Connect Gujarat
ગુજરાત

રાજકોટમાં સાતમ આઠમનો મેળો સ્માર્ટ સીટીની થીમ પર યોજવામાં આવશે: વિક્રાંત પાંડે

રાજકોટમાં સાતમ આઠમનો મેળો સ્માર્ટ સીટીની થીમ પર યોજવામાં આવશે: વિક્રાંત પાંડે
X

તાજેતરમાં સ્માર્ટ શહેરોની યાદીમાં રાજકોટની પસંદગી ત્રીજા ક્રમે કરવામાં આવી છે ત્યારે સૌરાષ્ટ્રની શાન ગણાતા રાજકોટનાં લોકમેળાને સ્માર્ટ સિટી અને કેશલેશ ઇકોનોમીની થિમ પર સજાવવામાં આવશે. પરંતુ સ્માર્ટ સિટીની થિમ પાછળ ગત વર્ષ કરતા આ વર્ષે નાના વેપારીઓને 30 થી 40 ટકાનો ભાવ વધારો ચુકવવો પડશે.

સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીનાં તહેવારની લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. ત્યારે સૌરાષ્ટ્રના સૌથી મોટો ગણાતા રાજકોટનાં લોકમેળામાં પાંચ દિવસ લાખો લોકો મેળાની મોજ માણતા હોય છે. આ વર્ષે રાજકોટ શહેરની પસંદગી સ્માર્ટ શહેરોની યાદીમાં ત્રીજા ક્રમે કરવામાં આવી છે ત્યારે લોકમેળા આયોજન સમિતી અને જિલ્લા વહીવટી તંત્રએ પણ લોકમેળાને સ્માર્ટ સિટીની થીમ પસંદ કરવામાં આવી છે. સ્માર્ટ શહેરમાં ‘સ્માર્ટ મેળો’ કેવો હોવો જોઇએ તેની લોકોને ઝાંખી કરાવવામાં આવશે. એટલું જ નહિં નોટબંધી બાદ કેશલેશ ઇન્ડીયા બનાવવાનાં વડાપ્રધાનનાં સ્વપ્નને સાથે રાખીને જિલ્લા વહિવટી તંત્રએ ‘કેશલેશ’ પદ્ધતિનો વધુમાં વધું ઉપયોગ થાય તેવું પણ આયોજન કર્યું છે.

તો બીજી તરફ સ્માર્ટ સીટીની થિમ તૈયાર કરવાનો ખર્ચ વધી જતો હોવાથી દરવર્ષની જેમ આ વર્ષે પણ સ્ટોલ ધારકોને ભાડામાં વધારાનો ડામ આપવામાં આવ્યો છે. ગત વર્ષે સ્ટોલની કિંમત 13 હજાર રાખવામાં આવી હતી જે ચાલુ વર્ષે વધારીને 20 હજાર કરવામાં આવી છે. 178 જેટલા સ્ટોલ ધારકોને લોકમેળામાં પ્લોટ ફાળવવામાં આવશે. જેમાં આઇસ્ક્રીમ પાર્લરો, યાંત્રીક રાઇડો, ખાણી પીણીનાં સ્ટોલ અને રમકડાનાં સ્ટોલનો સમાવેશ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટ વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, નાના વેપારીઓ પર કોઇ ભારણ નહિં નાખવામાં આવે અને રેસકોર્ષમાં આરએમસીની મંજૂરીથી ધંધો કરતા વેપારીઓ છે તેને પણ લોકમેળામાં આરએમસીનું કાર્ડ જોઇને સમાવી લેવામાં આવશે.

ગત વર્ષે જન્માષ્ટમીનાં મેળાને ગામડાની સંસ્કૃતિની થીમ પસંદ કરવામાં આવી હતી અને ‘મારો રંગીલો મેળો’ નામ આપવામાં આવ્યું હતું. જ્યારે ચાલું વર્ષે સ્માર્ટ સિટીની થીમ પસંદ કરાતા લોકમેળાનાં ખર્ચમાં પણ વધારો થયો છે જેનો ડામ સ્ટોલ ધારકોને લાગ્યો છે.

Next Story