પોલીસ તંત્રમાં સબ ઇન્સ્પેકટર પીએસઆઈમાંથી પ્રમોશન આપીને ભરાતી પીઆઇની જગ્યાઓ ઉપર સીધી ભરતી માટે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવખત જાહેરાત થઈ છે. ક્લાસ ટુ કેટેગરીની 115 જગ્યા માટે ગુજરાત જાહેર સેવા આયોગ – જી.પી.એસ.સી.એ ભરતી પ્રક્રિયાનો શિડ્યુલ જાહેર કરતા વર્ષોથી પોલીસ સંવર્ગમાં ઉપલી જગ્યા માટે રાહ જોઈ રહેલા સેંકડો યુવાનોને નવી તક ઉપલબ્ધ થઈ છે.

દોઢ બે દાયકા સુધી પીઆઇની જગ્યાઓ માટે પીએસઆઇ, એએસઆઇ જેવી ફિડર કેડરમાં ભરતી થઈ ન હતી. આથી રાજ્યમાં પીઆઇની અછતને નિવારવા સરકારે ચાર વર્ષ પહેલા સીધી ભરતીનો નિર્ણય કર્યો હતો. ગૃહ અને સામાન્ય વહીવટે તેના રિક્રુટમેન્ટ રૂલ્સ આખરી કર્યા બાદ સોમવારે જીપીએસસીએ 115 પીઆઇની સીધી ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરી છે. ભરતી પરીક્ષાઓથી અલગ જીપીએસસીએ ક્લાસ ટુની પીઆઇની પસંદગીમાં સ્ક્રીનિંગ ટેસ્ટ માટે 300 માકર્સની પ્રિલિમ્સ લીધા બાદ તેમાં ફિજિકલ ટેસ્ટ, આ ટેસ્ટમાં સફળ થનારે બુદ્ધિમત્તા માટે 200 – 200 માર્ક્સના ચાર ટેસ્ટ અને છેલ્લે મૌખિક ઇન્ટરવ્યુનો શિડ્યુલ જાહેર કર્યો છે.