Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર શહેર એસટી ડેપોમાં પાણી વિહોણી પરબ

અંકલેશ્વર શહેર એસટી ડેપોમાં પાણી વિહોણી પરબ
X

ગરમીમાં મુસાફરો તેમજ બસના ચાલક અને કંડકટરોનાં પાણી માટે વલખા.

અંકલેશ્વર શહેરના એસટી ડેપો ખાતે છેલ્લા પંદર દિવસથી પાણીની પરબ બંધ છે,જેના કારણે કાળઝાળ ગરમીમાં મુસાફરો તેમજ બસના ડ્રાઈવર કંડકટરોએ પણ પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે.

એક તરફ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના મોટા શહેરોમાં એસટી ડેપોને કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક સુવિધા સભર બનાવવામાં આવી રહ્યા છે,પરંતુ બીજી તરફ જે એસટી ડેપો જુના છે અને કાર્યરત છે તેમની દશા દિનપ્રતિદિન દયનિય બનતી જાય છે.અને આવાજ કંઈક અંકલેશ્વર એસટી ડેપોના હાલ છે.

અંકલેશ્વર શહેર ખાતેના એસટી ડેપોમાં છેલ્લા પંદર દિવસથી પાણીની પરબ શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે.ગ્રામ્ય વિસ્તારો માંથી મસાફરી કરતા મુસાફરો આ એસટી ડેપોનો વધુ ઉપયોગ કરતા હોય છે ત્યારે અસહ્ય ગરમીમાં પાણી વગર મુસાફરો ઉપરાંત બહારથી બસ લઈને આવતા ડ્રાઈવરો તેમજ કંડક્ટરોએ પણ પાણી વગર વલખા મારવા પડી રહ્યા છે.

પરબ બંધ રહેતા આખરે મુસાફરો તેમજ એસટીના કર્મચારીઓ એ વેચાતુ પાણી લાવીને તરસ છુપાવી પડી રહી હોવાનું કહેવાય રહ્યુ છે.અને એસટી ડેપોમાં ટેન્કર મારફતે પણ પાણી મંગાવવા માં આવે છે પરંતુ તે અપુરતુ રહે છે.

આ સમસ્યા અંગે NCPના ભરૂચ જિલ્લા પ્રમુખ ડી.સી.સોલંકી દ્વારા ગુજરાત રાજ્યના માર્ગ અને વાહન નિગમમાં મૌખિક રજૂઆત કરવામાં આવી છે,અને આવનાર બે દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ આવશે તેવી હૈયાધારણા એસટી ના અધિકરીઓ દ્વારા આપવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા તાજેતરમાં જ છાશ અને પાણીનું જાહેર જનતા માટે નિઃશુલ્ક વિતરણ કરીને સેવાની છાપ ઉભી કરવામાં આવી હતી,ત્યારે ખરા અર્થમાં જરૂરિયાત વાળા લોકોને મદદ કરવાના સમયે આ સેવાભાવીઓ ક્યાં ગાયબ થઇ ગયા તે પ્રશ્ન પણ લોકોમાં ચર્ચાય રહ્યો છે.

Next Story