Connect Gujarat
ગુજરાત

રાજકોટ લૂંટના ઇરાદે થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો

રાજકોટ લૂંટના ઇરાદે થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો
X

રાજકોટમાં કોઠારીયા રોડ પર હાઉસિંગ બોર્ડ ક્વાટરમાં 15 દિવસ પહેલા લૂંટના ઇરાદે મહિલાની થયેલી હત્યાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી લીધો છે અને હત્યા કરનારા ત્રણ શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે. ઝડપાયેલા ત્રણેય શખ્સો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે.

રાજકોટમાં કોઠારીયા રોડ પર આવેલા હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં ગત તારીખ 22 ઓગષ્ટ ને મોડી રાત્રીના અજાણ્યા શખ્સો બારીની ગ્રીલ તોડી પરપ્રાંતીય પરિવારના ઘરમાં ઘુસ્યા હતા અને રૂપિયા 2000 ની રોકડ , ત્રણ મોબાઈલની લૂંટ ચલાવી હતી અને રીટાદેવી નામની મહિલા પર છરી વડે હુમલો કરી ક્રૂર હત્યા કરી હતી ,તેમજ મહિલાના ભાઈ તાપસ મંડલને હુમલામાં ગંભીર ઇજા પહોંચાડી હતી.

લૂંટ અને હત્યાના આ બનાવમાં સંડોવાયેલા ત્રણ શખ્સો આજીડેમ ચોકડી પાસે બેસેલા હોવાની ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ ને બાતમી મળી હતી જેના આધારે પોલીસે દરોડો પડયો હતો અને ભુપત કાના પરમાર , ચોથા દેવસી પરમાર અને તેનાભાઈ ભગા દેવસી પરમારની પોલીસે ધરપકડ કરી હતી અને એક મોબાઈલ પોલીસે કબ્જે કર્યો છે.

ઝડપાયેલા શખ્સો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું સામે આવ્યું છે. આરોપી ભુપત કાના અગાઉ રાજકોટ અને વડોદરામાં ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. આ સાથે જ ચોથા દેવસી અને ભગા દેવસી બંને ભાઈઓ દોઢ વર્ષ પહેલા રાજકોટની રાધેશ્યામ ગૌ શાળામાં થયેલી લૂંટ અને અમરેલીમાં ચોરીના ગુનામાં પોલીસના હાથે પકડાઈ ચુક્યા છે ત્યારે હાલ પોલીસે આ ત્રણેય શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story