Connect Gujarat
દેશ

રૂપિયા 100 ની નવી નોટમાં ગુજરાતની હેરિટેજ સાઈટ રાણકી વાવને મળ્યું સ્થાન

રૂપિયા 100 ની નવી નોટમાં ગુજરાતની હેરિટેજ સાઈટ રાણકી વાવને મળ્યું સ્થાન
X

નોટની નવી ડિઝાઈનને અંતિમ રૂપ મૈસૂરના એ જ પ્રિન્ટિંગ પ્રેસમાં અપાયું છે, જ્યાં 2000ની નોટ છપાય છે.

ભારતીય રિઝર્વ બેન્ક ટૂંક સમયમાં જ રૂપિયા 100ની નવી ચલણી નોટ બજારમાં જાહેર કરવા જઈ રહી છે. નવી નોટનો રંગ જાંબુડિયો હશે અને તેના પર વૈશ્વિક હેરિટેજ સાઈટ્સમાં સામેલ ગુજરાતની ઐતિહાસિક રાણકી વાવની ઝાંખી જોવા મળશે. આકારમાં આ નોટ જૂની 100ની નોટથી થોડી નાની અને રૂપિયા 10ની નોટથી સામાન્ય મોટી હશે. નવી ચલણી નોટ જાહેર થયા બાદ પણ જૂની નોટો ચલણમાં ચાલુ રહેશે. સરકારે આપેલી માહિતી પ્રમાણે રૂપિયા 100ની નવી નોટોનું પ્રિન્ટિંગ બેન્કનોટ પ્રેસ દેવાસમાં શરૂ થઈ ગયું છે. નોટની નવી ડિઝાઈનને અંતિમ રૂપ મૈસૂરના એ જ પ્રિન્ટિંગ પ્રેસમાં અપાયું છે, જ્યાં 2000ની નોટ છપાય છે.

આ વખતે એક મોટો ફેરફાર એ પણ કરાયો છે કે, નવી નોટના પ્રિન્ટિંગમાં સ્વદેશી શાહી અને કાગળનો જ ઉપયોગ કરવામાં આવશે. મૈસૂરમાં જે શરૂઆતી પ્રોટોટાઈપ (નમૂના) છપાયા હતા, તેમાં વિદેશી શાહીનો ઉપયોગ થયો હતો. દેવાસમાં દેશી શાહીના ઉપયોગને પગલે ચોકક્સ રંગ મેળવવામાં પડેલી તકલીફનો પણ ઉકેલ લાવી દેવાયો છે. નવી નોટ આકાર સાથે વજનમાં પણ હળવી હશે. જ્યાં જૂની 100ની નોટોના એક બંડલનું વજન 108 ગ્રામ હતું, ત્યારે સાઈઝ નાની થવાથી નવી 100ની નોટોના બંડલનું વજન 80 ગ્રામની આજુબાજુ હશે. આરબીઆઈની મહોરનું દેવાસ બેંક નોટ પ્રેસમાં ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે.

આરબીઆઈ ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં નવી નોટ બહાર પાડશે. નવી નોટમાં સામાન્ય સલામતી ફિચરની સાથે 1 ડઝન નવા સૂક્ષ્મ સલામતી ફિચર છે કે જે માત્ર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશમાં જ જોઈ શકાશે. નવી નોટ મૂકવા બેંકોએ તેમના ATMની કેશ ટ્રેમાં ફરી ફેરફાર કરવો પડશે. 2014 બાદ ચોથી વખત બેંકો ATMમાં ફેરફાર કરશે. પાટણમાં આવેલી રાણકી વાવનો યુનેસ્કોના 2014માં વર્લ્ડ હેરિટેજ સ્થળમાં સમાવેશ કરાયો હતો. વાવ 1063માં ગુજરાતના શાસક ભીમદેવ સોલંકી પ્રથમની સ્મૃતિમાં તેમના પત્ની રાણી ઉદયમતિએ બનાવી હતી. ગઈ સદીમાં પુરાતત્વ વિભાગ દ્વારા તે શોધી કાઢ્યા પહેલા લગભગ 700 વર્ષ સુધી આ વાવ સરસ્વતી નદીમાં દબાયેલી રહી.

100 રૂપિયાની નવી નોટની ખાસિયતો

  1. અંકોમાં 100 નીચે તરફ લખેલ છે.
  2. દેવનાગરી લિપિમાં 100 વચ્ચે ગાંધીજીના ચિત્રની ડાબી બાજૂ હશે.
  3. મધ્યમાં ગાંધીજીની તસવીર હશે.
  4. માઇક્રો લેટર્સમાં RBI,ભારત, INDIa અને 100 લખેલ હશે.
  5. મહાત્મા ગાંધીની તસવીરની ડાબી બાજુ પ્રોમિસ ક્લોઝ હશે અને તેની નીચે ગવર્નરનાં સાઇન હશે
  6. 6 ડાબી બાજૂ જ અશોક સ્તંભ હશે.

Next Story