Connect Gujarat
ગુજરાત

આમોદ તાલુકાના હેતમપુરા ગામ તંત્ર માટે સાવકુ બન્યુ

આમોદ તાલુકાના હેતમપુરા ગામ તંત્ર માટે સાવકુ બન્યુ
X

ઔદ્યોગિક રીતે વિકસિત જિલ્લાના ગામના રહીશોના પાણી માટે વલખા

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સમસ્યાઓથી ઘેરાયેલા હેતમપુરા ગામના લોકો પ્રાથમિક સુવિધાઓ થી પણ વંચિત રહેતા હવે પાણી અને રસ્તા માટે આંદોલનના મૂડમાં આવી ગયા છે.

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા મથકથી જાણે વિખુટા પડેલા હેતમપુરા ગામના રહીશો પાણી અને રસ્તા માટે વર્ષોથી વલખા મારી રહ્યા છે,હેતમપુરા,વલીપોર અને દેણવા ગામ મળીને દેણવા ગ્રુપ ગ્રામ પંચાયત બનાવવામાં આવી છે.જાણવા મળ્યા મુજબ દેશ આઝાદ થયા બાદ હેતમપુરા ગામનો પાકો રસ્તો બન્યો નથી કે ગ્રામજનોને પાણીની કોઈ સારી સુવિધા પણ મળી નથી.

ગરમીની મોસમમાં ટેન્કર દ્વારા ગ્રામજનોને પાણી પહોંચાડવા માં આવે છે,પરંતુ તે પણ અનિયમિત રહેતા આખરે ગ્રામજનોએ અંદાજિત પાંચ કિલોમીટર સુધી દૂર ચાલીને પાણી ભરવું પડી રહ્યુ છે. ONGC દ્વારા નજીકના ગામો સહિત અન્ય ગામોને પાઇપ લાઈન મારફતે પાણીની સુવિધા આપવામાં આવી છે.ત્યારે હેતમપુરા ગામ માટે પણ પાણીની સગવડ ઉભી કરવામાં આવે તેવી લેખિતમાં ગામના સરપંચ દ્વારા માંગ કરવામાં આવી છે.

વધુમાં હેતમપુરા ગામની મહિલાઓ દૂર સુધી પાણી ભરવા માટે જાય છે અને ગંદુ પાણી ઘર વપરાશ માટે ભરીને લાવે છે,પણ પીવા માટેના મીઠા પાણીની સમસ્યાથી ગ્રામજનો હવે ત્રાહિમામ પોકારી ઉઠયા છે.ગામના સામાજિક કાર્યકર સૈયદ મગબુલભાઈ દ્વારા હેતમપુરા ગામમાં પાણીનો બોર સ્વ ખર્ચે બનાવ્યો છે પરંતુ તેમાંથી અંદાજિત 5000 TDS વાળું પાણી નીકળતા પીવાના ઉપયોગમાં લઇ શકાતુ નથી.

દેણવા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ ચંદુભાઈ વસાવા દ્વારા ઉચ્ચકક્ષા સુધી સમસ્યાના નિરાકરણ અર્થે રજૂઆતો કરી છે,પરંતુ કમનસીબી એ છે કે કોઈ અધિકારી,કે ધારાસભ્યે પણ ગામની મુલાકાત લીઘી નથી અને દિનપ્રતિદિન પાણીની સમસ્યા વિકટ બની રહી છે,ત્યારે આવનાર દિન આઠમાં જો ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ નહિ આવેતો આમરણાંત ઉપવાસ કરવાની ચીમકી પણ સરપંચે ઉચ્ચારી છે.

Next Story