Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા જરૂરીયાત મંદ બાળકોમાં સાંસ્કૃતિક ઉત્કર્ષ માટેનો સ્તુત્ય પ્રયાસ

અંકલેશ્વર શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા જરૂરીયાત મંદ બાળકોમાં સાંસ્કૃતિક ઉત્કર્ષ માટેનો સ્તુત્ય પ્રયાસ
X

આદ્ય શક્તિમાં અંબાની આરાધનાના પર્વ સાથે માનવ સેવાની સુવાસ પણ પ્રસરાવી, દેહ દાન, રક્તદાન માટેના લેવાયા સંકલ્પો.

અંકલેશ્વર જીઆઇડીસી શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા સરદાર પટેલ સમાજની વાડી ખાતે યોજાતા નવરાત્રિ મહોત્સવમાં માતાજીની આરાધના સાથે માનવ સેવાની પ્રવૃત્તિ થકી લોકોમાં સેવાકીય ભાવનાની મહેક પ્રસરાવી છે.

શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. વર્તમાન સમયમાં એક તરફ જ્યાં ભપકાદાર આયોજનો થકી ગરબા પણ કોમર્શિયલ બની ગયા છે ત્યારે ધાર્મિકતાની સાથે સેવાકીય ભાવનાને યુવા મિત્ર મંડળે લોક હૃદયમાં ધબકતી રાખી છે. જીઆઇડીસી ખાતેના 500 ક્વાટર્સ નજીક આવેલ અને જિલ્લા પંચાયત સંચાલિત શ્રી સરદાર પટેલ શાળાના જરુરિયાત મંદ બાળકો કે જે મોટા ગરબા આયોજનોનો લાહવો નથી લઇ શકતા તેવા બાળકો માટે સુંદર ગરબાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આધુનિક સાઉન્ડ સિસ્ટમ, સુંદર ગરબા ગ્રાઉન્ડ પર ગાયકવૃંના સથવારે અંદાજીત 600 થી વધુ બાળકો ગરબે ઘુમીને પ્રફુલ્લિત થઇ ગયા હતા. સમાજના પ્રત્યેક વર્ગના લોકોને મનોરંજન અને બાળકોમાં છુપાયેલી સુષુપ્ત શક્તિને ઉજાગર કરવા માટેનુંપ્લેટફોર્મ મળવુ જોઈએ. જે યુવા મિત્ર મંડળે પુરુ પાડીને ધર્મની સાથે સેવાકીય પ્રવૃતિની સુવાસ પ્રસરાવી છે. જેને સૌ કોઈ બિરદાવી રહ્યુ છે.

આ ઉપરાંત શ્રી યુવા મિત્ર મંડળના આયોજનમાં આદર્શ નિવાસી હોસ્ટેલમાં રહેતા 150 જેટલા આદિવાસી બાળકો પણ સહભાગી બન્યા હતા. તેમજ જીઆઇડીસીમાં મજૂરી કરીને ગુજરાન ચલાવતા અને આર્થિક તેમજ શૈક્ષણિક રીતે પછાત બાળકોને પણ ગરબામાં યુવા મિત્ર મંડળે સહભાગી બનાવ્યા હતા અને બાળકોના ચહેરા પર સ્મિત રેલાવીને મંડળના સભ્યો લાગણીશીલ બની ગયા હતા.

શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા નવરાત્રિ પર્વમાં ગરબા રમવા ઉપરાંત જોવા માટે આવતા લોકોમાં નેત્રદાન, દેહદાન, રક્ત દાન અંગેની જાગૃતતા લાવવા માટેના સ્ટોલ મુકવામાં આવ્યા છે અને સ્વૈચ્છિક રીતે લોકો સંકલ્પપત્રો પણ ભરી રહ્યા છે. જાણવા મળ્યા મુજબ 14 વર્ષથી ચાલતી રક્તદાનની પ્રવૃત્તિમાં અત્યાર સુધી માં 44 થી વધુ શિબિર યોજીને અંદાજીત 9000 યુનિટ રક્ત દાન કરવામાં આવ્યુ છે. જ્યારે 100 દેહદાન અને 300 નેત્રદાન અંગેના સંકલ્પપત્રો પણ ભરાયા છે.

આ કાર્યક્રમ દરમિયાન શ્રી યુવા મિત્ર મંડળના હોદ્દેદારો, સભ્યો તેમજ શ્રી સરદાર પટેલ શાળાની શિક્ષિકા બહેનો તેમજ શ્રમજીવી બાળકોમાં શિક્ષણનું ભાથુ પીરસતી શિતલ મકવાણા સાથે તેઓની ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તમામ બાળકોને આ પ્રસંગે નાસ્તો તેમજ ગિફ્ટનું વિતરણ પણ યુવા મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યુ હતુ.

Next Story