડાવવા આકાશપાતાળ એક કરવામાં આવશે.

આમ તો પ્રોજેક્ટ માટે ડબ્બા સહિતની ટ્રેન પૂરી પાડનારી દક્ષિણ કોરિયાની કંપની હ્યુન્ડાઇ રોટેમએ ત્રણ- ત્રણ ડબ્બા સાથેની બે ટ્રેન પહેલા લોટમાં જાન્યુઆરીમાં આપવાનો વાયદો કર્યો છે, પણ લોકસભાની ચૂંટણી ધ્યાને રાખીને દિલ્હી- બેંગલુરુ- હૈદરાબાદ કે પછી ગમે ત્યાંથી કામચલાઉ રીતે ટ્રેન મેળવીને દોડાવવામાં આવશે. હ્યુન્ડાઇ રોટેમ કંપની પ્રોજેક્ટ માટે ત્રણ કોચ યાને ડબ્બાવાળી કુલ ૩૨ ટ્રેન પૂરી પાડનારી છે, જો કે એ પણ હપ્તે હપ્તે ડિલીવરી મળશે.

વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી મેટ્રો ટ્રેન એલિવેટેડ કોરિડોરમાં દોડનારી છે, જેનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે આ પટ્ટામાં ૬ પૈકી ૩ સ્ટેશન ઊભા કરવાનું કાર્ય જ બાકી રહે છે. એપરલ પાર્કથી શાહપુર ગાંધીબ્રિજના પૂર્વ છેડા સુધી મેટ્રોટ્રેન ભૂગર્ભ ટનલમાં દોડવાની છે, જે માટે અત્યારે ૫.૮ મીટરના ડાયામીટરની બે ટનલ બાજુ-બાજુમાં આવન-જાવન માટે એલ.એન્ડ. ટી. દ્વારા તૈયાર થઇ રહી છે અને એ કાર્ય પૂર્ણ થતાં હજી દોઢ-બે વર્ષ નીકળી જશે,

એક ડબ્બાની કેપેસિટી ૩૪૫ મુસાફરોને સમાવવાની

દક્ષિણ કોરિયન કંપની હ્યુન્ડાઇ રોટેમ દ્વારા જે કોચ યાને ટ્રેનનો ડબ્બો મળનારો છે, તેની લંબાઇ ૨૧.૭ મીટર, પહોળાઇ ૨.૯ મીટર અને ઊંચાઇ ૩.૯ મીટર હશે, જેમાં ૪૫ મુસાફરો માટે બેસવાની વ્યવસ્થા હશે. જ્યારે બીજાં ૩૦૦ લોકો ડબ્બામાં ઊભા રહી શકશે. આવા ત્રણ ડબ્બા એક ટ્રેનમાં જોડાશે, એટલે કે એક ટ્રેનમાં ૧ હજાર જેટલા પ્રવાસીઓ મુસાફરી કરી શકશે. જો કે વસ્ત્રાલથી શરૂ થનારી ટ્રેન પાંચ-સાત મિનિટમાં તો એપરલ પાર્ક પહોંચાડી દેશે.

શરૂઆતમાં ટિકિટનો દર ટોકનરૂપે હશે

વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી મેટ્રોટ્રેનની ટિકિટ શું હશે તે બાબત છાતી સરસી દબાવીને રાખવામાં રહી છે. જો કે એવું કહેવાય છે કે, એ ટિકિટનો દર હાલ પૂરતો સૌ કોઇને પોસાય તેવો લઘુત્તમ ટોકનરૂપે રહેશે, બાદમાં પ્રથમ તબક્કાનું કાર્ય જ્યારે પરિપૂર્ણ થશે ત્યારે ટિકિટનો દર કર્મિશયલી સક્ષમ બનાવાશે. ટિકિટનો દર નક્કી કરવા માટે દિલ્હીમાં નિવૃત્ત હાઇકોર્ટ જજની અધ્યક્ષતામાં કમિટી બની છે.

Next Story