Connect Gujarat
ગુજરાત

રાજકોટ જમીન મકાન દલાલી નું કામ કરતા પ્રૌઢ ની હત્યા થી ચકચાર

રાજકોટ જમીન મકાન દલાલી નું કામ કરતા પ્રૌઢ ની હત્યા થી ચકચાર
X

વ્યાજખોરોએ સુરેશ નાથવાણીને ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધા હોવાની પોલીસ ફરિયાદ

રાજકોટના ઘંટેશ્વર ખાતે જમીન-મકાનની દલાલીનું કામ કરતા 50 વર્ષીય સુરેશ નથવાણીનું વ્યાજખોરોએ ગોળી મારીને ઢીમ ઢાળી દેતા ચકચાર મચી ગઈ હતી.

રાજકોટના ગાંધીગ્રામ જીવંતિકા નગર-5માં રહેતા સ્ટેટ બ્રોકર લોહાણા સુરેશ હીરાલાલ નથવાણીએ સતિષ આહીર અને પિન્ટુ દરબાર પાસેથી વ્યાજે રૂપિયા 2 લાખ લીધા હતા અને તેના બદલામાં તેમણે સુરેશભાઈના મકાનનું સાટાખત લખાવી લીધુ હતુ. સુરેશભાઇએ વ્યાજે લીધેલા રૂપિયા સામે દર મહિને 6000 રૂપિયાનું વ્યાજ ચુકવતા હતા. પરંતુ તેમની આર્થિક સ્થિતિ સારી ન રહેતા વ્યાજ ચૂકવી શક્યા ન હતા.

તેથી વ્યાજખોરો તેમને વારંવાર ધાકધમકી આપતા હતા અને અગાઉ પણ તેમને કારમાં જબરજસ્તી ઉપાડી જઈને ધાક ધમકી આપી હતી. પરંતુ તારીખ 12મી સપ્ટેમ્બર સોમવારના રોજ સાંજે સતિષ આહીરે સુરેશ નથવાણીને ફોન કરીને મકાન સોદાના બહાના હેઠળ બોલાવ્યા હતા. જોકે સુરેશ ભાઈને તેમની વાતમાં વિશ્વાસ ન હોવાથી તેમણે પત્ની જ્યોત્સનાને સતિષનો મોબાઈલ નંબર આપ્યો હતો અને કહ્યુ હતુ કે તેમના પેટમાં પાપ છે. તેથી જો મારો નંબર ન લાગે તો સતિષને ફોન કરજે તેમ કહીને તેઓ ઘરેથી નીકળ્યા હતા.

જોકે, મોડી સાંજ સુધી સુરેશભાઇ ઘરે પરત ન ફરતા કે તેમનો ફોન ન આવતા તેમની પત્નીએ ફોન પર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ફોન બંધ આવતા સતિષ આહીરનો પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, તેનો ફોન પણ બંધ આવતો હતો.

આકુળ વ્યાકુળ બનેલા લોહાણા પરિવારના ઘરે થોડા સમય બાદ પોલીસ આવી હતી અને ઘટના અંગે માહિતી આપી હતી. સુરેશ નથવાણીને ચાર ગોળી મારીને મોતને ઘાટ ઉતારીને સતિષ આહીર અને પિન્ટુ દરબાર ફરાર થઇ ગયા હોવાની પોલીસ ફરિયાદ મૃતક સુરેશ નથવાણીની પત્ની જ્યોત્સનાબેન દ્વારા દર્જ કરવામાં આવી છે. રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ હત્યાની ઘટના સંદર્ભે તપાસ કરી રહ્યા છે.

Next Story